(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક અને દેશાવરોની માગને ટેકે ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3700થી 3740માં ટકેલા ધોરણે થયાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હોવાથી મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે સ્મોલ ગ્રેડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. ચારનો સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડો આવ્યો હતો. તેમ જ નાકા ડિલિવરી ધોરણે પણ માગને ટેકે ભાવ ટકેલા રહ્યાં હતાં.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની અને રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. જોકે, આજે સ્મોલ ગે્રડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા નબળી આવી હોવાથી તેના વેપાર ક્વિન્ટલે રૂ. ચારના સાધારણ ઘટાડા સાથે રૂ. 3872થી 3926માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 3962થી 4052માં ટકેલા ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર અનુક્રમે ક્વિન્ટલે રૂ. 3790થી 3830માં અને રૂ. 3880થી 3930માં ટકેલા ધોરણે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.