Wed Sep 02 2026

Logo

બીકેસી એમએમઆરડીના તાબામાં પણ સફાઈની જવાબદારી પાલિકાની

2026-03-31 09:00:00
Author: Sapna Desai
બીકેસી એમએમઆરડીના તાબામાં પણ સફાઈની જવાબદારી પાલિકાની

યાંત્રિક ઝાડુથી સફાઈ કરવા સાત કરોડનો ખર્ચ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ (બીકેસી)માં છેલ્લા ૧૦ વર્ષથી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મેકેનિકલ બ્રુમ (યાંત્રિક ઝાડુ)થી સફાઈ કરવામાં આવી રહી છે. જૂનો કૉન્ટ્રેક્ટર પૂરો થતા નવેસરથી ફરી આગામી ત્રણ વર્ષ માટે કૉન્ટ્રેક્ટરને કામ આપવામાં આવવાનું છે, તે માટે પાલિકા સાત કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો ખર્ચ કરવાની છે.

બીકેસી મુંબઈનું આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર ગણાય છે. બીકેસીમાં દુનિયાભરની નામાંકિત કંપનીઓ આવેલી છે. અનેક દેશના દૂતાવાસ પણ અહી આવેલા છે અને અનેક આઈટી કંપનીઓ પણ અહીં આવેલી છે. મોટી સંખ્યામાં વિદેશીઓની અહીં અવરજવર રહેતી હોય છે. અહીં દરરોજ લગભગ ચાર લાખની આસપાસ માણસોની અવરજવર રહેતી હોય છે. તેથી આ વિસ્તારમાં સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.

બીકેસી પરિસર એમ તો  મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના નિયંત્રણમાં આવે છે, તેથી તેની સફાઈની જવાબદારી પણ તેની જ હોવી જોઈએ પણ તેના બદલે પાલિકાના માથા પર સફાઈની જવાબદારી આવી પડી છે.

આધુનિકરણના ભાગ તરીકે આ પરિસરમાં ૨૦૧૪થી રસ્તાની સફાઈ મેકેનિકલ બ્રુમ (યાંત્રિક ઝાડુ)થી કરવામાં આવે છે. અગાઉનો કૉન્ટ્રેક્ટ  ફેબ્રુઆરી, ૨૦૨૬માં પૂરો થયો હતો હવે આગામી ત્રણ વર્ષ માટે ફરી નવી કંપનીને કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે.  ત્રણ વર્ષના કૉન્ટ્રેક્ટ માટે પાલિકા લગભગ સાત કરોડ ૨૨ લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છે.