મોરારિબાપુ
આ કથામાં મૌન વિષય પર કંઈક કહેવાની ભગવાન પ્રેરણા કરે છે. મારા દાદા, સદગુરુ ભગવાન બહુ જ મૌન રહ્યા. વ્રતના રૂપમાં ધારણ કરેલું એવું કોઈ એમનું મોન ન હતું પરંતુ સહજ સ્વભાવ હતો.. ‘માનસ’ના આધારે મૌન પર નવ દિવસ બોલીશ. મૌનનો પહેલો ફાયદો છે કે આપણે વાચિક અસત્યથી બચી જઈએ છીએ. આપણને વાચિક અસત્યથી મુક્તિ મળી જાય છે. કેમ કે મૌન હશું તો આપણે વાણીથી ખોટું નહીં બોલીએ. ભલે મનમાં ખોટું હોય, એ બધી વાત જુદી છે.
મૌનનો પહેલો ફાયદો એ છે કે આપણે વાતચીત જૂઠથી બચી જઈએ છીએ. અધ્યાત્મની દ્રષ્ટિએ વાતચીત જૂઠ પર્યાવરણને બહુ જ દૂષિત કરે છે. આપણે આકાશમાં વાચિક જૂઠના એટલા બધા વાદળો રચી દીધા છે કે વરસાદને વરસવું હોય તો પણ નથી વરસી શકતો! આ વાત આજે નહીં સમજાય. મૌનનો પહેલો ફાયદો હું બતાવી રહ્યો છું. આમ તો હું કોઈ ફાયદાવાળી કથા કહેતો જ નથી કે આપ આમ કરશો તો આ ફાયદો થશે કે તે ફાયદો થશે. ફાયદાની વાત જ અમારી પાસે નથી. છતાં પણ ગુરુકૃપાથી જે કંઈ મારો અનુભવ છે એને આધારે હું મૌનના ફાયદા બતાવીશ. એક-એક દિવસનો એક-એક ફાયદો.
પહેલા દિવસનો ફાયદો. આપણે વાતચીત જૂઠથી બચી જઈએ છીએ. મૌન છે એટલે મજબૂરીથી પણ બોલી નથી શકતા. વાચિક જૂઠથી સમાજ મુક્ત થવો જોઈએ; વિશ્વમાં પ્રદૂષણની જે સમસ્યા છે એ ઓછી થઈ શકે છે. વાચિક જૂઠથી બચવાને કારણે બીજો ફાયદો એ થશે કે ધીરે ધીરે આપણી ગ્લાનિ ઓછી થશે. આપણે જૂઠું બોલી તો નાખીએ છીએ પરંતુ આત્મા તો એનો સાક્ષી છે; એ મનમાં ગ્લાનિ જન્માવે છે. ભલે આપણે જાહેર ન કરીએ પરંતુ આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે ગ્લાનિ તો પેદા થાય જ છે.
મૌનનો બીજો ફાયદો છે શાંતિ. સુફીઓની જબાનમાં ઇસ્લામનો અર્થ છે મૌન. અને ક્યારેક ક્યારેક માણસ મૌન રહે છે તો ઘણું નુકસાન પણ થાય છે. દ્રૌપદી કોમલાંગી છે અને ત્યાં દુ:શાસનના હાથ હાથીની સૂંઢ જેવા છે. હાથીની સુંઢ જેવા હાથોથી તે દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચવા કોશિશ કરે છે ત્યારે ભીષ્મનું ચુપ રહેવું એ મૌન કોઈ વિશેષ ઉપલબ્ધી નથી કરાવી શકતું. એ વખતે કંઈક બોલવું જોઈતું હતું. દ્રૌપદીએ કહ્યું તો પણ ભીષ્મ કશું ના બોલ્યા. તો ક્યારેક ક્યારેક આપણું મૌન વિપત્તિ સર્જક હોય છે. વાત પણ શાંતિ આપશે. શરૂઆતમાં થોડી મુશ્કેલી થશે પરંતુ એ શાંતિ આપશે અથવા તો સમ્યક બોલવું એ પણ મૌન જ છે !
દ્રષ્ટિએ મૌનને ત્રણ વિદ્યામાં વહેંચી શકાય. અમુક ક્રિએટિવ હોય છે. મૌનનો એક પ્રકાર છે-ક્રિએટીવ મૌન. ક્રિએટીવનો અર્થ થાય છે સર્જનાત્મક. કંઈક સર્જન કરે છે. કેટલાક સૂફીઓ મૌનમાં સર્જન કરતા હતા. બૌદ્ધ ભીખુઓ મૌનમાં સર્જન કરતા હતા. જગતની શ્રેષ્ઠ કલાકૃતિઓ આવી છે એના સર્જકો મૂળમાં મૌન રહ્યા છે.
એક પથ્થરને કોતરતો શિલ્પી જુઓ, એ મૌનમાં જ ડૂબ્યો હશે. એ તો બહુ ઊંચી વાત છે. પરંતુ મારા ભાઈઓ- બહેનો,, હું આપને નિવેદન કરું, શાસ્ત્રોએ રોજ છ જગ્યાએ મૌન રાખવાની સૂચના આપી છે. સ્નાન કરતી વખતે મૌન રાખવાની વાત છે. રુદ્રાષ્ટક ગાવાની છૂટ છે મારા યુવાન ભાઈઓ-બહેનો, મૌન વિશે બહુ જ પ્રેક્ટીકલ વાતો છે. એવું કહેવામાં આવ્યું છે કે સ્નાન કરતી વખતે મૌન રાખવું.
બીજું, ભોજન કરતી વખતે મૌન રાખવાની વિદ્યા છે. ઘણા લોકો વ્રતના રૂપમાં ભોજન સમયે નથી બોલતા, પરંતુ ભોજન કરતી વખતે વધારે બોલ બોલ ન કરવું એ સ્વાભાવિક સૂત્ર છે. હા, પ્રસન્ન ચિત્તે થોડીક વાતો કરી શકાય, પરંતુ ઘણા લોકો બોલ બોલ કરવામાં ખાતા પણ નથી અને ખાવા પણ નથી દેતા. શરીરનો કચરો કાઢતી વખતે મૌન રાખવાની વાત છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, એ શબ્દો મૌન રાખવા માટે પ્રોપર છે. વડીલો બેઠા હોય ત્યારે મૌન રહેવું. શ્રેણી સામે બહુ બોલવું નહીં.
કાલે કહ્યું હતું કે મૌન વાચિક અસત્ય છે બચાવે છે કે તમે ઈચ્છો તો પણ મૌનને કારણે ખોટું ન બોલી શકો. અને બીજો ફાયદો છે, મૌનને કારણે શાંતિ મળે છે; સંઘર્ષથી બચી શકાય છે. ધીરે ધીરે મૌન પાકે છે, તો શાંતિ બહુ મળે છે. અને મૌનવ્રતનો અર્થ છે કે આપણે વ્રતને આધીન ન થઈ જઈએ, વ્રત આપણા આધીન રહે. અને જેમ મેં હમણાં કહ્યું કે ક્યાં મૌન રાખવું અને ક્યાંક ક્યાં છોડવું, એનો પણ શાસ્ત્ર સંકેત કરે છે.
શાસ્ત્ર કહે છે કે ધર્મ સંકટમાં મૌન છોડવું કે રહેવાથી પરિવાર અથવા તો મારી સાથે જોડાયેલા લોકો પર ધર્મ સંકટ આવશે એવું લાગે એવા સમયે થોડું મૌન છોડી દો. તમારા મૌન છોડવાથી કોઈ જીવ બચી જતો હોય; કોઈના પ્રાણની રક્ષા થતી હોય તો મૌન છોડવું. મૌન વ્રત લઈને બેઠા હોય પરંતુ તમારા પરિવારનું કોઈ બાળક તમારા ખોળામાં આવીને તમારો કુરતો ખેંચે કે બોલો, બોલો બોલતા કેમ નથી? તો એ સમયે બાળક માટે મૌન છોડી દેવું જોઈએ. બાળક માટે મૌન છોડવું એ તો પરમાત્મા સાથે વાત કરવા બરાબર છે.
અહંકારને કારણે મૌનને પકડી રાખવાથી મૌન દોષિત થઈ જાય છે. તો આપે જેટલા સમયનું મૌન રાખ્યું હોય, એમાં મૌન છોડવાની છૂટ છે; એ છૂટ હોવી જોઈએ. વાણીનું મૌન, ઇન્દ્રિયોનું મૌન અને કાષ્ઠ મૌન; ત્રણ પ્રકારના મૌન છે. તો, મૌન રહેવાથી વાચિક અસત્યથી મુક્તિ મળે છે. વાચિક જૂઠથી સમાજ મુક્ત થવો જોઈએ. મૌનને સમજવા મૌન રહેવું જોઈએ.
(સંકલન: જયદેવ માંકડ)