Thu Jul 23 2026

Logo

મુંબઈ સમાચારે 1965માં જન્મેલી દીકરીઓને બક્ષીસ આપી બદલી નાંખી હતી જિંદગી, જાણો વાચકનો અનુભવ

2026-04-02 10:58:00
Author: Mayur Patel
Article Image

મુંબઈઃ એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચાર દ્વારા આજથી આઠમી એપ્રિલ, 2026 સુધી મુંબઈના બોરીવલી વિસ્તારમાં ભવ્ય ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન વર્ષ 1965 માં જન્મેલી દીકરીઓને  મુંબઈ સમચારે આપેલી બક્ષીસને યાદ કરતાં એક વડીલ ભાવુક થયા હતા.

શું કહ્યું

શંભુભાઈ પાનેલીયાએ જણાવ્યું, ભાગવત સાંભળવા અમે દરરોજ દહીંસરથી આવીશું. બહુ સરસ આયોજન છે. મે મારી જિંદગીમાં 84 વર્ષમાં પહેલીવાર આવી વ્યવસ્થા નથી જોઈ. ધન્યવાદ છે આ લોકોને બનાવવાળાને અને સમગ્ર આયોજન કરનારાને. પૈસા તો આપવાવાળા આપી શકે પણ જે આયોજન છે તે ન થઈ શકે. મુંબઈ સમાચાર વિશે વાત કરતાં કહ્યું,  એ લોકો એક્ટિવ કે 1965માં મારી દીકરીનો ગુજરાતમાં જન્મ થયો હતો. ત્યારે મુંબઈ સમાચારવાળાએ એવું કીધેલું કે ગુજરાતમાં જેટલા છોકરાનો બોર્ન થયો હોય તેને 51 રૂપિયા બક્ષીસ આપવામાં આવશે. મારા મિત્રએ આ વાત કરી હતી. અમે સૌરાષ્ટ્રના, સૌરાષ્ટ્રમાં મારી દીકરીનો જન્મ થયો હતો. આ લોકોએ મને અહીંયા અંતરદેશી કવર મોકલેલું અને તે મેં મુંબઈ સમાચારમાં મોકલ્યું હતું. એ લોકો મને 51 રૂપિયા બક્ષીસ આપી હતી. આ બક્ષીસનો મેં મારી દીકરીનો વીમો ઉતરાવ્યો હતો. ત્યારે મારો રોજ 5 રૂપિયા હતો. સુરતમાં આજે એ પૈસાથી મેં હોટલ ચાલુ કરી હતી 1000 રૂપિયાથી અને આજે સાહેબ મને બહુ કુદરતે આપ્યું છે અને મુંબઈ સમાચારનો જેટલ આભાર માનું એટલો ઓછો છે.

 

ક્યાં યોજાશે આ અનોખી ભાગવત્ સપ્તાહ

મુંબઈ સમાચાર પ્રેરિત માતૃભાષા પ્રતિષ્ઠાન આયોજિત આ ભાગવત્ સપ્તાહના મુખ્ય આકર્ષણો વિશે જણાવવાનું કે વ્યાસપીઠ પરથી પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના મુખેથી શ્રીમદ્ ભાગવત્ કથાનું અમૃતપાન કરાવશે. આ મહોત્સવ બોરીવલી (પશ્ચિમ) સ્થિત ચીકુવાડી પ્લેગ્રાઉન્ડ (સ્વ. બાળાસાહેબ ઠાકરે ક્રીડાસંકુલ) ખાતે આશરે બે લાખ સ્કે. ફૂટના વિશાળ એરકન્ડિશન્ડ (એસી) ડોમમાં યોજાશે, જેને ‘સનાતન નગરી’ નામ આપવામાં આવ્યું છે. 

શું છે ભાગવત્ સપ્તાહનો ઉદ્દેશ્ય

આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની વિવિધ માતૃભાષાઓની સેવા કરનારા એવા સાહિત્યકારો પ્રત્યે ઋણ સ્વીકાર કરવાનો છે જેમણે પોતાનું સમગ્ર જીવન ભાષાની સેવામાં સમર્પિત કર્યું છે. આ સમગ્ર મહોત્સવ દ્વારા જે ઉપાર્જન થશે, તેનો ઉપયોગ ભારતની વિવિધ માતૃભાષાઓના વીર સાહિત્યકારો માનભેર જીવન જીવી શકે તે માટે કરવામાં આવશે.

માતૃભાષા ભાગવત્ સપ્તાહ દરમિયાન કથા રસપાન બપોરે 3.30 કલાકથી સાંજે 6.30 કલાક સુધી, સાંજે 6.30 કલાકથી સાંજે 7.30 કલાક સુધી મહાપ્રસાદ, ત્યાર બાદ સાંજે 7.30 કલાકથી રાતે 10 વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 

સવારના સત્રમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા આધ્યાત્મિક પ્રવચનો યોજાશે, જ્યારે સાંજના દેશની ભાષાકીય અને કલાત્મક વિવિધતાની ઉજવણી કરતા જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઝળહળી ઉઠશે.

દરરોજ યોજાશે વિવિધ કાર્યક્રમો

આજે મરાઠી સંગીત સંધ્યા, ત્રીજી એપ્રિલના પદ્મશ્રી કૈલાસ ખેરનો ‘કૈલાસા લાઈવ’ કોન્સર્ટ, ચોથી એપ્રિલના ગીતા રબારીનો સંગીત જલસો અને સાતમી એપ્રિલના કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન રહેશે.

મુંબઈ સમાચારની યુટ્યૂબ ચેનલ પર જોઈ શકાશે લાઈવ

મહત્ત્વની વાત જણાવવાની કે જે ભક્તો રૂબરૂ ઉપસ્થિત ન રહી શકે, તેઓ મુંબઈ સમાચારની યુટ્યૂબ ચેનલ, આસ્થા, ધર્મસંદેશ અને જેવી (JV) ચેનલ પર આ મહોત્સવનું લાઈવ પ્રસારણ માણી શકશે. આ આયોજનના મુખ્ય મનોરથી સૌરભ મહેતા (Skyline) અને સહ મનોરથી  રમેશભાઈ પારેખ (Gandhar Group) છે. 

આ ભવ્ય કાર્યક્રમનું આયોજન માતૃભાષા પ્રતિષ્ઠાનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે, જેના પ્રેરણાસ્ત્રોત મુંબઈ સમાચાર છે. આ આયોજનનું નેતૃત્વ તંત્રી નીલેશ દવે કરી રહ્યા છે, જેમાં અદાણી ગ્રુપનો સહયોગ પ્રાપ્ત થયો છે. મુંબઈ સમાચાર આ કાર્યક્રમ દ્વારા ‘તમામ માતૃભાષાનો જય’ અને ‘સંપૂર્ણ મુંબઈ કૃષ્ણમય’ બને તેવો દિવ્ય સંકલ્પ ધરાવે છે. 


તંત્રીનો સંદેશ

'મુંબઈ સમાચાર'ના તંત્રી નીલેશ દવેએ જણાવ્યું હતું કે, એક સમાજ તરીકે આપણે ધીરે ધીરે આપણા સાહિત્યકારોને વિસારે પાડી દીધા છે. દેશની ઘણી માતૃભાષાઓની સ્થિતિ આજે મજબૂત નથી, કારણ કે તેઓ વધતા જતા પડકારો અને બાહ્ય પ્રભાવોનો સામનો કરી રહી છે. આ પહેલ દ્વારા માતૃભાષાઓને સમર્થન અને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, સાથે જ સાહિત્યિક યોગદાન આપનારાઓને યાદ કરીને તેમનું બૌદ્ધિક અને સાંસ્કૃતિક ઋણ અદા કરવાનો આ એક પ્રયાસ છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ અને સામાજિક તાણાવાણાને જાળવી રાખવાનો આધાર તેની વિવિધ ભાષાઓને ટકાવી રાખવા પર રહેલો છે. તેથી, આ કાર્યક્રમમાં મરાઠી, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, બંગાળી અને અન્ય વિવિધ ભારતીય ભાષાઓના ૧૫૧ સાહિત્યકારોના જીવન અને યોગદાન વિશે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે આ તમામ ઉપસ્થિતો માટે એક અનોખો અને સમૃદ્ધ અનુભવ હશે, કારણ કે આવી પહેલ ભાગ્યે જ અગાઉ ક્યારેય આયોજિત કરવામાં આવી છે. આ કાર્યક્રમથી માત્ર ભાષાઓના જતન માટે જ નહીં, પરંતુ ભારતના સનાતન સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત કરવામાં પણ મદદ મળશે તેવી અપેક્ષા છે.

આ કાર્યક્રમ દ્વારા એકત્રિત થયેલા ભંડોળનો ઉપયોગ લેખકો, સાહિત્યકારો અને પત્રકારોને ટેકો આપવા માટે, ખાસ કરીને તેમના નિવૃત્તિ પછીના વર્ષોમાં મદદ કરવા માટે કરવામાં આવશે. તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ કાર્યક્રમ ભવ્ય સફળતા પ્રાપ્ત કરશે.