Mon Jul 27 2026

Logo

હવે ફ્રીમાં નહીં ચાલે WhatsApp, Instagram અને Facebook, સોશિયલ મીડિયા ઉપયોગમાં લેવા યુઝર્સે હળવું કરવું પડશે ગજવું...

2026-05-28 14:49:00
Author: Darshana Visaria
Article Image

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યાને? હાલમાં મફતમાં કલાકો સુધી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો  ઉપયોગ કરનારા કરોડો યુઝર્સ માટે એક મોટા અને આંચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધી જે ફીચર્સ આપણને બિલકુલ ફ્રીમાં મળતા હતા, તે માટે હવે આગામી દિવસોમાં પૈસા ચૂકવવા પડી શકે છે. ચાલો જોઈએ શું છે આખો પ્લાન વિસ્તારથી...

ટેક રિપોર્ટ અનુસાર, માર્ક ઝુકરબર્ગની માલિકીની કંપની મેટા ટૂંક સમયમાં જ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ માટે નવા 'પ્લસ સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ' રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આ પેઇડ પ્લાન્સ અંતર્ગત યુઝર્સ પાસેથી પ્રીમિયમ ફીચર્સના ઉપયોગ માટે ચાર્જ વસૂલવામાં આવી શકે છે. મેટાના આ  બિઝનેસ મોડલ અને યુઝર્સ પર તેની થનારી અસર વિશે ચાલો વિસ્તારથી વાત કરીએ.

સોશિયલ મીડિયા માર્કેટમાં ટકી રહેવા અને પોતાની કમાણી વધારવા માટે મેટા કંપની હવે એલોન મસ્કના 'એક્સ'ના રસ્તે ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. બ્લુ ટિક માટે પૈસા વસૂલ્યા બાદ, હવે સામાન્ય ફીચર્સને પણ પેઇડ પ્રોડક્ટ બનાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે.

શું છે આ નવો 'મેટા પ્લસ' પ્લાન?
રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસારમેટા કંપની એક ખાસ ઈન્ટરનલ ટીમ તૈયાર કરી રહી છે, જેનું મુખ્ય કામ ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ માટે એવા ફીચર્સ ડેવલપ કરવાનું છે જેના માટે યુઝર્સ ખુશી-ખુશી પૈસા ચૂકવવા તૈયાર થાય.

આ પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાનને 'Plus' કે તેવું જ કોઈ નવું નામ આપવામાં આવી શકે છે. જોકે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે એપ્સના બેઝિક એટલે કે સામાન્ય ફીચર્સ હંમેશની જેમ એકદમ ફ્રી જ રહેશે, પરંતુ એડવાન્સ અને પ્રીમિયમ ટૂલ્સનો ઉપયોગ કરવા માટે યુઝર્સે સબ્સ્ક્રિપ્શન લેવું ફરજિયાત બનશે.

કયા-કયા ફીચર્સ પેઇડ થઈ શકે છે?
WhatsApp બઝનેસ અને પ્રીમિયમ ટૂલ્સ: વોટ્સએપ પર ખાસ કરીને બિઝનેસ એકાઉન્ટ ધરાવતા યુઝર્સ માટે ગ્રાહકો સુધી પહોંચવા અને ચેટ મેનેજ કરવાના કેટલાક એડવાન્સ ઓટોમેશન ફીચર્સ પેઇડ સબ્સ્ક્રિપ્શન હેઠળ આવી શકે છે.

Instagram અને Facebook એડવાન્સ ફીચર્સ: ઈન્સ્ટાગ્રામ રીલ્સના એડિટિંગ માટેના સ્પેશિયલ AI ટૂલ્સ, પ્રોફાઇલ કસ્ટમાઇઝેશન, કન્ટેન્ટ ક્રિએટર્સ માટે વધારાના સિક્યોરિટી ફીચર્સ અને એનાલિટિક્સ ટૂલ્સ માટે યુઝર્સે મંથલી ચાર્જ ચૂકવવો પડી શકે છે.
એડ-ફ્રી એક્સપિરિયન્સ: જે યુઝર્સ પોતાની ફીડમાં જાહેરાતો જોવા નથી માંગતા, તેમને પેઇડ પ્લાન ઓફર કરવામાં આવી શકે છે, જે ઓલરેડી યુરોપના કેટલાક દેશોમાં ટેસ્ટિંગ મોડ પર છે.

કંપની કેમ લઈ રહી છે આ નિર્ણય?
મેટાની કમાણીનો 90 ટકાથી વધુ હિસ્સો ડિજિટલ એડવર્ટાઇઝિંગમાંથી આવે છે. પરંતુ તાજેતરના વર્ષોમાં એપલની પ્રાઇવસી પોલિસીના કારણે મેટાની એડ-રેવન્યુ પર મોટી અસર પડી છે. આ ઉપરાંત, કંપની અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેટાવર્સ પ્રોજેક્ટ્સ પર અબજો ડોલરનું આંધણ કરી રહી છે. આ જંગી ખર્ચને પહોંચી વળવા માટે કંપની હવે યુઝર્સ પાસેથી ડાયરેક્ટ સબ્સ્ક્રિપ્શન મોડલ દ્વારા કમાણી કરવા માંગે છે.