Tue Aug 18 2026

Logo

પહેલા અર્બન, હવે વૈચારિક નક્સલ...', CPI(M) નેતાનો સરકાર પર હુમલો, એન્ટી-નક્સલ એક્શનને ગણાવ્યો 'સરકારી આતંકવાદ'

2026-08-16 14:03:00
Author: Mumbai Samachar Team
Article Image

'અર્બન નક્સલ’ બાદ હવે 'વૈચારિક નક્સલ' શબ્દને લઇને રાજકારણ ગરમાયું છે. CPI(M) નેતા એમએ બેબીએ સરકાર પર વિરોધ કરનારાને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ નક્સલ વિરોધી કાર્યવાહીને 'સરકારી આતંકવાદ’ ગણાવ્યો છે. તેમનું આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 15 ઓગસ્ટના ભાષણ બાદ આવ્યું છે. હકીકતમાં પીએમ મોદીએ લાલ કિલ્લાથી કહ્યું હતું કે જંગલોમાં હથિયાર ઉઠાવનારા નક્સલિયો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી છે. જો કે વૈચારિક સ્તરે પડકાર હજુ બાકી છે. પીએમએ તેમના ભાષણ દરમ્યાન વૈચારિક નક્સલ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
 
'વિરોધ કરનારાને નકસલ ગણાવાઇ રહ્યા' 

એમએ બેબીનો આરોપ છે કે પહેલા BJP અને RSSની ટીકા કરનારાને 'અર્બન નક્સલ કહેવામાં આવતા હતા. હવે આજ રીતે વૈચારિક નક્સલનો નવો ટેગ ઉપયોગમાં આવી રહ્યો છે. તેમના મતે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવનારા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 

પોતાના નિવેદનમાં તેમણે ગિરીશ કર્નાડની વાત કરી, જેઓ એક જાહેર કાર્યક્રમમાં 'અર્બન નક્સલ' લખેલું ટેગ પહેરીને ગયા હતા. આ ઉપરાંત તેમણે એમ.એમ. કલબુર્ગી, ગોવિંદ પાનસરે અને ગૌરી લંકેશની હત્યાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમનો સીધો આરોપ છે કે જે કોઈ પણ ભાજપ અથવા RSS ની આલોચના કરે છે, તેના પર હુમલા કરવામાં આવે છે.

નક્સલ વિરોધી કાર્યવાહી પર સવાલ ઉઠાવતા એમ.એ. બેબીએ કહ્યું કે સરકાર માઓવાદીઓને ખતમ કરવાની વાત કરે છે, પરંતુ તેના માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ પર ચર્ચા થવી જોઈએ. તેમનો આરોપ છે કે યુવાન છોકરા-છોકરીઓને પકડવામાં આવ્યા. તેમને કાનૂની પ્રક્રિયામાંથી પસાર કરવાના બદલે ગોળી મારી દેવામાં આવી, અને પછી કેસોને એન્કાઉન્ટર બતાવવામાં આવ્યા.

તેમણે આ કાર્યવાહીને 'સરકારી આતંકવાદ' ગણાવ્યો. તેમના મતે, માઓવાદીઓ સાથે નિપટવા માટે માત્ર લશ્કરી કાર્યવાહી જ એકમાત્ર રસ્તો નહોતો. વાતચીત દ્વારા હથિયાર છોડનારાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો પણ થઈ શકતા હતા.

PMને લખ્યો હતો પત્ર

એમ.એ. બેબીના જણાવ્યા અનુસાર, ડી. રાજા અને દીપાંકર ભટ્ટાચાર્ય સાથે મળીને તેમણે વડા પ્રધાનને પત્ર લખ્યો હતો. તેમાં માઓવાદીઓની હિંસા સામે અસંમતિ સ્પષ્ટપણે દર્શાવવામાં આવી હતી. સાથે જ એ વાત પણ રજૂ કરવામાં આવી હતી કે જે લોકો હથિયાર છોડવા તૈયાર છે, તેમની સાથે વાતચીત કરવામાં આવે.

તેમનું કહેવું છે કે આવા લોકોને કાનૂની પ્રક્રિયા દ્વારા મુખ્ય પ્રવાહમાં લાવી શકાતા હતા. આ જ બાબતને લઈને તેમણે સરકારની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા.