પટણાઃ બિહાર રાજ્યમાં આશરે 2 દાયકા સુધી સત્તા પર શાસન કર્યા બાદ હવે નીતીશયુગનો અંત થવાનો છે. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર નીતીશકુમાર 30 માર્ચના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. નીતીશકુમાર રાજ્યસભા માટે નિયુક્ત થયા છે. 30 મી માર્ચે નીતીશકુમાર બિહાર વિધાનસભા પરિષદના સભ્યપદેથી રાજીનામું આપી દેશે.માત્ર નીતીશકુમાર જ નહીં નીતીન નબીન પણ વિધાનસભાના સભ્ય તરીકેના પદનો ત્યાગ કરશે અને રાજીનામું આપી દીશે. હાલમાં નીતીન નબીન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છે. નિતિન નબીન પણ રાજ્યસભામાં નિયુક્ત થઈ ચૂક્યા છે.
રાજીનામાને ગંભીરતાથી લેવાઈ રહ્યું
નીતીશકુમારે 5મી માર્ચે રાજ્યસભામાં જવાની જાહેરાત કરી હતી. આ સમયથી બિહારની રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો. આગામી મુખ્યમંત્રી કોણ બનશે અને ભારતીય જનતા પાર્ટી ક્યો દાવ રમશે એના પર સૌની નજર છે. આ માહોલ વચ્ચે વિપક્ષે એવો આરોપ મૂક્યો હતો કે, હવે નીતીશકુમારની પાર્ટીમાં જ વિરોધ શરૂ થઈ ચૂક્યો છે.
પાર્ટીના નેતાનું એવું કહેવું હતું કે,બિહારની જનતા એ નીતીશકુમારને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા રાજ્યસભામાં જવા માટે નહીં. રાજ્યસભામાં પદને લઈને નીતીશકુમારે એવું કારણ આપ્યું હતું કે,તેઓ હવે રાજ્યસભાના સભ્ય બનવા માગે છે. એમની ઈચ્છા રાજ્યસભામાં ખુરશી લેવાની છે. એક પોસ્ટ કરીને તેમણે કહ્યું હતું કે, મારી ઈચ્છા હતી હું બિહારમાં સભ્યતાની સાથે રાજ્યસભામાં પણ સભ્ય રહું, જોકે રાજકીય વિશ્લેષકો એમના રાજીનામાને ગંભીરતાથી લઈ રહ્યા છે.
ભાજપ સરપ્રાઈઝ આપી શકે
નીતીશકુમારને બિહારની રાજનીતિના સૌથી મોટા, અનુભવી અને મહત્ત્વના ખેલાડી તરીકે જોવામાં આવે છે. જેડીયુ સુપ્રીમો તરીકેની એમની છાપ છે અને પાર્ટીમાં પણ એમનું સારૂ એવું કદ છે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ તેઓ રાજીનામું આપી શકે છે એવી ચર્ચા હતી. પાર્ટીને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ કે, જ્યારે એમને પાર્ટીને લઈને નોંધણી કરાવી અને નવા નામાંકન માટે પ્રક્રિયા કરી એ સમયે એમની સામે કોઈએ ફોર્મ જ ભર્યું ન હતું.
આ પરથી એ સ્પષ્ટ થાય છે કે, તેઓ જેડીયુના સુપ્રીમો તરીકે યથાવત રહેશે. રાજકીય તેવર અને બિહારમાં ચાલી રહેલા સમીકરણોને ધ્યાને લેતા એટલું કહી શકાય કે હવે બિહારનું સંચાલન નીતીશકુમાર દિલ્હીથી કરશે. બીજી તરફ મુખ્યમંત્રી કોણ બનશે એ અંગે રહસ્ય યથાવત છે. એવામાં ભારતીય જનતા પાર્ટી પોતાનો કોઈ ચહેરો ઊભો કરીને ફરી સરપ્રાઈઝ આપી શકે છે.