Sat Sep 12 2026

Logo

ગાડી પર લાલ લાઈટ બેસાડવા માટે પાલિકા પ્રશાસન જવાબદાર: આરોપો પર મેયર રિતુ તાવડેએ હાથ ખંખેર્યા...

2026-03-16 22:49:03
Author: Sapna Desai
ગાડી પર લાલ લાઈટ બેસાડવા માટે પાલિકા પ્રશાસન જવાબદાર: આરોપો પર મેયર રિતુ તાવડેએ હાથ ખંખેર્યા...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી ગાડી પર ઝબૂકતી લાલ-બ્લુ  લાઈટ બેસાડવાને લઈને ચોતરફથી થયેલા વિરોધ અને ટીકા બાદ મુંબઈ મેયર રીતુ તાવડેએ વાહન પર લાલ લાઈટને મુદ્દે પાલિકા પ્રશાસનને જવાબદાર ગણાવી પોતાના હાથ ખંખેરી નાંખ્યા હતા. પ્રશાસનની ભૂલ હોઈ વિરોધ પક્ષ પોતાના પર ખોટો આરોપ કરી રહ્યા હોવાની સ્પષ્ટતા મેયરે સોમવારે કરવી પડી હતી.

મુંબઈ મહાનગરપાલિકામાં ૪૪ વર્ષ પછી સત્તા મેળવનારા ભાજપના મેયર રીતુ તાવડેના સત્તાવાર વાહન પર લાલ-બ્લુ કલરની ઝબુકતી લાઈટને લઈને છેલ્લા બે-ત્રણ દિવસથી સોશ્યલ મિડિયા સહિત અખબારોમાં અહેવાલ આવવાની સાથે જ વિરોધપક્ષે પણ ભાજપ સહિત રીતુ તાવડેની આકરી ટીકા કરી હતી. વીઆઈપીનું પ્રતિક ગણાતી વાહન પર લાલ લાઈટ પર ભાજપની સરકારે જ પ્રતિબંધ મુક્યો હતો, છતાં મુંબઈના મેયરની નવી ગાડી પર ઝબુકતી લાઈટ બેસાડવામાં આવતા ભારે રવિવારે ખુદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મેયરની તરફેણમાં સ્પષ્ટતા કરવાની નોબત આવી હતી.

સોમવારે મેયર રીતુ તાવડેએ પત્રકાર પરિષદ લઈને ગાડી પર ઝબૂકતી લાઈટ બેસાડવા માટે પાલિકા પ્રશાસન અને સંબંધિત અધિકારીઓ જવાબદાર હોવાનો આરોપ કરીને આ વિવાદ પર પોતાના હાથ ઉપર કરી દીધા હતા. તો પાલિકાના સભાગૃહ નેતા ગણેશ ખણકરે મેયરની ગાડી પર લાલ લાઈટ બેસાડનારા અધિકારી સામે કાર્યવાહી કરવાની માગણી પાલિકા પ્રશાસનને કરી હતી.

વાહન પર લાઈટને લઈને ચોતરફથી ઘેરાઈ ગયેલા મેયરની તરફેણમાં મુખ્ય પ્રધાનની સ્પષ્ટતા બાદ પાલિકા સભાગૃહ નેતા  આગળ આવ્યા હતા અને સોમવારે તેમણે કહ્યું હતું કે મેયરના વાહનને ઝબૂકતી લાલ-બ્લુ લાઈટ બેસાડવા માટે મેયરે કોઈને પત્ર લખ્યો નથી, કે એવી કોઈ માગણી કરી નથી. મેયર તેમ જ ડેપ્યુટી  મેયરને પાલિકા જેવી ઓફિસ આવે અને જેવા વાહન આપે તેનો જ ઉપયોગ તેઓ કરતા હોય છે. મેયરની ગાડી પર જે લાઈટ બેસાડવામાં આવી હતી તે પ્રશાસને જાતે લગાવી હોવાની કબૂલાત પાલિકા કમિશનરે પણ કરી છે અને હવે તે લાઈટ હટાવી દેવામાં આવી છે.

મેયરની ગાડી પર લાઈટ બેસાડવાને મુદ્દે પાલિકાના વિરોધપક્ષ નેતા અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર દ્વારા કરવામાં આવેલા આરોપો બાબતે સભાગૃહ નેતાએ કહ્યું હતું કે ભાજપ સત્તા પર આવીને ઝડપથી વિકાસ કામ કરી રહી છે તે વિરોધપક્ષને સહન થતું નથી. તેથી તેઓ સતત મેયર સામે ખોટા આરોપ કરતા આવ્યા છે. અખંડ શિવસેના સમયે તેમના ત્રણ મેયર (જેમાં કિશોરી પેડણેકર ) ને લાલ લાઈટ સાથેની ગાડી જોઈતી હતી અને હવે તેઓ ખોટી રીતે મેયર રિતુ તાવડે તરફ આંગળી ચીંધી રહ્યા છે.