Mon Sep 14 2026

Logo

દક્ષિણ મુંબઈના કામાઠીપુરામાં આગ: એકનું મોત

2026-04-10 21:03:18
Author: સપના દેસાઈ
દક્ષિણ મુંબઈના કામાઠીપુરામાં આગ: એકનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: દક્ષિણ મુંબઈમાં કામાઠીપુરામાં નવમી ગલીમાં આવેલા મકાનમાં બપોરના અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં એકનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કામાઠીપુરાની  નવમી ગલીમાં શંકર મંદિર નજીક ચાલી આવેલી છે, જેમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ બે  માળના મકાનમાં બપોરના ૩.૪૦ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ઝડપભેર ઉપરના માળા પર ફેલાઈ ગઈ હતી અને તેના દૂર દૂર સુધી ધુમાડા દેખાઈ રહ્યા હતા. 

ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા સ્થાનિકોએ પોતાની રીતે આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પણ આગ ઝડપભેર ઉપરના માળા પરના રૂમમાં ફેલાઈ ગઈ હતી.  ઘટના સ્થળે ફાયરબ્રિગેડે પહોંચીને  સાંકડી ગલીમાં એકબીજાને અડીને મકાન આવેલા હોવાથી આગ અન્ય મકાનમાં ફેલાઈ જવાના ડરે આજુબાજુના ઘર પણ સુરક્ષાની દૃષ્ટિએ ખાલી કરાવ્યા હતા.

ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ સાંજના ૬.૧૦ વાગ્યાની આસપાસ  આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આગમાં મકાનમાં રહેલા ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈન્સ્ટોલેશન, ઍર કંડિશન, કપડા, ઘરનો સામનો વગેરે બળીને ખાખ થઈ ગયા હતા. કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું.  આગમાં જોકે ૩૨ વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતક બાબતે મોડે સુધી માહિતી મળી શકી  નહોતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.