Sun Apr 12 2026

Logo

નેપાળમાં રેપર બાલેન્દ્ર શાહે કેપી શર્મા ઓલીને હરાવ્યા, જંગી બહુમતી મેળવી...

kathmandu   2026-03-07 21:26:53
Author: Chandrakant Kanoja
Article Image

કાઠમંડુ: નેપાળમાં યોજાયેલી ચૂંટણી બાદ  હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં  નેપાળના રેપર બાલેન્દ્ર શાહે પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને હરાવીને સૌથી મોટો અપસેટ સર્જ્યો છે.બાલેન્દ્ર શાહે ઝાપા-5 મતવિસ્તારમાં કેપી શર્મા ઓલીને 49,614 મતોથી હરાવ્યા છે.  બાલેન્દ્ર  શાહને 68,348 મત મળ્યા છે.  જ્યારે ઓલીને ફક્ત 18,734 મત મળ્યા છે. કેપી શર્મા ઓલી ચાર વખત નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેમજ  બાલેન્દ્ર શાહે તેમને તેમની પરંપરાગત બેઠક પરથી  હરાવ્યા છે.  

બાલેન્દ્ર શાહે વડાપ્રધાન બની શકે છે

નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ થયેલા મોટા વિરોધ પ્રદર્શનો બાદ સરકાર ઉથલાવી દેવામાં આવી હતી. જેના છ મહિના બાદ ચૂંટણી યોજાઈ હતી. બાલેન્દ્ર શાહે  કાઠમંડુના મેયર પદેથી રાજીનામું આપીને પોતાના ગઢમાં ચાર વખતના વડાપ્રધાન ઓલીને પડકાર ફેંક્યો હતો. જો તેમની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી સંસદીય બહુમતી મેળવે છે, તો તેઓ વડાપ્રધાન બની શકે છે. 

બાલેન શાહની પાર્ટી જીત તરફ અગ્રેસર 

ઉલ્લેખનીય છે કે, નેપાળમાં હાલ રેપરમાંથી રાજકારણી બનેલા બાલેન શાહની નવી રચાયેલી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP ચૂંટણીઓમાં પ્રચંડ વિજય તરફ આગળ વધી રહી છે. તેમજ  ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર નેપાળના  165 મતવિસ્તારોમાંથી 161 મતવિસ્તારોમાંથી RSP એ છ બેઠકો જીતી છે અને 109 અન્યમાં આગળ છે. 

બાલેન્દ્ર શાહ કોણ છે ? 

બાલેન તરીકે જાણીતા 35 વર્ષીય બાલેન્દ્ર શાહ યુવા રાજકીય પરિવર્તનના નેતા તરીકે ઉભરી આવ્યા છે. વર્ષ  1990 માં કાઠમંડુમાં જન્મેલા બાલેન્દ્ર શાહ નેપાળના 1996-2006 ના માઓવાદી ગૃહયુદ્ધ દરમિયાન શાળાના વિદ્યાર્થી હતા. જેમાં હજારો લોકો માર્યા ગયા અને અંતે રાજાશાહીનો પતન થયું. બાલેન્દ્ર શાહે સિવિલ એન્જિનિયર તરીકે તાલીમ લીધી છે. પરંતુ નેપાળના અંડર ગ્રાઉન્ડ હિપ-હોપ સીન દ્વારા ઓળખ ઉભી કરી છે. જેમાં તેમણે ભ્રષ્ટાચાર અને અસમાનતાની ટીકા કરતા ગીતો રજૂ કર્યા છે.