Thu Jul 23 2026

Logo

નવી મુંબઈને પાણીપુરવઠો કરનારા મોરબે બંધમાં ૧૦૩ દિવસ ચાલે એટલું પાણી

2026-04-27 08:54:00
Author: Sapna Desai
Article Image


બંધમાં ૨૭.૨૨ ટકા પાણીનો જથ્થો બચ્યો છે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની સાથે જ નબળા ચોમાસાની શક્યતા વચ્ચે નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે નવી મુંબઈને પાણીપુરવઠો કરનારા મોરબે બંધમાં માત્ર ૧૦૩ દિવસ ચાલે એટલો  પાણીનો જથ્થો બચ્યો હોવાથી નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરે નાગરિકોને પાણીનો ઉપયોગ કરકસર સાથે કરવાની અપીલ કરી છે.

નવી મુંબઈ મહાનગરપાલિકામાં વિસ્તારમાં મોરબે બંધમાંથી અને બારવી બંધમાંથી પાણીપુરવઠો થાય છે, જેમાં મોરબે બંધમાં માત્ર ૪૩ ટકા પાણીનો સ્ટોક બચ્યો છે. મોરબે બંધની પાણીનો સંગ્રહ કરવાની કુલ ક્ષમતા ૧૯૦.૮૯૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલ બંધમાં ૮૨.૫૫૭ મિલિયન ક્યુબીક મીટર (૪૩.૨૪ ટકા) જેટલો પાણીનો સ્ટોક ઉપલબ્ધ હોવાનું નવી મુંબઈ મહાનગરપાલિકા કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું હતું. તેમાંથી એક મહિનાનો રિઝર્વ સ્ટોકને બાકત રાખીએ તો વાપરવા માટે ફક્ત ૫૧.૯૫૭ મિલિયન ક્યુબીક મીટર (૨૭.૨૨ ટકા) પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે.  શહેરની દૈનિક પાણીપુરઠવાની ગરજને ધ્યાનમાં રાખવામાં આવે તો સાત ઑગસ્ટ, ૨૦૨૬ સુધી એટલે કે ૧૦૩ દિવસ ચાલે એટલું પાણી બંધમાં છે.

વર્ષ ૨૦૨૬માં ‘અલ-નિનો’ને કારણે ભારતીય મોસમી પવનોને અસર થઈને વાર્ષિક સરેરાશ ચોમાસાનું પ્રમાણ ૯૨ ટકાથી ૯૪ ટકા જેટલું રહેશે એવો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે. પાલિકા કમિશનરના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૦૭થી ૨૦૨૫ના સમગયગાળામાં મોરબે બંધમાં સરેરાશ ૩,૬૧૭ મિ.મી. જેટલો વાર્ષિક વરસાદ નોંધાયો હોવાનું નવી મુંબઈ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

મોરબે બંધને પૂર્ણ ક્ષમતાએ ભરવા માટે સાધારણ રીતે ૩,૫૦૦ મિ.મી. વરસાદ બંધના કેચમેન્ટ એરિયામાં આવશ્યક છે. તેને ધ્યાનમાં રાખીને આ વર્ષે મોરબી બંધમાં ૩,૬૦૦ મિ.મી. જેટલો વરસાદ પડવો આવશ્યક છે પણ ‘અલ-નિનો’ને કારણે મોરબે બંધમાં ૩,૩૨૭ મિ.મી. વરસાદનો  અંદાજ છે.  એટલે કે આ વર્ષે મોરબે બંધ છલકાવાની શક્યતા ઓછી છે. તેથી તેને ધ્યાનમાં રાખને નાગરિકોએ અત્યારથી પાણીની બચત કરવા પર ધ્યાન આપવાની અપીલ પાલિકા કમિશનર દ્વારા કરવામાં આવી છે.