અમદાવાદઃ વિશ્વના મોટાભાગના બજારોમાં વેચવાલીના દબાણ વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં પણ નબળી શરૂઆત થઈ છે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધવાને કારણે કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ના ભાવ ઉછળ્યા છે, જેની અસર હેઠળ સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 50 પણ ગગડ્યા છે. બ્રોડર માર્કેટ પર પણ ભારે અફડાતફડી મચેલી છે અને મિડકેપ તેમજ સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલીનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100માં આશરે 1-1% નો ઘટાડો નોંધાયો છે.
સેક્ટર મુજબ જોઈએ તો, નિફ્ટી ફાર્મામાં થોડી તેજી છે, જ્યારે બીજી તરફ શરૂઆતી કારોબારમાં ઓટો, આઈટી, મેટલ અને રિયલ્ટીના નિફ્ટી ઇન્ડેક્સમાં દોઢ-દોઢ ટકાથી વધુનો ઘટાડો થયો છે. પીએસયુ બેન્ક અને પ્રાઇવેટ બેન્કના નિફ્ટી ઇન્ડેક્સમાં અડધા-અડધા ટકાથી વધુનો ઘટાડો છે, જ્યારે નિફ્ટી એફએમસીજી (FMCG) પણ 1% થી વધુ તૂટ્યો છે.
ઇરાન અને ઇઝરાયેલ યુદ્ધની અસરથી વૈશ્વિક બજારોની નરમાઇ ભારતીય શેરબજારો પર હાવી થઇ ગઇ છે. સેન્સેક્સ અગાઉના બંધથી 821.73 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો છે. શુક્રવારે સેન્સેક્સ 74,243.34ની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારે સેન્સેક્સ 73,421.61ની સપાટીએ ખુલ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી શુક્રવારની બંધ સપાટી 23,366.70થી 286 પોઇન્ટના ઘટાડા સાથે 23,080.70ની સપાટીએ લાલ નિશાનમાં ખુલ્યો છે.
નિફ્ટી શેરોમાં હિન્દાલ્કો, TMPV, ઇન્ટરગ્લોબ એવિએશન, બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, ટીસીએસ, એચએફસીએલ, ટાટા ટેલી સર્વિસિઝમાં ઘટાડો જોવા મળ્યો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ-નિફ્ટીમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. માર્કેટમાં અંદાજે 107 શેરમાં વધારો જ્યારે 310 શેરોમાં ઘટાડો જોવા મળ્યો.
એશિયન બજારોના હાલ
યુદ્ધની અસર અને યુએસ માર્કેટમાં નરમાઇને પગલે એશિયન બજારો રેડ ઝોનમાં કારોબાર કરતા જોવા મળ્યા. જાપાનનો નિક્કેઇ, તાઇવાન, તાઇવાન, કોસ્પી, સ્ટ્રેટ ટાઇમ્સ, હેગસેંગ, શાંઘાઇ કોમ્પોઝિટ, જકાર્તા કોમ્પોઝિટ સહિતના એશિયન બજારોમાં વેચવાલી જોવા મળી.