Tue May 12 2026

Logo

નેપાળના આ ગામમાં ઘર દીઠ એક-એક વ્યક્તિએ વેચી છે કિડની! "ફરી ઉગી નીકળશે" તેવા જૂઠાણાએ બરબાદ કર્યા અનેક પરિવાર...

2026-05-11 21:06:17
Author: Darshana Visaria
Article Image

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? વાંચવામાં ભલે વિચિત્ર લાગે પણ આ હકીકત  છે. નેપાળના એક નાના એવા ગામની આ કહાણી માનવતાને શર્મસાર કરી દે તેવી છે. ગરીબી, અજ્ઞાનતા અને માનવ તસ્કરીના ગઠબંધને આ ગામને દુનિયાભરમાં 'કિડની વેલી' તરીકે કુખ્યાત કરી દીધું છે. કાભ્રેપલાંચોક જિલ્લામાં આવેલું હોકસે નામનું આ ગામ આજે એક ભયાનક સત્યની સાક્ષી પૂરી રહ્યું છે. ચાલો તમને આજે આ વિશે વિસ્તારથી જાણીએ.. 

હોકસે ગામના મોટાભાગના લોકો અત્યંત ગરીબીમાં જીવે છે. દેવું ચૂકવવા, બે ટંકના ભોજનની વ્યવસ્થા કરવા અથવા રહેવા માટે એક નાનું ઘર બનાવવા માટે અહીંના લોકો મજબૂર હતા. આ મજબૂરીનો લાભ લઈને અંગોની તસ્કરી કરનારા ટોળકીઓએ ગામલોકોને પૈસાની લાલચ આપી. અહેવાલોમાં કરવામાં આવેલા દાવા મુજબ, ગામના અનેક લોકોએ પોતાની કિડની માત્ર 20,000થી 70,000 નેપાળી રૂપિયામાં વેચી દીધી છે અને આ કિડનીને જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લાખોમાં હોય છે.

આ રેકેટની સૌથી મોટી ચોંકાવનારી અને આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે તસ્કારોએ ભોળા ગામલોકોને એવું સમજાવ્યું હતું કે, કિડની પણ વાળ અને નખની જેમ કાપ્યા પછી ફરીથી ઉગી નીકળે છે. શિક્ષણના અભાવે અને તબીબી જાણકારી ન હોવાને કારણે ઘણા લોકોએ આ વાત પર વિશ્વાસ કરી લીધો અને પોતાના શરીરનું અંગ ગુમાવી દીધું.

2015માં નેપાળમાં આવેલા વિનાશકારી ભૂકંપે આ ગામની સ્થિતિ વધુ બદતર બનાવી દીધી. કિડની વેચીને જે લોકોએ માંડ-માંડ ઘર બનાવ્યા હતા, તે ભૂકંપમાં તબાહ થઈ ગયા હતા. બધું જ ગુમાવી ચૂકેલા આ પરિવારો ફરી એકવાર આર્થિક સંકટમાં ફસાયા અને ફરીથી હ્યુમન ટ્રાફિકિંગના શિકાર બન્યા હતા.

ગેરકાયદેસર રીતે અને પૂરતી તબીબી સુવિધા વગર કરવામાં આવેલી સર્જરીને કારણે ગામલોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી છે. આજે આ ગામના અનેક પુરુષો અને મહિલાઓ કાયમી નબળાઈ, માનસિક આઘાત અને કામ ન કરી શકવાની સ્થિતિમાં જીવી રહ્યા છે.