Thu Sep 10 2026

Logo

મુંબઈગરા પરસેવે રેબઝેબ: ભેજનું પ્રમાણ ૯૧ ટકા છેલ્લા એક દાયકાની મે મહિનાની સૌથી ગરમ રાત રહી

2026-05-23 23:45:44
Author: Sapna Desai
મુંબઈગરા પરસેવે રેબઝેબ: ભેજનું પ્રમાણ ૯૧ ટકા છેલ્લા એક દાયકાની મે મહિનાની સૌથી ગરમ રાત રહી

AI Generated Images


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાતાવરણમાં ભેજનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધી જતા મુંબઈગરા માટે શુક્રવારની રાત ભારે બેચેની અને ઉકળાટભરી રહી હતી. લગભગ ૯૧ ટકા જેટલું ભેજ પ્રમાણ નોંધાયું હતું જે  મે મહિનાનું છેલ્લા એક દાયકાનું સૌથી વધુ લઘુતમ તાપમાન રહ્યું હતું. ભેજનું સ્તર વધવાની સાથે જ ચોમાસું પણ ઝડપથી આગળ વધી રહ્યું હોવાનો અંદાજો  છે.

શુક્રવારના મોડી રાતના સાંતાક્રુઝ વેધશાળામાં લઘુત્તમ તાપમાન ૨૯.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું  જે સામાન્ય કરતાં ૧.૯ ડિગ્રી વધારે છે. જે છેલ્લા ૧૦ વર્ષમાં મે મહિનાના સૌથી વધુ રાત્રિ તાપમાનમાંનું એક છે. અગાઉના તુલનાત્મક ઉચ્ચતમ તાપમાન મે ૨૦૨૪ અને ૨૦૨૦ માં ૨૯.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. દક્ષિણ મુંબઈ પણ ગરમ રહ્યું હતું. કોલાબા વેધશાળામાં લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય સ્તરની નજીક હતું. તો  ઉપનગરમાં દિવસનું તાપમાન સરેરાશ કરતા વધારે રહ્યું. સાંતાક્રુઝમાં મહત્તમ ૩૫.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં ૨.૭ ડિગ્રી વધારે હતું, જ્યારે કોલાબામાં ૩૪.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં થોડું વધારે હતું. ઊંચા તાપમાનની સાથે જ  કોલાબામાં ભેજનું પ્રમાણ ૯૧% અને સાંતાક્રુઝમાં ૭૪% સુધી પહોંચ્યું હતું, જેના કારણે  વાસ્તવિક તાપમાન કરતાં પણ ગરમી વધુ જણાઈ રહી હતી.  

આ દરમ્યાન શનિવારે સવારના મુંબઈના અનેક વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ રહ્યા બાદ ભારતીય હવામાન વિભાગે  રવિવારે મુંબઈ અને થાણેમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જેનાથી હવામાનમાં થોડી રાહત મળી શકે છે. જોકે, ૨૫ થી ૨૭ મે દરમિયાન શુષ્ક હવામાન પાછું આવવાની ધારણા છે. મુંબઈમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન ૧૧ જૂનના થાય છે, ત્યારે હવામાન નિષ્ણાતોએ  ગયા વર્ષે ૨૬ મેના રોજ અસામાન્ય રીતે વહેલા ચોમાસાના આગમન પછી પ્રારંભિક સીઝનના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છે. 

સાત જૂન સુધી મુંબઈમાં ચોમાસાનું આગમન?
હવામાનના નિષ્ણાતના કહેવા મુજબ  વર્તમાન હવામાન પેટર્ન સૂચવે છે કે મુંબઈમાં ૭ જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થઈ શકે છે, જેમાં બે દિવસનો ફેરફાર શક્ય છે.તે પહેલાં, બે જૂન પછી મુંબઈ મેટ્રોપોલિટન રિજનની આસપાસ વધુ લાક્ષણિક પ્રી-મોન્સૂન વાવાઝોડાની પ્રવૃત્તિ દેખાવાનું શરૂ થઈ શકે છે, જો પરિસ્થિતિ હાલમાં અનુમાન મુજબ બદલાઈ શકે છે.  હાલ પૂરતું મુંબઈમાં ભેજનું પ્રમાણ વધતું રહેવાની, વાદળછાયું આકાશ, રાત્રિ અને સવારના સમયે ઝરમર વરસાદ અને છૂટાછવાયા વાવાઝોડાની પ્રવૃત્તિ સપ્તાહના અંતે ચાલુ રહેવાની શક્યતા છે. પશ્ર્ચિમી ઘાટ પ્રદેશો અને દક્ષિણ-પશ્ર્ચિમમ મહારાષ્ટ્રના પુણેથી કોલ્હાપુર સુધીના ભાગોમાં, જ્યાં વાતાવરણીય અસ્થિરતા વધુ રહે છે, ત્યાં હાલમાં વધુ મજબૂત વાવાઝોડાની પ્રવૃત્તિ વધુ અનુકૂળ દેખાય છે.