Mon Jun 08 2026

Logo

વર્સોવા-દહિસર લિંક રોડને કારણે મોગરા પમ્પિંગ સ્ટેશનનું કામ અટવાયું: નવી જગ્યા શોધવાનું કામ શરૂ

2026-02-23 11:25:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ (દક્ષિણ) બાદ હવે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) એટલે કે વર્સોવા-દહિસર લિંક રોડનું કામ મોટા પાયા પર હાથ ધરવામાં આવ્યું છે, જોકે આ લિંક રોડને કારણે પાલિકાના અન્ય મહત્ત્વનો પ્રોજેક્ટ ગણાતા મોગરા પમ્પિંગ સ્ટેશનનું કામ અટકી ગયું છે. પાલિકાને મોગરા પમ્પિંગ સ્ટેશન માટે નવી જગ્યા શોધવાની ફરજ પડી હતી. નવા પ્રસ્તાવ સાથે પાલિકાએ હવે પર્યાવરણીય મંજૂરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને નવો સુધારિત પ્રસ્તાવ સાદર કર્યો છે.

મુંબઈમાં ૨૬ જુલાઈ, ૨૦૦૫ના થયેલી અતિવૃષ્ટિ અને પૂરજનક પરિસ્થિતિ બાદ બૃહનમુંબઈ સ્ટોર્મવોટર ડિસ્પોઝલ સિસ્ટમ હેઠળ ચિતળે સમિતિની ભલામણ મુજબ આઠ પમ્િંપગ સ્ટેશનના કામ હાથ ધરવામાં આવવાના હતા, જેમાંથી માહુલ અને મોગરા પમ્પિંગ સ્ટેશન માટે જમીનની અડચણનો સામનો પાલિકા કરી રહ્યું છે. પશ્ર્ચિમ ઉપનગરમાં વર્સોવા, અંધેરી અને જોગેશ્ર્વરી જેવા નીચાણવાળા વિસ્તારમાં જયાં હંમેશાથી વરસાદના પાણી ભરાવાની સમસ્યા રહી છે તે વિસ્તારમાં મોગરા પમ્પિંગ સ્ટેશન બાંધવામાં આવવાનું છે. ૨૦૨૧ સાલમાં ૩૯૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં હતા અને કૉન્ટ્રેક્ટનો સમયગાળો ચોમાસા સહિતનો ૨૪ મહિનાનો નક્કી કરવામાંં આવ્યો હતો, છતાં આ પ્રોજેક્ટનું કામ હજી શરૂ થયું નથી.

આ દરમ્યાન  પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ ખાનગી  માલિક બોમ્બેે હાઈકોર્ટમાં જતા જમીનના સંપાદનમાં પાલિકાને કાયદાકીય અડચણનો સામનો કરવો પડયો હતો. ડિસેમ્બર ૨૦૨૪ કોર્ટે ૩૩ કરોડ રૂપિયાની ડિપોઝિટ ચૂકવીને કામ આગળ વધારવાની મંજૂરી આપી હતી. માર્ચ ૨૦૨૫માં રકમ જમા કરાવ્યા પછી અને પ્રારંભિક કામ શરૂ કર્યા પછી પાલિકાને જાણવા મળ્યું હતું કે સાઈટનો એક ભાગ લોખંડવાલા ક્રીક રોડ પર વર્સોવાથી દહિસરને જોડતા પ્રસ્તાવિત મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) ફેઝ-ટૂ સાથે ઓવરલેપ (એકબીજા સાથે જોડાય) થાય છે.

પાલિકાના સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મોગરા પમ્પિંગ સ્ટેશન માટે હવે નવો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. એક વખત તેને અંતિમ સ્વરૂપ મળી જાય પછી તેને પર્યાવરણીય મંજૂરી માટે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ મોકલવામાં આવશે. મંજૂરીની પ્રક્રિયામાં સાતથી આઠ મહિનાનો સમય લાગવાની શક્યતા છે અને ત્યાર બાદ કામ શરૂ થઈ શકશે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે મૂળ સ્થળને પર્યાવરણીય મંજૂરી મળી ગઈ હતી પણ હવે જગ્યામાં ફેરફાર થયો છે. એટલે હવે પાલિકાને નવી મંજૂરીની આવશ્યકતા રહેશે.  આ પ્રોજેક્ટ શરૂઆતમાં આ વર્ષના ચોમાસા પહેલા શરૂ થવાનો હતો પણ હવે વિલંબને કારણે તે હવે ફરી આગળ ધકેલાઈ ગયો છે.

નોંધનીય છે કે મુંબઈમાં ભરતીના સમયે દરિયાના પાણીને શહેરમાં પ્રવેશતું અટકાવવા માટે ફ્લડગેટ બંધ કરી દેવામાં આવે છે. આ પમ્પિંગ સ્ટેશનો પાણીને ડ્રેઈન લાઈનથી દરિયામાં અંદર છોડે છે. જુહુનું  ઈર્લા પમ્પિંગ સ્ટેશન ૨૦૧૦ની સાલમાં શરૂ થનારું પહેલું પમ્પિંગ સ્ટેશન હતું. એ બાદ હાજીઅલી, ક્લેવલેન્ડ, વરલીનું લવગ્રોવ અને રે રોડનું બ્રિટાનિયા, ખારદાંડા ખાતેના ગજધરબંધનો સમાવેશ થાય છે.