Sat Oct 03 2026

Logo

કોસ્ટલ રોડ પર ભયાનક અકસ્માત બ્રિજ પરથી ઊછળેલી બીએમડબ્લ્યુ કાર રસ્તા પર પટકાઈ: ગુજરાતના ત્રણ વિદ્યાર્થીનાં મોત

2026-09-21 07:08:48
Author: Yogesh C. Patel
કોસ્ટલ રોડ પર ભયાનક અકસ્માત બ્રિજ પરથી ઊછળેલી બીએમડબ્લ્યુ કાર રસ્તા પર પટકાઈ: ગુજરાતના ત્રણ વિદ્યાર્થીનાં મોત

પુરપાટ દોડતી કાર બ્રિજની રૅલિંગ કુદાવી ગઈ: એક વિદ્યાર્થી ગંભીર જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના નવનિર્મિત કોસ્ટલ રોડ પર થયેલા ભયાનક અકસ્માતમાં ગુજરાતના ત્રણ વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યા હતા. પુરપાટ દોડતી બીએમડબ્લ્યુ કાર બ્રિજની રૅલિંગ કુદાવીને છેક નીચે રસ્તા પર પટકાઈ હતી. આટલે ઊંચેથી પડવાને કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મૃતકોનો એક મિત્ર ગંભીર રીતે ઘવાયો હતો.સેન્ટ્રલ ઝોન-1ના ડેપ્યુટી પોલીસ કમિશનર જયંત મીણાએ જણાવ્યું હતું કે અકસ્માતની ઘટના રવિવારની વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ મહાલક્ષ્મી ખાતે લોટસ જેટ્ટી નજીકની લાલા લજપત રાય કૉલેજ સામે બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની ઓળખ ધૈર્ય દર્શન શેઠ (17), આદિત્ય જકાસણિયા (19) અને શનય ફાલ્ગુન ગજ્જર (21) તરીકે થઈ હતી. વધુ તપાસ તાડદેવ પોલીસ કરી રહી છે.

તાડદેવ પોલીસ સ્ટેશનનાં સિનિયર ઈન્સ્પેક્ટર મીના જગતાપે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે અકસ્માતમાં એક વિદ્યાર્થી આદિત્ય કલ્પેશ્ર્વર ઓસવાલ (23) ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર માટે તેને નાયર હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. કારમાં દક્ષિણ મુંબઈ આવેલા ચારેય વિદ્યાર્થી ગુજરાતના અમદાવાદ શહેરના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.મળતી માહિતી અનુસાર અમદાવાદના નવરંગપુરામાં સામવેદ હૉસ્પિટલ સામેની સ્વસ્તિક સોસાયટીમાં રહેતો શનય ગજ્જર, અમદાવાદના જ સિંધુ ભવન માર્ગ પરના શોમપોળ ખાતે રહેતો આદિત્ય જકાસણિયા અને ધૈર્ય શેઠ મુંબઈના જૂહુ વિસ્તારમાં આવેલી એનએમઆઈએમએસ કૉલેજમાં આર્કિટેક્ટનો કોર્સ કરતા હતા અને નજીકની હોસ્ટેલમાં રહેતા હતા, જ્યારે જખમી આદિત્ય ઓસવાલ કુર્લાની કૉલેજમાં ભણતો હતો. ચારેય જણ રવિવારની વહેલી સવારે દક્ષિણ મુંબઈ શા માટે આવ્યા હતા તેની પોલીસને તાત્કાલિક જાણ થઈ નહોતી.

પોલીસે જણાવ્યું હતું કે કાર પુરપાટ વેગે મરીન ડ્રાઈવથી હાજી અલીની દિશામાં આવી હતી. કાર શનયના બિઝનેસમૅન પિતાની હતી અને ઘટના સમયે શનય કાર ચલાવતો હતો. નૉર્થ બાઉન્ડ પર વળાંક પાસે શનયે કારનો પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર બ્રિજની રૅલિંગ કુદાવ્યા પછી બે ગુલાંટ ખાઈને સીધી રસ્તા પર પડી હતી. અકસ્માતને કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કારમાંની ઍરબેગ ખૂલી હતી અને વિદ્યાર્થીઓએ સીટ બૅલ્ટ પણ લગાવ્યો હતો, પરંતુ કાર આટલે ઊંચાઈથી પટકાઈ હોવાને કારણે વિદ્યાર્થીઓેએ જીવ ગુમાવ્યા હતા.

દરમિયાન બનાવની જાણ થતાં તાડદેવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બેભાન ચારેય જણને નાયર હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે ત્રણ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતમાં ઓસવાલને પણ ગંભીર ઇજા થઈ હોવાથી તેની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.જોકે તપાસ બાદ કાર ચલાવનારા વિદ્યાર્થી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે. ઘટના સમયે વિદ્યાર્થીઓ નશામાં હતા કે કેમ તે અંગે પોસ્ટમોર્ટમના અહેવાલ અને બ્લડ સૅમ્પલના અહેવાલ પરથી જાણી શકાશે, એવું પોલીસનું કહેવું છે.