Wed Jun 17 2026

Logo

મધ્ય પૂર્વના જંગમાં બ્રિટનની એન્ટ્રી? ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ

Washington DC   2026-03-22 09:12:00
Author: Mumbaisamachar Team
Article Image

વોશિંગ્ટન, ડીસી: છેલ્લા 20 દિવસથી વધુ સમયથી મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે વૈશ્વિક યુદ્ધ તરફ વળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી પડદા પાછળ રહીને મદદ કરતું બ્રિટન હવે સીધું જ મેદાનમાં ઉતર્યું છે. બ્રિટને પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરતા અરબ સાગરમાં પરમાણુ સંચાલિત સબમરીન 'HMS Anson' તૈનાત કરી દીધી છે. આ સબમરીન અત્યાધુનિક ટૉમહોક બ્લોક IV ક્રૂઝ મિલાયલોથી સજ્જ છે, જે સેંકડો માઈલ દૂર રહેલા દુશ્મનના લક્ષ્યોને પળવારમાં નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે. બ્રિટનનો આ આક્રમક અભિગમ સૂચવે છે કે આગામી દિવસોમાં આ સંઘર્ષ વધુ વકરી શકે છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વધતા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપતા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે કે જો હોર્મુઝના જળમાર્ગને કોઈપણ ખતરા વગર સંપૂર્ણ રીતે ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ (વીજળી મથકો) પર હુમલો કરી તેને તબાહ કરી દેશે. ટ્રમ્પની આ ધમકીના જવાબમાં ઈરાને પણ મચક આપી નથી. ઈરાની સેનાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમના ઉર્જા સંસાધનો પર હુમલો થશે, તો આખા ક્ષેત્રમાં રહેલા અમેરિકી ઉર્જા ઠેકાણાઓ સુરક્ષિત નહીં રહે.

યુદ્ધની આ આગ હવે વેપારી જહાજો સુધી પણ પહોંચી ગઈ છે. બ્રિટન મેરીટાઈમ ઓથોરિટી (UKMTO) ના જણાવ્યા અનુસાર, યુએઈ (UAE) ના શારજાહ કિનારેથી લગભગ 15 નોટિકલ માઈલ દૂર એક કોમર્શિયલ જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. જહાજના કેપ્ટન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, એક અજ્ઞાત પ્રોજેક્ટાઈલને કારણે જહાજ પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. સદનસીબે, આ ઘટનામાં તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ હુમલાએ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મોટા જોખમનો સંકેત આપ્યો છે.

શનિવારે ઈઝરાયલના સૈન્ય અધિકારીઓએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈરાને આ યુદ્ધમાં પ્રથમ વખત 4,000 કિલોમીટરની રેન્જ ધરાવતી બેલેસ્ટિક મિલાયલોનો ઉપયોગ કર્યો છે. ઈરાને આ મિસાઈલો દ્વારા અમેરિકી-બ્રિટિશ સૈન્ય બેઝ 'ડિએગો ગાર્સિયા'ને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ છે. ઈઝરાયલની સેનાના મતે, આ પહેલીવાર છે જ્યારે ઈરાને મધ્ય પૂર્વની ભૌગોલિક સીમાઓ ઓળંગીને આટલી લાંબી દૂરીના હુમલા કર્યા છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં આ મિસાઈલ હુમલાએ ઈઝરાયલ અને તેના સાથી દેશોની સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે.