(અમારા પ્રતિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી ગણાતા કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. દિવાળી સુધીમાં દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પ્રતિદિન લગભગ ૬૦૦ મેટ્રિક ટન કચરામાંથી આઠ મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ જાય એવી શકયતા છે.
મુંબઈની સૌથી મોટી અને જૂની ગણાતા દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પાવર જનરેશન પ્રોજેક્ટનું કામ ૮૦ ટકા પૂર્ણ થઈ ગયું છે. દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ૨૦ મિલિયન મેટ્રિક ટન જેટલો જૂના કચરાનો ઢગલો પડયો છે. ડમ્પિંગને વૈજ્ઞાનિક રીતે પ્રક્રિયા કરીને બંધ કરવાનો હાઈ કોર્ટે નિર્દેશ આપ્યો હતો. તે અંતર્ગત પાલિકા અહીં કચરામાંથી વીજળનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો હતો. તે મુજબ અહીં વીજળીનું ઉત્પાદન કરવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.
પાલિકા છેલ્લા અનેક વર્ષોથી પ્રયાસ કરી રહી હતી. એ બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને નવેમ્બર ૨૦૨૦માં વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આવશ્યક તમામ મંજૂરીઓ મેળવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જૂન ૨૦૨૨થી અહીં બાંધકામ શરૂ થયું હતું. આ પ્રોજેક્ટ અગાઉ ઓક્ટોબર ૨૦૨૫થી શરૂ થવાનો હતો પણ કૉન્ટ્રેક્ટર તેને સમયસર પૂર્ણ નહીં કરી શકતા તેને મુદત વધારી આપવામાં આવી હતી. તાજેતરમાં પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ સાઈટ પર જઈને પ્રોજેક્ટનું ઈન્સ્પેકશન પણ કર્યું હતું. પ્રોજેક્ટનો ખર્ચ લગભગ ૧,૦૫૬ કરોડ રૂપિયા છે.