Fri Sep 11 2026

Logo

મુંબઈથી હૈદરાબાદ હવે માત્ર 4 કલાકમાંઃ બુલેટ ટ્રેનના નવા કોરિડોર માટે 'રૂપરેખા' તૈયાર

2026-08-25 15:28:00
Author: Mumbai Samachar Team
મુંબઈથી હૈદરાબાદ હવે માત્ર 4 કલાકમાંઃ બુલેટ ટ્રેનના નવા કોરિડોર માટે 'રૂપરેખા' તૈયાર

મુંબઈઃ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન બાદ હવે મુંબઈ પુણે હૈદરાબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટને લઈ રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી છે. મુંબઈ-પૂણે-હૈદરાબાદ માટે બુલેટ ટ્રેનનો એક હાઈસ્પીડ કોરિડોર તૈયાર થશે.


નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચઆરસીએલ) દ્વારા સર્વે કરાવીને એક રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. કોરિડોરને સાત પ્રાથમિકતાવાળા બુલેટટ્રેન રૂટમાં રાખવામાં આવ્યો છે. જે તે રાજ્યમાં જમીન સંપાદન માટેની પ્રક્રિયાને પણ શરૂ કરી દેવામાં આવી છે. 

ચાર કલાકમાં હૈદરાબાદ પહોંચાશે
મુંબઈ-પુણે-હૈદરાબાદ બુલેટ ટ્રેન કોરિડોર દેશના વેસ્ટ અને સાઉથ પોઈન્ટને જોડશે. આ માટે બે મહાનગરની પસંદગી કરવામાં આવી છે. મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આ ક્નેક્ટિવિટી વધતા લાખો લોકોને સીધો ફાયદો મળવાનો છે. પૂણેમાં આ સમગ્ર પ્રોજેક્ટનો મુખ્ય પડાવ રહેશે. આ સમગ્ર કોરિડોર 711થી 767 કિમીના વિસ્તારમાં પથરાયલો હશે. 

આ સમગ્ર પ્રોજેક્ટનું નિર્માણ થતા મુંબઈથી હૈદરાબાદ વચ્ચેનું અંતર ચાર કલાકનું થઈ જશે. અગાઉ જે 15 કલાકનો સમય જતો એમાં હવે માત્ર ચાર કલાકમાં જ હૈદરાબાદ પહોંચી શકાશે. મુંબઈથી પૂણે વચ્ચેના 150થી 180 કિમી અંતરના રૂટ પર બીકેસી, નવી મુંબઈ, લોનાવલા, પિંપરી, ચિંચવડ અને પુણે મુખ્ય સ્ટેશન છે. આ રૂટની ટોટલ લેન્થ 560થી 590 મીટરની છે. પુણેથી સોલાપુર, કાલબુર્ગી, ઝહિરાબાદથી હૈદરાબાદ સુધીના રટને હાલમાં ફિક્સ કરી દેવામાં આવ્યો છે. 

રોકાણમાં પણ ફાયદો થશે
મુંબઈ અને પુણે વચ્ચેની 150 કિમીની મુસાફરી બુલેટ ટ્રેન દ્વારા માત્ર એક કલાકમાં પૂર્ણ થશે. આ મુંબઈના વ્યાપાર કેન્દ્રને પુણેના શિક્ષણ કેન્દ્ર સાથે જોડશે. આ લાઇન નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (શમશાબાદ) સાથે સીધી કનેક્ટિવિટી ધરાવશે. સોલાપુર (મહારાષ્ટ્ર) અને કાલબુર્ગી (કર્ણાટક)ના ઔદ્યોગિક વિસ્તારોને પણ બુલેટ ટ્રેનનો લાભ મળશે, તે રોકાણ આકર્ષિત કરશે અને રોજગારની તકોમાં વધારો કરશે. 

આ પછી હૈદરાબાદ બેંગ્લુરૂ અને હૈદરાબાદ ચેન્નઈ બુલેટ ટ્રેનનો રૂટ ફિક્સ થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ બુલેટ ટ્રેનને લઈને હાલમાં કોઈ અપડેટ નથી પણ જે તે સમયે જાહેર થયેલા કાર્યક્રમમાંથી આ અંગે રૂપરેખા તૈયાર કરવામાં આવી છે