નવી દિલ્હીઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જાહેર કરેલી એકસમાન 15 ટકા ટૅરિફને કારણે અમુક ભારત, ચીન અને દક્ષિણપૂર્વ એશિયા સહિતના એશિયા પેસિફિક અર્થતંત્રો જેના પર મોટી માત્રામાં ટૅરિફ લાદવામાં આવી હતી તેઓને લાભ થશે, પરંતુ જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાન જેવા દેશો પર માત્ર 15 ટકા ટૅરિફ હતી તેવા અર્થતંત્રો પર બહુ મામૂલી અસર થવાની શક્યતા મૂડીઝ એનાલિટિક્સે આજે વ્યક્ત કરી છે.
હાલમાં ટૅરિફ અંગે ઘણી અનિશ્ચિતતાઓ છે, પરંતુ આપણે એટલું જરૂર કહી શકીએ કે એકસમાન 15 ટકા ટૅરિફથી એશિયા પેસિફિક વિસ્તારના અમુક અર્થતંત્રો જે ઊંચી ટૅરિફનો સામનો કરી રહ્યા હતા તેને લાભ થશે.
નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના વહીવટીતંત્રના દેશ આધારિત ટૅરિફના વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો અને ત્યાર બાદ પ્રમુખ ટ્રમ્પે તમામ દેશોથી થતી આયાત સામે 150 દિવસ સુધી 10 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરી હતી, ત્યાર બાદ શનિવારે ટૅરિફ વધારીને 15 ટકા કરવામાં આવી હતી. જોકે, આ સદંર્ભે હજુ સુધી કોઈ આદેશ અથવા તો ઓર્ડર જારી કરવામાં નથી આવ્યો.
જોકે, આ ચુકાદાને પગલે ભારત અને ઈન્ડોનેશિયા સાથે થયેલા તાજેતરના વેપાર કરારો અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી બંધ કરવાની સમયમર્યાદા અને ઈન્ડોનેશિયાથી ટૅરિફ મુક્ત કાપડ નિકાસના જ્થ્થા જેવી મુખ્ય બાબતો હજુ સુધી નક્કી કરવામાં નથી આવી. તેમ જ ભારતે પણ કરાર પર સહીસિક્કા કરવા માટે વૉશિંગ્ટન ખાતે પ્રતિનિધિમંડળ મોકલવામાં વિલંબ કર્યો હોવાનું મૂૂડીઝે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કોર્ટના ચુકાદાથી અમેરિકાની દેશ આધારિત ટૅરિફ લાદવાની ક્ષમતા મર્યાદિત થવાની સાથે ચીન સહિતના અન્ય દેશો સાથેની વાટાઘાટોમાં તેના લાભને પણ મર્યાદિત કરે છે. અમારું માનવું છે કે ટ્રમ્પ ટૅરિફ વધારવા માટે અન્ય કાનૂની માર્ગો શોધી કાઢશે અને જો યુએસ ટૅરિફ ગત શુક્રવાર પહેલાની સપાટીએ જેમ ના તેમ જ રહે તો અમને આશ્ચર્ય નહીં થાય, એમ મૂડીઝ એનાલિટિક્સે જણાવતાં ઉમેર્યું હતું કે અમુક સરકારો યુએસ સાથેના વેપાર કરારને મંજૂરી આપવા ધીમી ગતિએ ચાલી શકે છે, પરંતુ અમને લાગે છે કે વધુ દંડાત્મક ટૅરિફને આમંત્રણ આપવાના ડરથી તેઓ સંપૂર્ણપણે છોડી દે તેવી શક્યતા નથી.