Tue Aug 25 2026

Logo

બોમ્બની ધમકી મળતા ભુજ સેશન્સ કોર્ટ ખાલી કરાવાઈ, પોલીસ છાવણીમાં ફેરવાયું કેમ્પસ

2026-03-05 14:21:00
Author: Mumbai Samachar Team
બોમ્બની ધમકી મળતા ભુજ સેશન્સ કોર્ટ ખાલી કરાવાઈ, પોલીસ છાવણીમાં ફેરવાયું કેમ્પસ

ભુજઃ  કચ્છના મુખ્ય મથક ભુજમાં આવેલીસેશન્સ કોર્ટને આજે ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કચેરીના સત્તાવાર ઈ-મેઈલ પર આ ધમકી મળતા જ સમગ્ર અદાલત સંકુલમાં ભયનો માહોલ ફેલાયો હતો. 

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુરુવારે સવારે જ્યારે અદાલતની કામગીરી રાબેતા મુજબ ચાલી રહી હતી, ત્યારે રજિસ્ટ્રાર કચેરીના ઈ-મેઈલ પર એક અનામી મેઈલ આવ્યો હતો. જેમાં કોર્ટ પરિસરમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મેઈલ જોતા જ રજિસ્ટ્રાર દ્વારા તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ન્યાયાધીશો, વકીલો અને અસીલોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ચાલુ કામગીરી વચ્ચે ડરના માર્યા લોકો પરિસરની બહાર દોડી આવ્યા હતા, જેના કારણે ભારે અફરાતફરી સર્જાઈ હતી.સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરાવીને પોલીસે કિલ્લેબંધી કરી દીધી હતી. ધમકીના સમાચાર મળતા જ સ્થાનિક પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડોગ સ્કવોડની મદદથી કોર્ટના દરેક રૂમ, રેકોર્ડ રૂમ અને પાર્કિંગ વિસ્તારની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી જેમાં હજુ સુધી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી. પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

નોંધનીય છે કે હજુ થોડા દિવસો પહેલા જ ભુજની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ આ જ પ્રકારે ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. એ અગાઉ કંડલાના એરપોર્ટને પણ આર.ડી.એક્સ જેવા વિસ્ફોટક પદાર્થ વડે ક્ષતિ પહોંચાડવાની ધમકી મળી હતી. એક પછી એક મહત્વની સરકારી કચેરીઓને નિશાન બનાવી આવી ધમકીઓ મળતા નાગરિકોમાં ચિંતા અને ભય વ્યાપ્યો છે.

દરમ્યાન, ભુજ સાયબર ક્રાઈમની ટુકડીએ આ ધમકીભર્યો ઈ-મેઈલ કયા સર્વર પરથી મોકલવામાં આવ્યો છે તેની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં આ એક 'હોક્સ કોલ'એટલે કે ખોટી ધમકી હોવાનું જણાઈ રહ્યું છે, જેનો હેતુ માત્ર ભય ફેલાવવાનો હતો તેમ પી.આઈ.એસ.એન.ચુડાસમાએ જણાવ્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)