Thu Jul 23 2026

Logo

માનખુર્દના બે ફ્લૅટમાંથી 83 કિલો ગાંજો જપ્ત: યુવતીની ધરપકડ

2026-06-07 16:55:42
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના ઘાટકોપર યુનિટે માનખુર્દના બે ફ્લૅટમાં રેઈડ કરી અંદાજે 83 કિલો ગાંજો જપ્ત કરીને યુવતીની ધરપકડ કરી હતી. માનખુર્દમાં મહારાષ્ટ્ર નગર ખાતેની ઈમારત નંબર-18ના પાંચમા માળે આવેલા ફ્લૅટમાં મોટા પ્રમાણમાં ગાંજો રાખવામાં આવ્યો છે અને એક મહિલા ગાંજાનું વેચાણ કરતી હોવાની માહિતી એએનસીના ઈન્સ્પેક્ટર દિંગબર પાટીલને મળી હતી. માહિતીને આધારે એએનસીના અધિકારીઓએ શનિવારે એ ફ્લૅટ પર રેઇડ કરી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ ફ્લૅટમાંથી સોનાલી રાઉતર (20)ને તાબામાં લેવાઈ હતી. ફ્લૅટના બેડરૂમમાંથી બે ગૂણી મળી આવી હતી. ગૂણીમાં અલગ અલગ બૉક્સમાં ગાંજો રાખવામાં આવ્યો હતો. ફ્લૅટમાંથી અંદાજે 66 કિલો ગાંજો જપ્ત કરાયો હતો. 

પ્રાથમિક પૂછપરછમાં સોનાલીએ નજીકની 21 નંબરની બિલ્ડિંગના ત્રીજા માળે રહેતી માતાના ફ્લૅટમાં પણ ગાંજો છુપાવવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી. માહિતીને આધારે પોલીસે સંબંધિત ફ્લૅટમાં તપાસ કરી હતી. કિચનની પાણીની ટાંકી પાસે કાળી ટ્રૉલી બૅગ રાખવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે એ બૅગની તપાસ કરતાં લગભગ 17 કિલો ગાંજો મળી આવ્યો હતો. બન્ને ફ્લૅટમાંથી 83 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હોઈ આ મામલે ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.