Tue Aug 18 2026

Logo

નેપાળમાં ફરી ભડકી સાંપ્રદાયિક હિંસાઃ છથી વધુ શહેરમાં કર્ફ્યૂ, ત્રણનાં મોત

Kathmandu   2026-07-30 19:14:09
Author: Mumbai Samachar Team
Article Image

કાઠમંડુઃ નેપાળના અનેક શહેરોમાં ભડકેલી સાંપ્રદાયિક હિંસાના બીજા દિવસે છ જેટલા શહેરમાં કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં જુદા જુદા જિલ્લાઓમાં હિંસા, આગચંપી, વાહનોમાં તોડફોડ, પથ્થરમારો અને પોલીસ સાથેના ઘર્ષણની ઘટના સામે આવી છે. આ સ્થિતિ સામે આવતા કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. નેપાળમાં પરિસ્થિતિ એવી છે કે, અનેક જિલ્લાઓમાં કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે સૈન્યની ટુકડી રસ્તા પર સ્થિતિને કાબૂમાં લેવા માટે ઊતરી ચૂકી છે. 

હેલિકોપ્ટરથી મોનિટરિંગ શરૂ

સંવેદનશીલ વિસ્તાર પર સતત વૉચ રાખવા માટે હેલિકોપ્ટરથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે અનેક એવા લોકોને ઈજા પહોંચી છે. જેની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે.જુદી-જુદી ઘટનાઓમાં આ લોકો ઈજા પામ્યા છે. ઈજા પામનારા લોકોમાં સ્થાનિકો, સુરક્ષાકર્મીઓ તથા યુવાનોનો પણ સમાવેશ થાય છે.અનેક એવી જગ્યાઓ પર નેપાળ સરકારની હોસ્પિટલ અને ખાનગી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું.

અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી તો અનેક એવી દુકાનોને આગચંપી કરાઈ હતી.નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે સુનસરી જિલ્લાની આસપાસના વિસ્તારમાં ઊભી થયેલી વિષમ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. 

મામલો શું હતો?

હકીકતમાં આ એક સાંપ્રદાયિક હિંસા છે કે કંઈ બીજું એ અંગે તપાસ ચાલુ છે, સામાજિક, ધાર્મિક, જાતિય, સહયોગ, ભાઈચારો અને રાષ્ટ્રીય એકતા જાળવી રાખવા માટે રાષ્ટ્રપતિએ અપીલ કરી છે. નેપાળના દેવાનગંજમાં બોલબમ યાત્રા દરમિયાન હિન્દુ શ્રદ્ધાળુઓ તથા સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે વિવાદ થયો હતો. 

આ વિવાદ પછી હિંસામાં પલટાયો હતો. આરોપ એવા પણ લાગ્યા છે કે, મંદિરની સાર્વજનિક ભૂમિ પર મહોરમના અવસર પર લગાવવામાં આવેલો ઝંડો દૂર કરવા મામલે વિવાદ થયો હતો. આ વિવાદ નવો નથી. અનેકવાર અપીલ કરવા છતા ચોક્કસ સમુદાયના લોકોએ ઝંડો દૂર કર્યો ન હતો. આ મુદ્દાને લઈને બન્ને પક્ષો સામસામે આવી ગયા હતા. રવિવારની રાત્રે જ્યારે કાવડયાત્રાની શરૂઆત એ જ મેદાન પરથી થઈ રહી હતી, એ સમયે અચાનક કાવડિયાઓ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ સ્થિતિ વણસતા હિંસા વધી હતી અને તોડફોડ પણ વધી ગઈ હતી. 

શા માટે લાગુ કર્યો કર્ફ્યૂ?

પથ્થરમારા અને પોલીસ સાથેના ઘર્ષણ બાદ સ્થિતિને કાબુમાં કરવા માટે બળ પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. આ પછી જે તે જિલ્લામાં તબક્કાવાર કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો હતો.સુનસરીમાંથી શરૂ થયેલી હિંસા ધીમે ધીમે અન્ય જિલ્લાઓ સુધી પણ પ્રસરી હતી. સાંપ્રદાયિકદ તણાવે ઉગ્ર રૂપ ધારણ કરી લીધુ એ પછી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા. અનેક જિલ્લામાં ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. 

સુરક્ષા જવાનોની ટુકડી ઊતારી દેવામાં આવી છે. સ્થિતિને કાબૂ કરવા માટે બનતા દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. લોકોને ઘરમાં જ રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. ઈનરવા, જનકપુર, સિરહા, ગોલબાઝાર, લહાન સહિતના અનેક શહેરમાં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ટીમ સતત વૉચ રાખી રહી છે.આ સાથે સૈન્યને પણ જવાબદારી સોંપવામાં આવી છે. 

વિપક્ષે કર્યા સવાલ

અનેક વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી છે.અનેક વિસ્તારમાં હેલિકોપ્ટરથી મોનિટરિંગ કરવામાં આવ્યું છે. તણાવગ્રસ્ત માહોલ વચ્ચે વડા પ્રધાન બાલેન શાહના નેતૃત્વ હેઠળની સરકાર વિપક્ષ તરફથી ટીકાનો સામનો કરી રહી છે. વિપક્ષનો તર્ક છે કે, ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિને નિયંત્રિત કરવાને બદલે સરકારે પોતાને શ્રેણીબદ્ધ બેઠકો, સમીક્ષાઓ અને ભાષણો સુધી મર્યાદિત રાખ્યા છે. ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલુ રાખતા, હવે સરકારે શાંતિ જાળવવાની અપીલ કરી છે અને હિંસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. 

ચાર દિવસથી ચાલુ રહેલી અશાંતિએ દૈનિક જીવનને ભારે ખોરવી નાખ્યું છે. બજારો બંધ છે, જાહેર પરિવહન પ્રભાવિત છે, શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, હજારો લોકો ભયના વાતાવરણ વચ્ચે પોતાના ઘરોમાં રહેવા મજબૂર છે. વ્યાપારિક પ્રવૃત્તિઓ પણ ઠપ્પ થઈ ગઈ છે, જેનાથી સ્થાનિક અર્થતંત્ર પર અસર પડી રહી છે. સમગ્ર રાષ્ટ્ર હવે સરકાર અને સુરક્ષા એજન્સીઓ કેટલી ઝડપથી સામાન્યતા પુનઃસ્થાપિત કરી શકે છે તેના પર નજર રાખી રહ્યું છે.