નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંગઠનની નવી ટીમ જાહેર થયા બાદ હવે મોદી સરકારના પ્રધાનમંડળ વિસ્તરણ અને ફેરબદલની અટકળો વહેતી થઈ છે. વર્તમાન પ્રધાનમંડળમાંથી અનેક દિગ્ગજોને પડતા મૂકવામાં આવી શકે છે, યુવા અને નવા ચહેરોને તક આપવામાં આવી શકે છે. સૂત્રો મુજબ 2017ની વિધાનસભા ચૂંટણી અને 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રધાનમંડળ બનાવવામાં આવી શકે છે. અશ્વિની વૈષ્ણવને પ્રમોશન મળી શકે છે, જ્યારે ગડકરીનું ખાતું બદલાઈ શકે છે. આ ઉપરાંત 15 થી 17 નવા ચહેરાનો સમાવેશ થઈ શકે છે.
આગામી ચૂંટણીઓને લઈ મોટી હિલચાલ
મોદી કેબિનેટ વિસ્તરણને સૂત્રોના જણાવ્યા પ્રમાાણે, રાજકીય કૉરિડોરમાં ઘણા સમયથી આ અંગેની અટકળો ચાલી રહી છે. જોકે પીએમ મોદી કોને ચા માટે બોલાવે છે તેના પરથી કોની એન્ટ્રી થશે તેનો ખ્યાલ આવશે. કેટલાક મંત્રાલયો પર હાલ મંથન ચાલી રહ્યું છે. આ વખતે પ્રધાનના પરફોર્મેંસને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. દરેક પ્રધાનના કામકાજ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે.
સૂત્રો મુજબ, ભાજપ 2027માં જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંડળ બનાવશે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આસાન નહીં હોય, પંજાબમાં પણ કાંટાની ટક્કર રહેશે. આ ઉપરાંત 2029ની ચૂંટણી ભાજપ માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભાજપ ચૂંટણી જીતી રહ્યું છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સંપર્ક ઓછા છે.
પાંચ મંત્રાલયોમાંથી એક મંત્રાલયમાં ફેરબદલ થઈ શકે
થોડા દિવસો પહેલા કેબિનેટ મીટિંગ થઈ હતી, તેમાં પીએમ મોદીએ તમામ પ્રધાનોને ગ્રાઉન્ડ લેવલ પર જઈને કામ કરવા કહ્યું હતું. આવી જ વાત નીતિન નબીનની નવી ટીમના સંદર્ભે પણ કહેવામાં આવી હતી. કેબિનેટ વિસ્તરણમાં કેન્દ્રીય રાજ્યપ્રધાન તરીકે ઘણા નવા ચહેરાઓ જોવા મળી શકે છે. ભાજપના સહયોગી પક્ષોને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. મોદી કેબિનેટના ટોચના પાંચ મંત્રાલયોમાંથી કોઈ એક મંત્રાલયમાં પણ ફેરબદલ જોવા મળી શકે છે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો હતો. તે ઘણું મોટું મંત્રાલય છે, તેથી ત્યાં પણ ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત ઘણા પ્રધાનો એવા છે, જેમની પાસે ત્રણ-ચાર મંત્રાલયોની જવાબદારી છે. એટલા માટે તેમની પાસેથી કેટલાક વિભાગો લઈને અન્ય પ્રધાનોને વહેંચવામાં આવશે.
કેબિનેટમાં કેટલા પ્રધાનપદ છે ખાલી
કેબિનેટમાં 14 પ્રધાનો એવા છે જેમની પાસે એક કરતાં વધુ મંત્રાલયો છે. 14 એ ઘણી મોટી સંખ્યા છે અને જોગવાઈઓ અનુસાર કેન્દ્રીય પ્રધાનમંડળમાં વધુમાં વધુ 81 પ્રધાનો હોઈ શકે છે. મોદી કેબિનેટમાં હાલમાં 69 પ્રધાનો છે. આ હિસાબે 12 પ્રધાન પદો ખાલી છે.
વૈષ્ણવને કેબિનેટમાં મળી શકે છે પ્રમોશન
રાજ્યસભામાંથી આવતા પ્રધાનો થોડા વધુ જોવા મળશે. પ્રધાનો પાસે વધુ વિભાગો હોવાની જે વાત થઈ રહી છે, તેમાં અશ્વિની વૈષ્ણવ પાસે ત્રણ મંત્રાલયો છે. ત્રણેય મોટા મંત્રાલયો છે—રેલવે, માહિતી અને પ્રસારણ તથા આઈટી મંત્રાલય. આવા સંજોગોમાં તેમની પાસેથી કેટલાક મંત્રાલયોનો હવાલો પાછો લેવામાં આવી શકે છે. તેમને પ્રમોશન આપીને ટોચના પાંચ મંત્રીઓમાં સામેલ કરી શકાય છે, એવો સૂત્રોએ દાવો કર્યો હતો.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને લઈને ચર્ચા
આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું, ઘણા એવા પ્રધાનો છે જેમની પાસે ભારે-ભરખમ મંત્રાલયો છે. પ્રહલાદ જોશીને શિક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા છે, આ મંત્રાલય સીધેસીધું જેન-ઝી સાથે જોડાયેલું છે. રાજકીય વર્તુળોમાં નીતિન ગડકરીને લઈને ચર્ચા છે કે કેબિનેટમાંથી તેમની બાદબાકી થઈ શકે છે. તેઓ યુવા પેઢીને આગળ લાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ પોતાનું મંત્રી પદ છોડવાની વાત નથી કરી રહ્યા. કેબિનેટ વિસ્તરણ થશે તો તેમનું મંત્રાલય અન્ય કોઈને આપવામાં આવી શકે છે. તેમની પાસે જે મંત્રાલય છે, તેમાં ફેરબદલ કરવામાં આવી શકે છે.
કેબિનેટમાં 17 નવા અને યુવા ચહેરાને મળશે તક
સૂત્રોએ જણાવ્યું કે, મોદી કેબિનેટનું વિસ્તરણ સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં ગમે ત્યારે થઈ શકે છે. કેબિનેટમાં મોટા ફેરબદલ થવાની શક્યતા છે. સપ્ટેમ્બરમાં જન્માષ્ટમી પછી કે તે પહેલાં પ્રધાનમંડળનું વિસ્તરણ થઈ શકે છે. ઘણા એવા પ્રધાનોના નામ પણ છે જેમની કેબિનેટમાંથી બાદબાકી થઈ શકે છે. તેમના નામો પર ચર્ચા થઈ ચૂકી છે. તેમને પડતા મૂકીને અને નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે.