Sun May 03 2026

Logo

યુવરાજ સામરાની સદી પાણીમાં: ન્યૂ ઝીલેન્ડ જીતીને સુપર-એઇટમાં...

2026-02-17 15:24:13
Author: Ajay Motiwala
Article Image

ચેન્નઈમાં ન્યૂ ઝીલેન્ડે કૅનેડા (Canada)ને 29 બૉલ બાકી રાખીને આઠ વિકેટના માર્જિનથી હરાવ્યું છે અને સુપર-એઇટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે.

ગ્લેન ફિલિપ્સ (76 અણનમ, 36 બૉલ, છ સિક્સર, ચાર ફોર) અને રચિન રવીન્દ્ર (59 રન, 39 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ની જોડીએ 30 રનના સ્કોર પર બન્ને ઓપનરની વિકેટ બાદ બાજી સંભાળી લીધી હતી અને 146 રનની અતૂટ ભાગીદારી સાથે ન્યૂ ઝીલેન્ડ (New Zealand)ને આસાન વિજય અપાવ્યો હતો.

ટી-20 વર્લ્ડ કપ-2026માં સોમવારે શ્રીલંકાના પથુમ નિસન્કા (100 અણનમ ) પછી આજે ટૂર્નામેન્ટમાં બીજી સેન્ચુરી ફટકારવામાં આવી જેમાં કૅનેડાના યુવરાજ સામરા (110 રન, 65 બૉલ, છ સિક્સર, અગિયાર ફોર) એ ન્યૂ ઝીલેન્ડના અનુભવી બોલર્સનો સામનો કરીને સદી ફટકારી હતી. જોકે તેની સેન્ચુરી છેવટે એળે ગઈ.

એ પહેલાં, કૅનેડાએ બૅટિંગ લીધા બાદ ચાર વિકેટે 173 રન કરીને કિવીઓને 174 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. કિવી ટીમ વતી મૅટ હેન્રી, જેકબ ડફી, જેમ્સ નીશેમ અને કાઇલ જેમીસને એક-એક વિકેટ લીધી હતી.

કિવીઓએ 174 રનનો ટાર્ગેટ સહેલાઇથી મેળવીને શ્રેષ્ઠ આઠ ટીમના રાઉન્ડમાં એન્ટ્રી મેળવી લીધી હતી.