પર્યાવરણદિન નિમિત્તે આજથી શુભારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:કાંજુરમાર્ગ ડમ્િંપગ ગ્રાઉન્ડમાંથી નીકળતી દુર્ગંધને રોકવા માટે પાલિકાએ હવે શહેરી વસાહત અને લેન્ડફિલ વચ્ચે ૫૦૦ મીટરના વિસ્તારમાં ગ્રીન બેલ્ટ બનાવવાનો નિર્ણય લીધો છે.
વિક્રોલી (પૂર્વ)ના ક્ધનમવાર નગરમાં શહેરી વસાહત નજીકની જમીન સાફ કરવામાં આવશે અને કુલ એક લાખ ચોરસ મીટર વિસ્તારમાં ૧૫,૦૦૦ નાના અને મોટા વૃક્ષો વાવવામાં આવવાના છે. આ કામનો શુભારંભ ગુરુવાર, પાંચ જૂનના, પર્યાવરણ દિવસથી શરૂ થશે અને આગામી છ મહિનામાં આ વિસ્તારમાં વૃક્ષો તેમની સંપૂર્ણ ઊંચાઈ સુધી વધશે, જેના કારણે નજીકના ભવિષ્યમાં કાંજુરમાર્ગ ડમ્પિંગગ્રાઉન્ડની દુર્ગંધ ઓછી થશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે.
કાંજુરમાર્ગ ડમ્પિંગગ્રાઉન્ડમાંથી નીકળતી દુર્ગંધને કારણે અહીંના રહેવાસીઓને છેલ્લા ઘણા વર્ષોથી શ્ર્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને રહેવાસીઓએ આ અંગે કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને કોર્ટે પાલિકા પ્રશાસનને આ સંદર્ભે પગલાં લેવાનો આદેશ આપ્યો છે. આ દરમ્યાન ડમ્પિંગગ્રાઉન્ડમાંથી આવતી દુર્ગંધને રોકવા માટે પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ શહેરી વસાહત અને કચરાના પ્રોસેસિંગ પ્રોજેક્ટ વચ્ચે ઇકોલોજીકલ ગ્રીન બેલ્ટ વિકસાવીને અસરકારક બફર ઝોન બનાવવાનો નિદેર્શ આપ્યો છે, તે મુજબ, પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે હવે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધર્યો છે. અહીં ગ્રીન ઝોન બનાવવામાં આવશે.
કાંજુરમાર્ગમાં કુલ ૧૧૮.૧૪ હેક્ટર (લગભગ ૨૯૨ એકર)માં ડમ્પિંગ ગ્રાઉન્ડ આવેલું છે. હાલ અહીં દરરોજ લગભગ ૫,૨૦૦ મેટ્રિક ટન કચરા પર બાયોરિએક્ટર ટેકનોલોજી દ્વારા વૈજ્ઞાનિક રીતે પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને ૧,૦૦૦ મેટ્રિક ટન કચરા પર વેસ્ટ કમ્પોસ્ટિંગ ટેકનોલોજી દ્વારા પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આમાંથી કચરાના રિસાયક્લિંગ અને રિસાયક્લિંગ સુવિધા કેન્દ્રને રહેણાંક ઇમારતોથી દૂર વિસ્તારમાં ખસેડવામાં આવશે, જેનાથી લગભગ ૫૦૦ મીટર જગ્યા ખાલી થશે. આ ખાલી જગ્યામાં વૃક્ષો વાવવામાં આવશે. ૧૫,૦૦૦ વૃક્ષ કાંજુરમાર્ગ ડમ્પિંગગ્રાઉન્ડ અને અને રહેણાંક વિસ્તાર વચ્ચેના વિસ્તારમાં ઊંચા વૃક્ષો વાવવામાં આવશે, જેમાં બહારથી ૧૨ થી ૧૮ મીટર ઊંચાઈવાળા ૨,૮૦૦ વૃક્ષો, અંદરથી ૮ થી ૧૨ મીટર ઊંચાઈવાળા ૨,૨૦૦ વૃક્ષો અને અંદરથી ૧૦,૦૦૦ ઝાડીઓનો સમાવેશ થશે.