Thu Oct 01 2026

Logo

રણપ્રદેશ કચ્છમાં હવે ખેડૂતોને નહીં થાય પાણીની તંગી, નર્મદાના નીરથી સરહદી વિસ્તારો થશે જળથી સમૃદ્ધ

2026-09-10 12:10:00
Author: Mumbai Samachar Team
રણપ્રદેશ કચ્છમાં હવે ખેડૂતોને નહીં થાય પાણીની તંગી, નર્મદાના નીરથી સરહદી વિસ્તારો થશે જળથી સમૃદ્ધ

ભુજઃ ગુજરાતના રણપ્રદેશ કચ્છ જિલ્લામાં નર્મદાના એક મિલિયન એકર ફીટ પાણીના સુવ્યવસ્થિત ઉપયોગ માટે રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત નોર્ધન લિંક ફેઝ-1 અને ફેઝ-2 નું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેના પગલે આગામી માર્ચ-2027 સુધીમાં ભુજ, નખત્રાણા અને સીમાવર્તી લખપત તાલુકાના ગામોને પાઈપલાઈન દ્વારા નર્મદાનું વધારાનું પાણી મળતું થઈ જશે. આનો સીધો ફાયદો આ પ્રાંતના ખેડૂતોને થવાનો છે. ખાસ કરીને પાકની સીઝનમાં પાણીનો પ્રશ્ન જે અગાઉ મુશ્કેલી ઊભી કરતો એ હવે ઉકેલાઈ જશે. 

શું કહ્યું ઉચ્ચ અધિકારીએ?

કચ્છ સિંચાઈ વિભાગના ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઈજનેર સોનુકુમાર સિંઘે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ₹1,394.11 કરોડના ખર્ચે અંજાર તાલુકાના ટપ્પર ડેમથી નખત્રાણા તાલુકાના નિરોણા ડેમ સુધી કુલ 151 કિલોમીટર (121 કિ.મી. મુખ્ય અને 30 કિ.મી. ફીડર) લાંબી પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. પદ્ધર, મમુઆરા, વરનોરા અને કાયલા સહિતના ફીડર પમ્પિંગ સ્ટેશનો મારફતે ચાલતી આ યોજનાથી નખત્રાણા અને ભુજ તાલુકાના 22 ગામોના 36,392 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે તેમજ 37,896 લોકોને પૂરતું પાણી મળશે. હાલ આ પ્રોજેક્ટની ભૌતિક કામગીરી 94 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે.

પાઈપલાઈન દ્વારા પહોંચશે પાણી

જયારે નોર્ધન લિંક ફેઝ-2 યોજનામાં રૂા. 900.90 કરોડના ખર્ચે નખત્રાણાના મકનપર નિરોણા ડેમ પાસેથી લખપત તાલુકાના નરા ડેમ સુધી 80.96 કિલોમીટર મુખ્ય અને 39.12 કિલોમીટર ફીડર પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવામાં આવશે. ઊલટ, ખારડિયા, દેવસર, મથલ, વિગોડી અને ગજણસર સહિતના ફીડર્સ દ્વારા નખત્રાણા અને લખપત તાલુકાના ૨૫ ગામોના 31,681 હેક્ટર વિસ્તારનો કાયાકલ્પ થશે અને 25,883 લોકોને પાણીની અછતમાંથી રાહત મળશે. આ તબક્કાની કામગીરી પણ 84 ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છે. આ યોજનાઓ પૂર્ણ થવાથી કચ્છના અંતરિયાળ અને સરહદી વિસ્તારોના સૂકા જળાશયો ભરાઈ જશે તેમજ પશુપાલન અને ખેતી ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળશે તેમ તેઓએ ઉમેર્યું હતું.