Tue Oct 06 2026

Logo

અભિનેત્રી વર્ષા ઉસગાંવકર, અન્યો સાથે રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 47 લાખની ઠગાઇ

2026-03-05 19:39:00
Author: Yogesh D. Patel
અભિનેત્રી વર્ષા ઉસગાંવકર, અન્યો સાથે રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 47 લાખની ઠગાઇ

મુંબઈ: અભિનેત્રી વર્ષા ઉસગાંવકર અને અન્ય ચાર લોકો સાથે રોકાણ પર આકર્ષક વળતરનું વચન આપી 47 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ પોલીસે એક વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના અધિકારીએ એફઆઇઆરને ટાંકીને કહ્યું હતું કે મૃણાલિની સુભાષ જાંભળેની ફરિયાદ બાદ આરોપી અવિનાશ જાધવ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદમાં જાંભળેએ જણાવ્યું હતું કે જાધવે પોતાની ઓળખ ફિલ્મ પ્રોડ્યુસર અને બિલ્ડર તરીકે આપી હતી અને ડોંબિવલીમાં બાંધકામ પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે તેને કહ્યું હતું.

જાધવે રોકાણ પર આકર્ષક વળતર અને મૂળ રકમની પુન:ચુકવણી એક વર્ષમાં કરવાનું આશ્ર્વાસન પણ આપ્યું હતું, એવું ફરિયાદમાં જણાવાયું હતું. નવેમ્બર, 2019થી ફેબ્રુઆરી, 2020 દરમિયાન ફરિયાદી જાંભળે, મરાઠી અને હિન્દી ફિલ્મની અભિનેત્રી વર્ષા ઉસગાંવર તથા અન્ય ત્રણ જણે ચેક અને ઓનલાઇન ટ્રાન્ઝેકશન દ્વારા 47 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

આરંભમાં આરોપીએ વચન આપ્યા પ્રમાણે વળતરના ભાગરૂપે 4.52 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. જોકે બાદમાં તેણે વળતર આપવાનું બંધ કરી દીધું હતું. દરમિયાન જાંભળેએ વારંવાર જાધવનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં જાધવે પોતાનો મોબાઇલ નંબર અને સરનામું બદલી નાખ્યાં હતાં.

પોતે છેતરાઇ હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ જાંભળેએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે જાધવ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)