Wed Jun 17 2026

Logo

ઉત્તર કોરિયાનું વિસ્ફોટક પરીક્ષણ: કિમ જોંગ ઉને પુત્રી સાથે કર્યું મિસાઈલ ડ્રીલનું નિરીક્ષણ

Pyongyang   2026-03-15 10:01:00
Author: Tejas Rajpara
Article Image

પ્યોંગયાંગ: વિશ્વ જ્યારે મધ્ય પૂર્વના સંઘર્ષ પર નજર રાખી રહ્યું છે, ત્યારે પૂર્વ એશિયામાં પણ ગરમાવો વધી રહ્યો છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એકવાર પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરીને પડોશી દેશો અને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. સ્ટેટ મીડિયાના અહેવાલો અનુસાર, કિમ જોંગ ઉને એક વિશાળ સૈન્ય અભ્યાસનું નેતૃત્વ કર્યું હતું, જેમાં અત્યાધુનિક રોકેટ લોન્ચર સિસ્ટમ્સનું લાઈવ ફાયરિંગ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ ડ્રીલ દ્વારા ઉત્તર કોરિયાએ સંકેત આપ્યો છે કે તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે.

મીડિયાના જણાવ્યા અનુસાર, શનિવારે પૂર્વી તટ પર 600mm કેલિબરના 12 અલ્ટ્રા-પ્રિસિઝન રોકેટ લોન્ચરોની સ્ટ્રાઈક ડ્રીલ યોજાઈ હતી. આ અભ્યાસ દરમિયાન ઉત્તર કોરિયાએ લગભગ 10 જેટલી બેલેસ્ટિક મિસાઈલો પણ લોન્ચ કરી હતી, જેની પુષ્ટિ દક્ષિણ કોરિયાની સેનાએ પણ કરી છે. કિમ જોંગ ઉને આ ડ્રીલ પર સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ હથિયારો 420 કિલોમીટરની રેન્જમાં રહેલા દુશ્મનોના સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે.

આ સૈન્ય અભ્યાસની સૌથી વધુ ચર્ચિત બાબત એ હતી કે કિમ જોંગ ઉન સાથે તેમની 13 વર્ષની પુત્રી કિમ જૂ એ પણ જોવા મળી હતી. વાયરલ થયેલી તસવીરોમાં તે તેના પિતા સાથે મોટા લોન્ચ ટ્રકો પાસે ફરતી અને હથિયારોના પરીક્ષણનું અવલોકન કરતી નજરે પડે છે. વર્ષ 2022 ના અંતથી જ કિમ જૂ એ સતત મિસાઈલ પરીક્ષણો અને સૈન્ય પરેડમાં જોવા મળી રહી છે. સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે કે કિમ જોંગ ઉન પોતાની પુત્રીને ભાવિ ઉત્તરાધિકારી તરીકે તૈયાર કરી રહ્યા છે.

ઉત્તર કોરિયાનું આ તાજેતરનું પરીક્ષણ અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે ચાલી રહેલા વાર્ષિક સૈન્ય અભ્યાસ 'ફ્રીડમ શીલ્ડ' (Freedom Shield) ના જવાબ તરીકે જોવામાં આવે છે. ઉત્તર કોરિયા હંમેશા આવા સંયુક્ત અભ્યાસોને પોતાના પર હુમલો કરવાની તૈયારી માને છે. નિષ્ણાતોના મતે, આ નવા રોકેટ લોન્ચરો પરમાણુ હથિયાર લઈ જવા માટે પણ સક્ષમ છે, જે દક્ષિણ કોરિયામાં તૈનાત અમેરિકી સૈનિકો અને તેમના મથકો માટે સીધો ખતરો પેદા કરે છે.