Fri Sep 04 2026

Logo

મુંબઈ રેલવેના 'આ' સેક્શનમાં લેવાશે 45 દિવસનો 'મહાબ્લોક', કોને થશે ફાયદો?

2026-07-31 19:01:03
Author: Mumbai Samachar Team
મુંબઈ રેલવેના 'આ' સેક્શનમાં લેવાશે 45 દિવસનો 'મહાબ્લોક', કોને થશે ફાયદો?

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈની ઉપનગરી લોકલમાં પશ્ચિમ રેલવેનો વેગ વધારવા માટે મુંબઈ સેન્ટ્રલ-બોરીવલી છઠ્ઠી રેલ લાઇનનું કામ ઝડપથી પૂર્ણ કરવા બાંદ્રા-ખાર રોડ રેલ ફ્લાયઓવરનું કામ હવે ત્રણ મહિનાના બદલે માત્ર 45 દિવસના વિશેષ બ્લોકમાં પૂર્ણ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ કામગીરી માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી ઉપનગરી લોકલ ટ્રેન સેવાને શક્ય તેટલી ઓછી અસર થાય. જોકે, આ સમયગાળા દરમિયાન હાર્બર લાઇનની લોકલ સેવાઓ પર અસર થવાની શક્યતા છે.

ખાર રોડથી બોરીવલી વચ્ચેનું કામ પૂર્ણ થઈ ગયું

30.04 કિલોમીટર લાંબી મુંબઈ સેન્ટ્રલ-બોરીવલી છઠ્ઠી લાઈન મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રકલ્પ (એમયુટીપી ) ફેઝ-2 હેઠળ મુંબઈ રેલવે વિકાસ નિગમ (એમઆરવીસી )ના સહયોગથી બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટનો હેતુ રેલવેની ક્ષમતા વધારવા, લોકલ ટ્રેનોનું સમયપત્રક સુધારવા તેમ જ ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનોને અલગ ટ્રેક પર દોડાવવાનો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ખાર રોડથી બોરીવલી વચ્ચેનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે હાલમાં મુંબઈ સેન્ટ્રલ-ખાર રોડ વિભાગમાં કામગીરી ચાલી રહી છે.

ભૂસંપાદનની પ્રક્રિયા પણ ચાલી રહી છે

સમગ્ર પ્રોજેક્ટનો સૌથી પડકારજનક હિસ્સો એ મુંબઈ સેન્ટ્રલ-ખાર રોડ વિભાગ  છે. ગીચ વસ્તી, મર્યાદિત જગ્યા, યુટિલિટી શિફ્ટિંગ અને અનેક રેલવે માળખાંના નિર્માણને કારણે અહીં કરવું કામ મુશ્કેલ છે. આ ઉપરાંત ભૂસંપાદનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. પ્રોજેક્ટ હેઠળ 15 નવા પુલ, આશરે 13.3 કિલોમીટર અર્થવર્ક, નવા આઈલેન્ડ પ્લેટફોર્મ, ફૂટઓવર બ્રિજ, સ્ટેશન સુવિધાઓ અને નવા ટ્રેકનું નિર્માણ કરવામાં આવશે.

યુટિલિટીને ખસેડવાની કામગીરી હાથ ધરાશે

પ્રોજેક્ટના ભાગરૂપે બાંદ્રા પૂર્વમાં અસરગ્રસ્ત પરિવારોનું પુનર્વસન કરવામાં આવશે. બાંદ્રા સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 7 અને 8 બનાવવામાં આવશે. જ્યારે માહિમ, લોઅર પરેલ અને મુંબઈ સેન્ટ્રલ ખાતે વિવિધ રેલવે માળખાં તથા યુટિલિટીને ખસેડવાની કામગીરી હાથ ધરાશે. 


આ કામકાજ માટેનું ટેન્ડર ઓગસ્ટમાં બહાર પાડવામાં આવશે તેવી રેલવેની તૈયારી છે. છઠ્ઠી લાઇન શરૂ થયા બાદ મુંબઈની ઉપનગરીય રેલવેની ક્ષમતા વધશે અને લાંબા અંતરની ટ્રેનો માટે અલગ માર્ગ મળવાથી લોકલ સેવામાં પણ સુધારો થવાની અપેક્ષા છે.

જોકે તે દરમ્યાન 45 દિવસના મહા બ્લોકમાં હાર્બર લાઈનના પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. બ્લોકનું સમયપત્રક રેલવે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝડપથી જાહેર કરે તેવી શક્યતા વર્તાવાઈ રહી છે.