મુંબઈ: આર્થિક ગુના સહિત અનેક ચર્ચાસ્પદ કેસ ઉકેલવામાં માહેર પોલીસ દળમાં જ કરોડો રૂપિયાનું વેતન કૌભાંડ આચરાયું હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ દળમાં ફરજ બજાવતી ન હોય તેવી વ્યક્તિઓને પોલીસ અધિકારી દર્શાવી તેમનાં બૅન્ક ખાતાંમાં દર મહિને પગાર જમા થતો હતો. આ રીતે ખાસ્સા સાડાછ કરોડ રૂપિયા હડપ કરવામાં આવ્યા હોવાનું તપાસમાં જણાતાં પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધી બેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
મુંબઈ પોલીસની નૉર્થ રિજન ઑફિસમાંના પોલીસ ઈન્સ્પેક્ટરની ફરિયાદને આધારે સમતાનગર પોલીસે સરકારની છેતરપિંડી કરવી, પુરાવાનો નાશ કરવો, કાવતરું ઘડવું જેવી ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. એફઆઈઆરમાં આરોપી તરીકે તત્કાલીન એડ્મિનિસ્ટ્રેશન અધિકારી રામકિસન ગોસ્વામી, નાગેશ તળવડેકર, વિજયા ચવાણ, અજય રાઠોડ અને અમોલ મેશ્રામનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓમાંથી બે અધિકારી વિજયા અશોક ચવાણ અને અમોલ અરુણરાવ મેશ્રામને મંગળવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભેના આદેશમાં નોંધવામાં આવ્યું હતું કે મરોલના લોકલ આર્મ્સ વિભાગની ઑફિસ સુપરિન્ટેન્ડેન્ટ વિજયા ચવાણ અને વેસ્ટર્ન રિજનલ ડિવિઝનમાં ફરજ બજાવતો અમોલ મેશ્રામ આ કથિત ગેરરીતિ આચરાઈ ત્યારે નૉર્થ રિજન ડિવિઝનમાં ફરજ બજાવતાં હતાં.
કહેવાય છે કે પોલીસ કર્મચારીઓનો ડેટા જૂની ‘સેવાર્થ’ વેતન સિસ્ટમમાં અપલૉડ કરાયો હતો. ‘સેવાર્થ’ના સૉફ્ટવેરને અપડેટ કરીને નવું વર્ઝન તૈયાર કરાયું હતું, જેમાં પોલીસ અધિકારી-કર્મચારીનો ડેટો ટ્રાન્સફર કરતી વખતે શંકાસ્પદ અનિયમિતતા જણાઈ હતી.
તપાસમાં જણાયું હતું કે જે લોકો પોલીસ દળમાં ફરજ બજાવતા નથી તેમને પોલીસ કર્મચારી દર્શાવીને તેમના નામે વેતન ચૂકવવામાં આવતું હતું. આ બાબતે અધિકારીએ શંકા વ્યક્ત કરતાં ઑડિટ કરવામાં આવ્યું હતું. ઑડિટમાં 2019 અને 2020ની સાલના અમુક મહિનાઓના પગારની રકમમાં મોટો તફાવત જણાયો હતો.
મુંબઈ પોલીસ દળની દરેક રિજન ઑફિસમાં સંબંધિત ઑફિસની હદમાં ફરજ બજાવતા પોલીસોના પગારનો હિસાબકિતાબ રાખવામાં આવે છે. ઑફિસમાં વહીવટી કામકાજ કરનારા અધિકારી અને કર્મચારી પોલીસોના વેતન સંબંધી વિગતો તૈયાર કરીને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટને મોકલી આપે. પછી તેને આધારે પોલીસોનાં બૅન્ક ખાતાંમાં વેતનની રકમ જમા થાય છે.
કહેવાય છે કે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવેલી વિગતોમાં ઘાલમેલ કરીને આઠથી દસ વ્યક્તિને પોલીસ દર્શાવી તેમના નામે વેતન લેવામાં આવતું હતું. બે વર્ષ દરમિયાન આ રીતે સાડાછ કરોડ રૂપિયા ચાંઉ કરવામાં આવ્યા હોવાનું જણાયું હતું. સમતાનગર પોલીસ સ્ટેશનમાં કરાયેલી ફરિયાદ અનુસાર રામદાસ ભોગલે, સુધાકર કદમ, સરજુ યાદવ, ભગવત ભોસલે, ગુણાજી ખાવકર, મહાદેવ હલદણકર, રાજેન્દ્ર સોનાર, ઉત્તમ થોરાત, સૂર્યકાંત પાટીલ અને પાંડુરંગ કદમના નામે પગાર કઢાવવામાં આવ્યો હતો. આ લોકો પોલીસ દળમાં કાર્યરત ન હોવાનું સામે આવ્યું હતું. આ લોકો કોણ છે તેની તપાસ પોલીસ કરી રહી છે.