Fri Aug 28 2026

Logo

હિમાચલમાં નવી આફતઃ અચાનક હિમવર્ષાથી હજારો વાહનો ફસાતા પર્યટકો મુશ્કેલીમાં

2026-03-15 21:24:33
Author: Mumbai Samachar Team
હિમાચલમાં નવી આફતઃ અચાનક હિમવર્ષાથી હજારો વાહનો ફસાતા પર્યટકો મુશ્કેલીમાં

મનાલીઃ હિમાલચ પ્રદેશના મનાલીમાં અચાનક થયેલી હિમવર્ષાએ મુશ્કેલી સર્જી છે. અચાનક થયેલી હિમવર્ષાથી સાઉથ પોર્ટલ પાસે આશરે 1000થી વધારે વાહનો ફસાયા છે. બરફમાં અટવાયેલા વાહનોની લાંબા લાઈને જોવા મળી હતી. મનાલી પોલીસની ટીમે રસ્તે ઊતરીને આગળ માટેની વ્યવસ્થા સંભાળી હતી. સતત ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ થતા રેસક્યૂ ઑપરેશન કરવું પડ્યું હતું. 

શું કહ્યું પોલીસ ઉચ્ચ અધિકારીએ?

પોલીસના ઉચ્ચ અધિકારી ડીએસપી કેડી શર્માએ કહ્યું હતું કે, પોલીસ ટીમ સાથે હું સ્થળ પર જ છું. રેસક્યૂ ઑપરેશન પર સતત વૉચ રાખવામાં આવી રહી છે. સમગ્ર સ્થિતિ પર કંટ્રોલ કરવામાં આવ્યો છે. 
પોલીસ તરફથી દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકો સુરક્ષિત રીતે મનાલીમાંથી પસાર થઈ જાય એ અમારી પ્રાથમિકતા છે. બીઆરઓ અને અન્ય સંબંધિત એજન્સીઓએ પણ અપીલ કરી છે કે, તેઓ પોતાની ટીમને યુદ્ધના ધોરણે સ્પોટ પર હાજર કરે, જેથી રસ્તા પર માટી પાથરીને ફરી રસ્તો શરૂ કરાવી શકાય. આનાથી થશે એવું કે, ટ્રાફિક જામમાં ફસાયેલા પ્રવાસીઓ અને વાહનો સરળતાથી આગળ વધી શકશે. 

મનાલી તરફનો રસ્તો બરફની ઢંકાયો

મનાલી તરફ અંદર જતો રસ્તો બરફથી ઢંકાઈ ગયો હતો. વાહનો ચાલી શકે એવી કોઈ સ્થિતિ જ નહોતી. પોલીસે જણાવ્યું હતું કે, અમે દરેક પ્રવાસીઓને અપીલ કરીએ છીએ કે, શાંતિ રાખજો. પોલીસને સહયોગ આપજો. પોલીસ માટે સુરક્ષા એ પ્રાધાન્ય છે. જોકે, જેમ જેમ રસ્તો આગળ ક્લિયર થતો હતો એમ વાહનો આગળ વધી રહ્યા હતા. ખાસ કરીને સાંજના સમયે અને અંધારામાં દૂર દૂર સુધી વાહનો રસ્તા પર બંધ પડ્યા હતા.