અમદાવાદઃ 2005માં અમદાવાદના નરોડામાં પાડોશીની હત્યા બાદ આજીવન કેદની સજા કાપી રહેલો કલાકાર મુંબઈમાં એક્ટર બની ગયો હતો. હત્યાના આરોપીએ બચ્ચન, આમીર, રણવીર સાથે કામ કર્યું હતું. જોકે 12 વર્ષ બાદ તે કોઈ કામ માટે અમદાવાદ આવ્યો હતો. ઘીકાંટા મેટ્રો સ્ટેશન નજીક તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. હેમંત મોદીએ પોતાનું નામ ટ્વિંકલ દવે ઉર્ફે સ્પંદન મોદી હોવાનું કહી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ મક્કમ હતી. આખરે હેમંત ભાંગી પડ્યો અને તેણે પોતે જ જેલમાંથી ભાગેલો કેદી હેમંત હોવાની કબૂલાત કરી લીધી હતી. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન ચોંકાવનારા ખુલાસ થઈ રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, નાટક અને થિયેટરની દુનિયામાં પ્રવેશતા પહેલા અને હત્યાના કેસમાં જેલ ભેગા થતા પહેલા કાયદાનો અભ્યાસ કરનાર હેમંત મોદીએ વર્ષ 2008માં જેલમાં રહીને જ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) એટલે કે જજ બનવાની પરીક્ષા સારા ગુણ સાથે પાસ કરી હતી.
હેમંત મોદીના નજીકના સૂત્રો પાસેથી પોલીસને મળેલી માહિતી મુજબ, વર્ષ 2014માં મહેસાણા જેલમાંથી પેરોલ જમ્પ કર્યા પછી તેણે ઉત્તર ગુજરાત અને અમદાવાદની કેટલીક કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ પણ કરી હતી અને પોતાના અસીલો માટે જામીન મેળવવા દલીલો પણ કરી હતી. વકીલ તરીકેની તેની આ ભૂમિકા સામે આવ્યા બાદ પોલીસે પેરોલ પછીની તેની તમામ પ્રવૃત્તિઓની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.
કોર્ટમાં વકીલ તરીકે હાજર થવા ઉપરાંત, મોદી ફરીથી થિયેટર તરફ વળ્યો હતો અને ટૂંક સમયમાં જ બોલિવૂડમાં પણ એન્ટ્રી મેળવી લીધી, જ્યાં તેણે કેટલાક મોટા ફિલ્મ સ્ટાર્સ સાથે નાની-મોટી ભૂમિકાઓ ભજવી હતી. હાલમાં 54 વર્ષના થઈ ચૂકેલા હેમંત મોદીની 20 મેના રોજ ઘીકાંટા મેટ્રો સ્ટેશન નજીક એક ભાડાના મકાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જૂન 2005માં નરોડામાં તેમના પાડોશીની હત્યાના કેસમાં હેમંત મોદી, તેના ભાઈ અને અન્ય પાંચ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 2005માં પાડોશીની હત્યાના કેસમાં મોદીનેપ હેલા તેના ભાઈ સાથે સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2008માં તે કાચા કામના કેદી તરીકે જેલમાં હતો ત્યારે JMFC (જજ બનવાની) પરીક્ષા પાસ કરી હતી. તે સફળ થયેલા 411 ઉમેદવારોમાં સામેલ હતો અને ગુજરાત હાઈ કોર્ટ તરફથી ઈન્ટરવ્યુ કૉલ લેટર પણ મળ્યો હતો. પરંતુ હત્યા કેસની સુનાવણી ચાલી રહી હોવાથી ઉપસ્થિત રહ્યો નહોતો. મૌખિક ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટે સિટી સેશન્સ કોર્ટમાંથી જામીન માંગ્યા હતા, પરંતુ જજે અરજી ફગાવી દેતા મે 2008માં તેણે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.પેરોલ પરથી ભાગી ગયા પછી તેણે વકીલ તરીકે જે કામ કર્યું હતું તેની હાલ તપાસ થઈ રહી હતી.
જૂન 2005માં જ્યારે તે સાબરમતી જેલમાં બંધ હતો, ત્યારે તે નરોડાના કુખ્યાત ચેતન પટેલ ઉર્ફે 'ચેતન બેટરી'ની નજીક આવ્યો હતો. બે મહિના પછી, અન્ય એક કુખ્યાત ગુંડા ગોવા રબારી સાથેની ગેંગવોરમાં ચેતન પટેલની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. ચેતન પટેલને બચાવવાના પ્રયાસમાં હેમંત અને સચિન પણ ઘાયલ થયા હતા. આ કેસમાં સાક્ષી બનેલા બંને ભાઈઓને સુરક્ષાના કારણોસર મહેસાણા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
વર્ષ 2008માં પાડોશીની હત્યા કેસમાં હેમંત મોદી, સચિન અને અન્ય લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ સજા દરમિયાન જ મોદીએ ફરીથી કાયદાના પુસ્તકો હાથમાં લીધા અને JMFCની પરીક્ષા પાસ કરી હતી. જુલાઈ 2014માં, ગુજરાત હાઈકોર્ટે મોદીને 30 દિવસના પેરોલ મંજૂર કર્યા હતા. આ સમય દરમિયાન તે કાયદાની પકડમાંથી છટકી ગયો હતો અને પહેલા ગુજરાતના થિયેટર સર્કિટમાં અને ત્યારબાદ મુંબઈની મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં એક કલાકાર અને વકીલ તરીકે પોતાની નવી ઓળખ ઊભી કરી હતી.
આ રીતે ઝડપાયો હતો
આરોપી એક્ટર 2005માં નરોડામાં રહેતો હતો. પાડોશી સાથે ઘર આગળ સીડી મૂકવાના મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં હેમંત મોદી અને તેના ભાઈ સહિત સાત જણાએ મળીને પાડોશીની હત્યા કરી હતી. પોલીસે તમામની ધરપકડ કરી હતી. વર્ષ 2008માં તમામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારેથી તે જેલમાં જ હતો. વર્ષ 2014માં તેને એક મહિનાની પેરોલ પર જેલની બહાર આવવા મળ્યું. જે દિવસે હેમંત જેલમાંથી બહાર નીકળ્યો તે જ દિવસે તેણે પરત જેલમાં નહીં જવાનો નિર્ણય કર્યો હતો. તે સીધો જ મુંબઈ પહોંચી ગયો. તેણે મુંબઈમાં નવી ઓળખ સાથે જીવવાનું શરૂ કરી દીધું. હેમંત મોદીએ પોતાની ઓળખાણ સ્પંદન મોદી ઉર્ફે ટ્વિંકલ દવે તરીકે ઊભી કરી હતી. તેને નાના-મોટા કામ મળતા થઈ ગયા. તેણે પણ પોતાના નામનો કોઈ વિવાદ ઉભો ન થાય તેની તકેદારી રાખી અને 12 વર્ષ સુધી મુંબઈમાં જ ફિલ્મો, નાટકો અને વેબ સિરીઝમાં કામ કર્યું હતું. આ દરમિયાન તેને કોઈ કામ માટે અમદાવાદ આવવાનું થયું હતું. જેની બાતમી પોલીસને મળી હતી. પોલીસે વૉચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો.
હેમંત મોદીએ 40થી વધુ ફિલ્મો, સિરિયલ, નાટકો અને વેબ સિરીઝમાં અભિનય કર્યો હતો. જેમાં 5 બોલિવૂડ ફિલ્મો, 20 ગુજરાતી ફિલ્મો, 17 ગુજરાતી નાટકો, 4 ગુજરાતી સિરિયલ, 2 હિન્દી સિરિયલ, 1 હિન્દી વેબ સિરીઝ અને 1 સાઉથ ફિલ્મનો સમાવેશ થાય છે. હાલમાં તે કલર્સ ગુજરાતીની સિરિયલ મોટી બાની નાની વહુમાં પણ કામ કરી રહ્યો હતો. તેણે ઠગ્સ ઑફ હિન્દુસ્તાન, જયેશભાઈ જોરદાર, વાગલે કી દુનિયામાં પણ શાનદાર અભિનય કર્યો હતો.