મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં ટૂંક સમયમાં નવી સ્ટેટ એમ્બ્યુલન્સ પોલિસી લાગુ કરવાની તૈયારીમાં છે. જેનો ઉદ્દેશ ઇમરજન્સી મેડિકલ સેવાઓને ઝડપી, પારદર્શક અને જવાબદાર બનાવવાની છે. રાજ્ય પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક નોંધણી કરાયેલી એમ્બ્યુલન્સને ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવશે. જેથી એમ્બ્યુલન્સના લોકેશન, ઉપલબ્ધતા અને પહોંચવાના સમય અને સેવાની ગુણવત્તા પર યોગ્ય સમયે નિરીક્ષણ કરી શકાય.
હાલમાં મહારાષ્ટ્રમાં 108 ઇમરજન્સી સેવાઓ હેઠળ લગભગ 1,076 એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ સિવાય ખાનગી હોસ્પિટલો, ટ્રસ્ટની 4,500થી 5,000 એમ્બ્યુલન્સ કાર્યરત છે. પરંતુ હાલ પણ એકીકૃત વ્યવસ્થાનો અભાવ છે. નવી પોલિસી અનુસાર એક ડિજિટલ પ્લેટફોર્મ અને મોબાઈલ એપ તૈયાર કરવામાં આવશે. જેના દ્વારા લોકો સૌથી નજીકની એમ્બ્યુલન્સનું લોકેશન, તેના પહોંચવાના સમયનું અનુમાન, ભાડું અને વીડિયોકોલના માધ્યમથી પ્રાથમિક ઉપચારની સલાહ પણ મેળવી શકશે.
સરકાર એમ્બ્યુલન્સના ભાડામાં પણ પારદર્શકતા લાવશે. પ્રસ્તાવ અનુસાર નોંધણી થયેલી એમ્બ્યુલન્સને પોતાના ભાડું એપ પર જણાવવાનું રહેશે. આ સાથે જ શ્રેણીબઘ્ધ એમ્બ્યુલન્સ માટે વધારે ભાડું નક્કી કરવામા આવશે. દરેક મુસાફરીની ડિજિટલ યાદી અને ઈ-રસીદ પણ ઉપલબ્ધ થશે. જેથી ઇમરજન્સીના સમયે મનપસંદ ભાડું વસૂલવા પર પ્રતિબંધ લાગી શકે.
આ નવી વ્યવસ્થામાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને મેડિકલ સ્ટાફ માટે પણ ડિજિટલ સુવિધા હશે. આરટીઓ અને આરોગ્ય વિભાગ માટે અલગ ડેશબોર્ડ તૈયાર કરવામાં આવશે. જેના માધ્યમથી એમ્બ્યુલન્સની કાર્યપ્રણાલી, પ્રતિક્રિયાનો સમય અને કોલ અસ્વીકારની ઘટના અને કોઈ પણ પ્રકારના દુરુપયોગ પર તાતી નજર રાખવામાં આવશે.