Sun Sep 13 2026

Logo

પ્રાસંગિકઃ મક્કા સંધિ-પશ્ચિમ એશિયાના નવા ભૂ-રાજકીય સમીકરણથી શું ફરક પડી શકે?

2026-08-26 07:44:51
Author: Amul Dave
પ્રાસંગિકઃ મક્કા સંધિ-પશ્ચિમ એશિયાના નવા ભૂ-રાજકીય સમીકરણથી શું ફરક પડી શકે?

અમૂલ દવે


ઓગસ્ટ 2026માં સઉદી અરેબિયા- તુર્કી અને પાકિસ્તાન વચ્ચે હસ્તાક્ષર થયેલું ‘મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ’ પશ્ચિમ એશિયાની પરંપરાગત સુરક્ષા વ્યવસ્થામાં એક અભૂતપૂર્વ અને યુગપ્રવર્તક મોડ તરીકે ઊભરી આવ્યું છે. સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તૂર્કીના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગાન અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ દ્વારા મક્કાના પવિત્ર આંગણે સહી કરવામાં આવેલા આ ત્રિપક્ષીય સમજૂતીને વૈશ્વિક રાજદ્વારી વર્તુળોમાં ‘ઇસ્લામિક નાટો’ અથવા ‘સુન્ની સુરક્ષા ચોકઠું’ તરીકે સંબોધવામાં આવી રહી છે. 

આ કરારનું મુખ્ય આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર તેમાં સામેલ ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)ના આર્ટિકલ-5 ની તર્જ પર રચાયેલી સામૂહિક સુરક્ષા જોગવાઈ છે, જે અનુસાર કોઈ પણ એક સભ્ય દેશ પર થયેલો સૈન્ય હુમલો તમામ સભ્ય રાષ્ટ્રો પર થયેલો હુમલો ગણવામાં આવશે. ક્ષેત્રીય દૃષ્ટિકોણથી આ ગઠબંધન અત્યંત શક્તિશાળી પ્રતિકાત્મક ચહેરા સાથે સામે આવે છે, કારણ કે તે સઉદી અરેબિયાના વિપુલ આર્થિક સંસાધનો અને તેલ સમૃદ્ધિ, તૂર્કીની આધુનિક સૈન્ય-ઔદ્યોગિક ક્ષમતા અને નાટો-સમકક્ષ ડ્રોન-એર ગ્રાઉન્ડ તકનીક, તેમજ પાકિસ્તાનની વિશાળ સૈન્ય તાકાત અને અણુશક્તિના ત્રિવેણી સંગમનું પ્રતિનિધિત્વ કરે છે. 

જોકે, આ સંધિની ઘોષણાએ અંકારા, રિયાધ, ઇસ્લામાબાદ અને તેલ અવીવ વચ્ચે ભૂ-રાજકીય સમીકરણોને વધુ જટિલ બનાવી દીધા છે અને ક્ષેત્રીય સ્થિરતા સામે અનેક નવા પ્રશ્નાર્થો ઉભા કર્યા છે.

આ સંધિના આગમન સાથે જ સૌથી મોટો રાજદ્વારી અને સૈન્ય ઘર્ષણનો માહોલ તૂર્કી અને ઇઝરાયલ વચ્ચે રચાઈ રહ્યો છે, જેનું મુખ્ય કેન્દ્રબિંદુ સીરિયાની ધરતી બની છે. 2024ના અંતમાં સીરિયામાં બશાર અલ-અસદ શાસનના પતન બાદ અહમદ અલ-શારાના નેતૃત્વ હેઠળ સ્થપાયેલી નવી સત્તા પ્રણાલીને તૂર્કીનું પૂર્ણ રાજકીય અને લશ્કરી સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. અંકારા નવી સીરિયન સેનાને તાલીમ, હથિયારો અને વ્યૂહાત્મક સલાહ આપીને દમાસ્કસ પર પોતાનો અપ્રતિમ પ્રભાવ સ્થાપિત કરી ચૂક્યું છે. 

ઇઝરાયલ પોતાના ઉત્તરીય સરહદી વિસ્તારમાં તૂર્કીની આ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ મજબૂત સૈન્ય ઉપસ્થિતિને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો અને મોટો ખતરો ગણે છે. ઓગસ્ટ 2026માં જ સીરિયાના અબુ અલ-દુહુર એરબેઝ પર ઇઝરાયલી વાયુસેના દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલાએ આ તણાવમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. 

ઇઝરાયલે આ સૈન્ય કાર્યવાહીને પોતાની સુરક્ષા માટેની ‘લાલ રેખા’ (રેડ લાઈન) ગણાવીને દાવો કર્યો હતો કે ત્યાં તૂર્કીના સૈન્ય સાધનો અને દળોની જમાવટ થઈ રહી હતી. જોકે તૂર્કી અને સીરિયા બંનેએ આ દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા છે, છતાં આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે સીરિયાની સરહદો પર ઇઝરાયલ અને તૂર્કી વચ્ચેનો સૈન્ય ટકરાવ હવે અટકળોથી આગળ વધીને પ્રત્યક્ષ ભય તરફ વધી રહ્યો છે.

આ પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બને છે જ્યારે સીરિયાની નવી સરકાર પણ આ મક્કા સંધિ અથવા સુરક્ષા જૂથમાં જોડાય તેવી ઇચ્છા અને રાજદ્વારી હિલચાલ દર્શાવી રહી છે. જો સીરિયા અધિકૃત રીતે આ ‘ઇસ્લામિક નાટો’ જેવી વ્યવસ્થામાં સામેલ થાય, તો તેલ અવીવ માટે સુરક્ષાનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જશે. ઇઝરાયલે ત્યાર બાદ માત્ર કોઈ એક પાડોશી દેશનો નહીં, પરંતુ સઉદી અરેબિયા, તૂર્કી, પાકિસ્તાન અને સીરિયાના બનેલા એક શક્તિશાળી ચતુષ્કોણીય મોરચાનો સામનો કરવો પડી શકે છે.
 
સીરિયામાં તુર્કીનો સૈન્ય પ્રભાવ અને તેને મળતું સઉદી તથા પાકિસ્તાની પીઠબળ ઇઝરાયલની ઉત્તરીય સરહદ પર કાયમી ધોરણે મોટો સૈન્ય પડકાર ઊભો કરી શકે છે. વળી, આ ભૂ-રાજકીય હલચલ માત્ર મધ્ય-પૂર્વ પૂરતી મર્યાદિત ન રહેતાં દક્ષિણ એશિયા સુધી વિસ્તરતી દેખાય છે. દક્ષિણ એશિયામાંથી બાંગ્લાદેશ પણ આ જૂથમાં જોડાવા અથવા સહયોગી બનવા માટે રસ દાખવી રહ્યું છે. 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદી વિવાદો, પાણીની વહેંચણી અને ક્ષેત્રીય રાજકારણને લઈને ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે જો બાંગ્લાદેશ આ જૂથ તરફ ઢળે છે તો તેનાથી દક્ષિણ એશિયાના સંતુલનમાં પણ મોટા ફેરફારો આવી શકે છે. પાકિસ્તાન સાથે બાંગ્લાદેશની વધતી સમીપતા અને મુસ્લિમ રાષ્ટ્રોના સૈન્ય-આર્થિક મંચ પર તેની હાજરી પ્રાદેશિક સુરક્ષા ચિત્રને વધુ સંવેદનશીલ બનાવી શકે છે.

જોકે, વૈશ્વિક લશ્કરી અને રાજદ્વારી તથ્યોનું ઊંડું વિશ્ર્લેષણ કરીએ તો મક્કા સંધિને તુરંત જ પૂર્ણ કક્ષાનું ‘નાટો’ ગણવું એ અતિશયોક્તિભર્યું અને ઉતાવળિયું મૂલ્યાંકન ગણાશે. વ્યવહારિક અને સૈન્ય સ્તરે આ સંધિ સામે અનેક પડકારો અને મર્યાદાઓ રહેલી છે. પશ્ર્ચિમી નાટો ગઠબંધનની જેમ મક્કા સંધિ પાસે હજુ સુધી કોઈ એકીકૃત સૈન્ય કમાન્ડ, સ્થાયી વડું મથક કે તમામ દેશો માટે સમાન શસ્ત્ર પ્રણાલી અને પ્રોટોકોલ નથી. 

સઉદી અરેબિયા પાસે મુખ્યત્વે અમેરિકન અને પશ્ચિમી બનાવટના શસ્ત્રો છે, તૂર્કી નાટોના ધોરણો મુજબનું સૈન્ય માળખું ધરાવે છે, જ્યારે પાકિસ્તાન ચીની અને રશિયન હથિયારો તથા ટેકનોલોજી પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. આ ત્રણેય દેશોની સૈન્ય સિસ્ટમનું ભૌતિક અને તકનીકી એકીકરણ કરવું અત્યંત જટિલ અને સમય માગી લે તેવું કાર્ય છે. આ ઉપરાંત, આ ત્રણેય રાષ્ટ્રોના વૈશ્વિક રાજકીય હિતો અને નિર્ભરતાઓ પણ અલગ-અલગ છે. 

તૂર્કી નાટોનું એક મહત્ત્વપૂર્ણ સભ્ય છે અને તે પશ્ર્ચિમી દેશો સાથેના પોતાના સંબંધો પૂરા તોડી શકે તેમ નથી. સઉદી અરેબિયા પોતાની આર્થિક સુરક્ષા અને તેલ બજાર માટે અમેરિકા તથા પશ્ર્ચિમ પર નિર્ભર છે, જ્યારે પાકિસ્તાનનું આર્થિક અને રાજકીય અસ્તિત્વ ચીન પર નિર્ભર છે.

બીજી તરફ, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં જોવા મળેલો તણાવ પણ આ પરિસ્થિતિને નવો આયામ આપે છે. વોશિંગ્ટને ઇઝરાયલને પરંપરાગત સુરક્ષા છત્રી આપી હોવા છતાં, સીરિયા અને પેલેસ્ટાઇન મુદ્દે ઇઝરાયલી સેનાના આક્રમક હવાઈ હુમલાઓ અને નીતિઓની અમેરિકી રાજદૂતો અને સત્તાધીશો દ્વારા ટીકા કરવામાં આવી છે. અમેરિકા સીરિયામાં વધારાનો તણાવ ઊભો કરવા સામે ઇઝરાયલને ચેતવણી આપી રહ્યું છે અને તણાવ ઘટાડવા માટે ’ડિકન્ફ્લિક્શન મિકેનિઝમ’ પર ભાર મૂકી રહ્યું છે. 

આ સ્થિતિ ઇઝરાયલ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એકાંત અને દબાણની સ્થિતિ નિર્માણ કરે છે. આ તમામ તત્ત્વો વચ્ચે, મક્કા સંધિ હાલના તબક્કે પ્રત્યક્ષ યુદ્ધ માટેના સૈન્ય ગઠબંધન કરતાં સુન્ની રાષ્ટ્રો માટે પોતાના ક્ષેત્રીય હિતોના રક્ષણ, આર્થિક સમૃદ્ધિ અને સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીના આદાન-પ્રદાન માટેનું એક મજબૂત રાજદ્વારી પ્લેટફોર્મ વધુ પ્રતીત થાય છે. 

ઇઝરાયલ અને તૂર્કી બંને શક્તિઓ હાલ પૂરતી પ્રત્યક્ષ સૈન્ય અથડામણથી બચવાનો પ્રયાસ કરી રહી છે, છતાં સીરિયાની ધરતી પર ચાલી રહેલી આ પ્રોક્સી વોર અને મક્કા સંધિ દ્વારા રચાઈ રહેલું નવું ભૂ-રાજકીય સમીકરણ પશ્ર્ચિમ એશિયાના ભવિષ્યને નવી દિશા આપી રહ્યું છે, જ્યાં એક નાની રાજદ્વારી કે સૈન્ય ભૂલ વિશાળ પ્રાદેશિક સંઘર્ષમાં પરિણમી શકે છે.