10 લાખની રોકડ, 22 બૅંકની ચેકબૂક, વિવિધ કંપનીના રબરસ્ટેમ્પ જપ્ત
મુંબઈ: સાયબર ગુના આચરવા માટે અલગ અલગ નામથી કંપનીઓ શરૂ કરી તેના નામે બૅંક ખાતાં (મ્યુલ અકાઉન્ટ્સ) ખોલાવનારી ટોળકીના સાત સભ્યને સેન્ટ્રલ રિજન સાયબર પોલીસે ઝડપી પાડી લોકઅપભેગા કરી દીધા હતા. ટોળકીનો મુખ્ય સૂત્રધાર બોરીવલીની બૅંકમાં રૂપિયા કઢાવવા આવ્યો ત્યારે પોલીસની જાળમાં સપડાઇ ગયો હતો.
સાયબર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સલમાન હબીબ પઠાણ, સાજિદ નિસાર અહમદ કોઠાવાલા, ચિરાગ કેતન ટોપરાણી, સૈયદ વજાહત વાહીઉદ્દીન, રાકેશ રમાશંકર મિશ્રા, રક્ષિત રાજેન્દ્ર હેગડે અને આર્યન રિતેશ ઠક્કર તરીકે થઇ હતી. આરોપીઓ પાસેથી 10 લાખની રોકડ, 16 મોબાઇલ, 31 અલગ અલગ કંપનીના રબરસ્ટેમ્પ, 22 બૅંકની ચેકબૂક અને કાઉન્ટિંગ મશીન તથા બૅંક ખાતા ખોલાવવા માટે લાગતા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મીરા રોડમાં રહેતા મુખ્ય સૂત્રધાર સલમાન પઠાણે અલગ અલગ નામે 27 કંપનીઓ શરૂ કરી હતી અને તેના નામે ખાનગી બૅંકની દાદર, માહિમ, બોરીવલી અને મીરા રોડની બ્રાન્ચમાં ખાતાં ખોલાયાં હતાં. સલમાન વિશે માહિતી મળ્યા બાદ પોલીસે તેના પર નજર રાખી હતી અને બાદમાં મળેલી માહિતીને આધારે 29 જુલાઇએ તેને બૅંકની બોરીવલી બ્રાન્ચમાંથી તાબામાં લેવાયો હતો.
સલમાન તેના સાથીદાર સાથે બૅંકમાં આવ્યો હતો અને તેણે ચેકથી 10 લાખ કઢાવ્યા હતા. બાદમાં તેણે ફરી ચેકથી 10 લાખ કાઢવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. પોલીસ ટીમે બાદમાં ભાયંદર પશ્ર્ચિમમાં કેજીએન એન્ટરપ્રાઇઝીસ તથા મીરા રોડમાં રિયા એન્ટરપ્રાઇઝીસમાં રેઇડ પાડી હતી, જ્યાંથી દસ્તાવેજો મળી આવ્યા હતા. ત્યાર બાદ અલગ અલગ ઠેકાણેથી વધુ પાંચની ધરપકડ કરવામાં આવી હતી.