(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મનોરીમાં પ્રતિ દિન ૨૦૦ મિલ્યન લિટર દરિયાના પાણીને મીઠું બનાવવાના ડિસાલિનેશનના પ્રોજેક્ટ હેઠળ પાણી પર પ્રક્રિયા કર્યા બાદ તેને પમ્પિંગ સ્ટેશનથી કાંદિવલી મહાવીર નગર સુધી લઈ જવામાં આવવાનું છે, તે માટે લગભગ દોઢ હજાર કરોડ રૂપિયાના ખર્ચે વોટર ટનલ બાંધવામાં આવવાની છે. તે માટે તાજેતરમાં પાલિકા દ્વારા ક્ધસલ્ટન્ટ નીમવામાં આવ્યો છે.
મુંબઈગરાને પ્રતિદિન ૪,૧૦૦ મિલ્યન લિટર પાણીપુરવઠો દરરોજ કરવામાં આવે છે, તેની સામે મુંબઈની પાણીની ડીમાન્ડ ૪,૬૦૦ મિલ્યન લિટરની છે. ડીમાન્ડ સામે સપ્લાય ઓછી હોવાને કારણે તેમ જ બદલાતા હવામાનને કારણે વરસાદ પર પાણી માટે આધાર રાખવાનું પ્રમાણ ઘટાડવા માટે મનોરીમાં દરિયાના પાણીને મીઠું કરવાનો ૨૦૦ મિલ્યન લિટર પ્રતિદિનની ક્ષમતાનો પ્રોજેક્ટ બાંધવામાં આવવાનો છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટની ક્ષમતા ૪૦૦ મિલ્યન લિટર પ્રતિ દિન સુધીની વધારવાનો છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ અંતર્ગત મનોરીમાં પાણી પર પ્રક્રિયા કર્યા બાદ આ પાણીને પાલિકાના હાલના અસ્તિત્વમાં રહેલા પાણીપુરવઠા વ્યવસ્થા સુધી પહોંચાડવા માટે મનોરીથી ચારકોપ પાલિકાના ઉદ્યાન અને આગળ કાંદિવલીના મહાવીર નગર સુધી વોટર ટનલ તેમ જ પમ્પિંગ સ્ટેશન બાંધવામાં આવવાનું છે.
મનોરીથી ચારકોપ મહાપાલિકા ઉદ્યાન દરમ્યાન ૪.૬૩ કિલોમીટરની અને આગળ મહાપાલિકા ઉદ્યાનથી કાંદિવલી મહાવીર નગર સુધીની ૨.૫૪૫ કિ.મી.ની એમ કુલ ૭.૧૭૫ કિલોમીટર લંબાઈની ટનલ બાંધવામાં આવવાની છે.
મનોરીના ડિસાલિનેશન પ્લાન્ટના બાંધકામ સહિતના કામમાં લગભગ ૪૮ મહિનાનો સમય લાગવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મળનારા પાણીને વિતરણ વ્યવસ્થામાં સમયસર સમાવેશ કરવા માટે વોટર ટનલનું બાંધકામ પણ સમયસર પૂરું થવું આવશ્યક છે. ટનલ પ્રોજેક્ટની મુદત ૪૫ મહિનાની પ્રસ્તાવિત કરવામાં આવી છે.
વોટર ટનલના બાંધકામ માટે ટીબીએમનો ઉપયોગ કરીને જમીનની નીચે ૧૦૪થી ૧૨૮ મીટર નીચે ઊંડાઈ પર ખોદકામ કરવામાં આવવાનું છે. ટીબીએમથી ખોદકામ બાદ બાંધકામ કરવામાં આવવાનું છે. એ સાથે પમ્પિંગ સ્ટેશન પર ૧૦૦ કિલોવોટ ક્ષમતાનો સૌરઊર્જા ઉત્પાદનની સિસ્ટમ પણ બેસાડવામાં આવવાની છે. તેથી મોટા પ્રમાણમાં વીજના ઉપયોગમાં બચત કરીને પૈસાની પણ બચત કરી શકાશે.