Fri Jun 19 2026

Logo

ભુજમાંથી ઝડપાયો ફેસબુક પર સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી આચરતો શખ્સ

2026-05-17 16:55:00
Author: mumbai samachar team
Article Image

ભુજ: ભુજ પોલીસની સ્થાનિક ગુના શોધક શાખાએ  ફેસબુક પર વેશપલટો કરી સસ્તું સોનું અને નકલી નોટો આપવાના બહાને લોકોને છેતરવાની જાળ બિછાવનારા એક સાયબર ગઠિયાને  ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી સ્કૂટર અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને સલીમને અટકાયતમાં લીધો 

આ અંગે મળતી વિગતો મુજબ  ભુજની ગાંધીનગરીનો રહેવાસી સલીમ અલીમામદ પડયાર નામનો શખ્સ હમીરસર તળાવ નજીક આવેલી લેકવ્યૂ હોટેલ ત્રણ રસ્તા પાસે એક્સેસ ટુ-વ્હીલર (નંબર: GJ-12HH-8591 ) સાથે કોઈને છેતરવાના ઇરાદે ઊભો છે તેવી એલસીબીને પ્રાપ્ત થયેલી પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને સલીમને અટકાયતમાં લીધો હતો.

ફેસબુક પર 'ભરત જૈન' નામે પોતાની બોગસ પ્રોફાઇલ બનાવી હતી

પોલીસે આરોપીના મોબાઇલ ફોનની તપાસ કરતાં ખુલાસો થયો હતો કે, તેણે ફેસબુક પર 'ભરત જૈન' નામે પોતાની બોગસ પ્રોફાઇલ બનાવી હતી. આ ફેક આઇડી પર તે બજારભાવ કરતાં સસ્તું સોનું આપવા તેમજ 'એક લાખના સામે પાંચ લાખ'ની નકલી નોટો આપવાની લાલચ આપતા ફોટો અને વીડિયો અપલોડ કરીને ભોળા લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. 

કુલ રૂ. 40,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો

એલસીબીએ આરોપી પાસેથી રૂ.5000 ની કિંમતનો મોબાઇલ ફોન અને રૂ. 35,000 ની કિંમતનું એક્સેસ વાહન મળી કુલ રૂ. 40,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

(ઉત્સવ વૈધ)