Mon Oct 05 2026

Logo

મધ્ય રેલવે પર મુંબ્રા-દિવા વચ્ચે ભીડના કારણે લોકલ ટ્રેનમાંથી ટ્રેક પર પડી મહિલા અને પછી જે થયું...

2026-09-10 20:22:51
Author: Darshana Visaria
મધ્ય રેલવે પર મુંબ્રા-દિવા વચ્ચે ભીડના કારણે લોકલ ટ્રેનમાંથી ટ્રેક પર પડી મહિલા અને પછી જે થયું...

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં જીવના જોખમે મુસાફરી કરતા પ્રવાસીઓની સમસ્યા દિનપ્રતિદિન ગંભીર બની રહી છે. સેન્ટ્રલ રેલવે લાઇન પર મુમ્બ્રા અને દિવા સ્ટેશન વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ખીચોખીચ ભરેલી લોકલ ટ્રેનમાંથી એક મહિલા અચાનક નીચે ટ્રેક પર પટકાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના પાછળના કોચમાં પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓના મોબાઈલના કેમેરામાં કેદ થઈ હતી.

સદનસીબે જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે લોકલ ટ્રેન સિગ્નલ ન મળવાના કારણે થંભેલી હતી, જેથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી. જોકે, નીચે પથ્થરો પર પડવાને કારણે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. 

મળતી માહિતી પ્રમાણે કલ્યાણ તરફ જઈ રહેલી લોકલ ટ્રેન સિગ્નલના કારણે મુમ્બ્રા-દિવા વચ્ચે લાંબા સમય સુધી રોકાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે એ પ્રમાણે ટ્રેન લાંબો સમય ઊભી રહેતાં આગળના મહિલા કોચમાંથી બે મહિલાઓ નીચે ઊતરીને ટ્રેક પરથી ચાલીને જવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન ડબ્બામાં રહેલી ભીડ અને ધક્કામુક્કીના કારણે દરવાજા પર ઊભેલી મહિલાનું સંતુલન બગડ્યું અને તે સીધી બે ટ્રેક વચ્ચેના પથ્થરો પર નીચે પટકાઈ હતી.

ભૂતકાળની મોટી દુર્ઘટનાઓની યાદ તાજી થઈ:

નવમી જૂન, 2025ના મુંબ્રા-દિવા વચ્ચેનો આ સ્ટ્રેચ અગાઉ પણ ગંભીર અકસ્માતોનો સાક્ષી રહ્યો છે. નવમી જૂન, 2026 ના રોજ સવારે 9.20 વાગ્યે કસારાથી CSMT તરફ જતી અને સામેથી આવતી લોકલ એકબીજાની નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે દરવાજે લટકતા મુસાફરોના બેગ અને શરીર એકબીજા સાથે અથડાયા હતા. 

આ દુર્ઘટનામાં સંતુલન ગુમાવતા આઠ જેટલા મુસાફરો નીચે પટકાયા હતા, જેમાં છથી વધુ પ્રવાસીઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પીક અવર્સમાં ટ્રેનોની સંખ્યા વધારવા, ટ્રેક ફેન્સિંગ અને દરવાજા પર લટકતા મુસાફરોની સુરક્ષા માટે પ્રવાસી સંગઠનો સતત રજૂઆતો કરી રહ્યા છે.

ઓટોમેટિક ક્લોઝ્ડ ડોર લોકલની રાહ:

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉની દુર્ઘટનાઓ બાદ સરકારે મધ્ય અને પશ્ચિમ રેલવેમાં મેટ્રો જેવા ઓટોમેટિક બંધ થતા દરવાજાવાળી (AC/Non-AC Closed Door) લોકલ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ ટ્રેનો ટેકનિકલી તૈયાર થઈ ચૂકી છે, પરંતુ સામાન્ય સેવાઓમાં સંપૂર્ણ અમલીકરણ ન થવાને કારણે ઓવરક્રોડિંગ અને દરવાજે લટકીને મુસાફરી કરવાના બનાવો હજુ પણ ચાલુ છે.