નવી દિલ્હી: વર્ષ 2016માં શરુ થયા બાદ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) હાલ ભારતીયોના જીવનનો સામાન્ય હિસ્સો બની ગયું છે. માર્ચ 2026 માં UPI એ ફરી એકવાર તમામ રેકોર્ડ તોડ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં મુજબ, માર્ચ 2026 માં દેશભરમાં કુલ ₹29.53 લાખ કરોડના UPI ટ્રાન્ઝેક્શન નોંધાયા હતાં, જે એક રેકોર્ડ છે..
NPCIના અહેવાલ મુજબ માર્ચમાં કુલ 22.64 અબજ ટ્રાન્ઝેક્શન યોજાયા હતાં, આ પણ એક નવો રેકોર્ડ છે. ફેબ્રુઆરી 2026 માં 20.39 અબજ UPI ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. જાણકારોના મત મુજબ માર્ચ મહિનામાં તહેવારો અને નાણાકીય વર્ષના અંતને કારણે વધુ ટ્રાન્ઝેક્શન થયા છે. માર્ચ 2026માં કુલ ₹29.53 લાખ કરોડના UPI ટ્રાન્ઝેક્શન થયા હતા, જે ફેબ્રુઆરીમાં ₹26.84 લાખ કરોડના હતા. હવે માત્ર નાના ટ્રાન્ઝેક્શન માટે જ નહીં, પરંતુ મોટા વ્યવહારો ટ્રાન્ઝેક્શન માટે UPIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે દર્શાવે છે કે ભારતની ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ ઝડપથી વિકસી રહી છે.
માર્ચ મહિનામાં દરરોજ સરેરાશ 73 કરોડ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતાં, સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શન વેલ્યુ આશરે ₹95,243 કરોડ હતું. માર્ચ 2026માં માર્ચ 2025માં નોંધાયેલા ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 24% અને કુલ મૂલ્યમાં 19% નો વધારો નોંધાયો હતો.ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ (DFS) એ આ પ્રદર્શન અંગે ખુશી વ્યક્ત કરી છે અને લોકોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા અપીલ કરી છે.