મોરારિબાપુ
नमामीशमीशान निर्वाण रुपं |
विभुं व्यापकंब्रह्म वेदस्वरुपं ॥
કોઈ યુવકની એક જિજ્ઞાસા હતી, એ રહી ગઈ. પૂછવામાં આવ્યું છે કે કાગભુશુંડિજી મહાકાલના મંદિરમાં ગુરુ અપરાધ કરી બેસે છે અને ગુરુના ચિત્તમાં સમ્યક્બોધ હતો એટલે તેઓ તો કંઈ ન બોલ્યા પરંતુ ભગવાન શંકર કુપિત થઈ જાય છે અને ભગવાન શિવ શાપ આપે છે. હાહાકાર મચી જાય છે ! ભુશુંડિજી કાંપી રહ્યાં છે એનાથી વધારે ગુરુ કાંપી રહ્યાં છે. શંકર ક્રોધને કારણે કાંપી રહ્યાં છે.
ત્રણેય સ્થળે કંપન છે? એ કંપનોમાં ‘રુદ્રાષ્ટક’નો જન્મ થાય છે. તો પૂછવામાં આવ્યું છે કે ‘રુદ્રાષ્ટક’ અષ્ટક જ કેમ છે? સપ્તક કેમ નથી? ષટ્ક કેમ નથી? પંચક પણ કરી શકતા હતા, સપ્તક પણ લખી શકતા હતા, પરંતુ અષ્ટક લખવા પાછળનું કારણ શું ? બહુ સુંદર પ્રશ્ન છે. વિચારવા માટે બાધ્ય કરી દે એવી જિજ્ઞાસા છે. હું તમને કેટલીક વાતો કરું.
‘રુદ્રાષ્ટક’ની સ્તુતિ અહીં અષ્ટકમાં આવી છે એટલા માટે તો આપણે એને અષ્ટક કહીએ છીએ; રુદ્રનું અષ્ટક. એનું એક કારણ તો એ છે કે ભગવાન શિવ અષ્ટમૂર્તિ છે. ભગવાન શિવને શાસ્ત્રકારોએ અષ્ટમૂર્તિ માન્યા છે અને અષ્ટક ગાવામાં આવ્યું એનું એક કારણ આ અષ્ટમૂર્તિ માની શકાય. બીજું, આ અષ્ટકની રચના એટલા માટે થઈ કે અપરાધ થયા બાદ આપણે અષ્ટક ગાઈએ અને અપરાધથી મુક્ત થઈએ. એ તો છે જ, પરંતુ આપણે જીવ છીએ. આપણે ગમે ત્યારે અપરાધ કરી શકીએ છીએ. ક્યારેક બ્રાહ્મણનો દ્રોહ કરી દઈએ; ક્યારેક હરિજનનો દ્રોહ કરી દઈએ; ક્યારેક ગુરુનો દ્રોહ કરી દઈએ. અહીં એક કારણ અષ્ટકનું એ પણ છે કે અષ્ટકનું ગાન કરવાથી આપણે એ અપરાધથી મુક્ત થઈ શકીએ.
અષ્ટકનું એક કારણ તો એ છે કે કાગભુશુંડિએ કુલ આઠ અપરાધ કર્યા છે. ભુશુંડિજીના જે અપરાધ થઈ ગયા; ગુરુ અપરાધ, દ્વિજદ્રોહ, એમાં કુલ મળીને આઠ અપરાધ આપણે સૌ કરવા લાગીએ છીએ. તો આઠ અપરાધ છે ભુશુંડિના. ‘आन देव निंदक अभिमानी|’થી લઈને તમે એના અપરાધ ગણશો તો બિલકુલ આઠ અપરાધ મળશે. અને એ આઠ અપરાધોથી મુક્તિ મેળવવા માટે કદાચ બુદ્ધપુરુષે અષ્ટક- ‘રુદ્રાષ્ટક’ ગાયું. એ પણ એક કારણ છે.
અષ્ટક લખવા પાછળ એક એ કારણ પણ હોઈ શકે કે ભગવાન શંકર મહાકાલ જ્યારે કુપિત થયા ત્યારે એમણે ભુશુંડિને શાપ આપતી વખતે આઠ પ્રકારનાં સંબોધન કર્યા. ક્યારેક અજ્ઞાની કહ્યો; ક્યારેક અભિમાની કહ્યો; ક્યારેક ખલ કહ્યો; ક્યારેક શઠ કહ્યો; ક્યારેક અધમાધમ કહ્યો. આઠ પ્રકારનાં સંબોધન કર્યા, એટલે કદાચ અષ્ટક આવ્યું. અને અષ્ટમૂર્તિ તો શિવ છે જ; એટલે અષ્ટક. તો એનાં ઘણાં કારણ બતાવી શકાય છે.
આ પ્રવાહમાં વાતો ચાલશે તો હું તમને એવું નિવેદન પણ કરવા માગું છું કે આખાયે ‘રુદ્રાષ્ટક’માં કેન્દ્રમાં તો મહાકાલ છે, પરંતુ ગુરુકૃપાથી એને જોવામાં આવે તો આખાયે ‘રુદ્રાષ્ટક’માં કોઈ ને કોઈ સંદર્ભમાં બાર જ્યોર્તિલિંગનો સંકેત છે. મને એ કહેવામાં કોઈ મુશ્કેલી નથી; ‘રુદ્રાષ્ટક’ પ્રત્યે મારી વિશેષ શ્રદ્ધા છે; થોડો કંઈક અનુભવ છે તો તમારી સાથે શેર કરું કે ‘રુદ્રાષ્ટક’ની અંદર બાર જ્યોર્તિલિંગ સમાહિત છે. હવે જ્યારે नमामीशमीशान એમાં જે પહેલો ‘ઇશાન’ શબ્દ આવ્યો એ સીધો કેદારનો સંકેત કરે છે.
ઇશાન દિશા એ બતાવી રહી છે કે એમાંનો ‘ઇશાન; શબ્દ સીધો ભગવાન કેદારેશ્વરનો જ સંકેત કરે છે. भाल बालेन्द।’ ભાલમાં ઈંદુ છે; ચંદ્ર છે; તો એમાં સીધો સોમનાથનો સંકેત છે. એ સોમેશ્વર છે. અને निर्वाण रुपं, જ્યારે ‘રુદ્રાષ્ટક’ની સ્તુતિમાં ભગવાન મહાકાલને નિર્વાણરૂપ કહ્યા તો એમાં સીધો બનારસનો સંકેત છે. એ નિર્વાણદાતા શિવ વિશ્વનાથ છે.शिव शंकरम़़ એ ભીમાશંકર તરફ સંકેત છે. कंठे भुजंगा, એ નાગેશ્વરનો સંકેત છે. તમે તમારી ઝોળીમાં ‘રુદ્રાષ્ટક’ પુસ્તકના રૂપમાં રાખો અથવા તો ‘રામચરિતમાનસ’માં રાખો; ‘માનસ’માં આ ‘રુદ્રાષ્ટક’ છે; એ તમારી ઝોળીમાં રાખો અને તમારો ભરોસો અને શ્રદ્ધા હોય તો તમારી ઝોળીમાં તમે બાર જ્યોર્તિલિંગ લઈને ઘૂમી રહ્યા છો.
પ્રશ્ન છે ભરોસાનો. ભરોસો ન હોય તો અહીં બેઠાં પછી પણ ક્યારેક ઘટના નથી ઘટતી અને ભરોસો હોય તો બાર જ્યોર્તિલિંગ આપણી સાથે સાથે ચાલે છે. બાર શું? વધારે છે. આપણાં અન્ય જે વિશિષ્ટ શિવધામ છે એ પણ એમાં સમાવિષ્ટ છે. सर्वभूतादिवासम, પ્રત્યેક ભૂતના આપ ભૂપતિ છો. તો મને ત્યાં પશુપતિનાથનો સંકેત મળી જાય છે કે નેપાળ સુધી ત્યાં દૃષ્ટિ ગઈ છે. આવનારા દિવસોમાં એની ચર્ચા કરીશું. પરંતુ તમારા ધ્યાનમાં રહે કે આખું ‘રુદ્રાષ્ટક’ દ્વાદશ જ્યોર્તિલિંગમય છે.
તો બહુ જ અદ્દ્ભુત, અલૌકિક છે આ ‘રુદ્રાષ્ટક’. મહાકાલના મંદિરમાં આકાશવાણી થઈ. આકાશવાણીનો અર્થ છે આકાશમાંથી આવેલી વાણી. પરંતુ ‘રુદ્રાષ્ટક’ એ ઉપરના આકાશમાંથી નથી આવ્યું. એ અંદરથી આવેલી, ચિદાકાશમાંથી નીકળેલી વાણી છે. અંદરથી ફૂટેલી એક અદ્દ્ભુત વાણી ‘રુદ્રાષ્ટક છે. ‘રુદ્રાષ્ટક’ માણસની રામભક્તિને દૃઢ કરે છે.
મને કહેવામાં કોઈ મુશ્કેલી નથી કે ‘રુદ્રાષ્ટક’નો પાઠ કૃષ્ણભક્તિને બળ આપે છે. ‘રુદ્રાષ્ટક’નું પારાયણ માણસમાં ઊર્જા ભરી દે છે. મારે બોલવામાં ધ્યાન રાખવું પડે છે પરંતુ જવાબદારી સાથે બોલું તો હું કહું કે ‘રુદ્રાષ્ટક’ શુદ્ધ પણ છે અને સિદ્ધ પણ છે. એમ જ એનો તમે પાઠ કરો તો પણ એનો મહિમા છે. પરંતુ ‘રુદ્રાષ્ટક’નું ગાન કરો એનો વિશેષ મહિમા છે. તો શિવનું આ ‘રુદ્રાષ્ટક’ અદ્દ્ભુત છે. શિવ, શિવ છે; શિવ, શિવ છે.
સંકલન : જયદેવ માંકડ