Sat Mar 14 2026

Logo

જળગાંવ ઘરકુળ કૌભાંડમાં ગરીબોના ઘર ધનવાનો ખાઇ ગયા...

2 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

પ્રફુલ શાહ

આપણે દુનિયાની સૌથી મોટી લોકશાહી છીએ. આ લોકતંત્રમાં કલ્યાણ રાજય (વેલ્ફેર સ્ટેટ)ની વિભાવના સર્વોપરી ગણાય. આ એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં સરકાર માત્ર શાસન ચલાવતી નથી પણ જનતાના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક કલ્યાણ માટે જવાબદેહ છે. ટૂંકમાં સરકારે પ્રજાનું સ્તર-જીવન ધોરણ સુધારવાનું હોય  છે. આપણા બંધારણમાં ઘણું છે પણ સમયાંતરે એ માત્ર શબ્દો પૂરતું જ રહી ગયું હોય એમ લાગે છે. એટલે જ તો સતત ગોટાળા, ભ્રષ્ટાચાર અને કૌભાંડના નગારા વાગતા રહે છે.

કમનસીબે આપણા રાજકારણીઓ અને અમલદારો ભ્રષ્ટાચાર કળામાં એટલા નિપુણ છે કે ઘાસચારાથી લઇને તોપ સુધીમાં કટકી ઓહિયા કરી જાય છે અને ઓડકાર પણ સંભળાતો નથી. પાછા એમના કાર્યક્રમ-યોજના-પ્રકલ્પને સુંદર શબ્દો અને ઉદાત્ત ભાવનાથી શણગારીને રજૂ કરે. સેંકડો-હજારોને આશા જાગે પણ મોટાભાગના માટે ઠગારી નિવડે ને નિવડે જ.

આજે ઘર કૌભાંડની કુંડળી ખોલીએ, જળગાંવ હાઉસિંગ સ્કેમ કે જળગાંવ ઘરકુલ કૌભાંડમાં ઊંડા ઊતરીઓ. ઉત્તર મહારાષ્ટ્રના ખાનદેશ પ્રાંતમાં જળગાંવ જિલ્લાનું મુખ્ય વહીવટી કેન્દ્ર એટલે જળગાંવ શહેર. અજંતા ગુફાઓ, ગીરણા નદી અને કેળા માટે આ  સ્થળ ખૂબ જાણીતું છે. ભાસ્કર ઉર્ફે ભાસ્કરાચાર્ય (ભારતીય ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી) સાને ગુરુજી (પાંડુરંગ સદાશિવ સાને-સાચા સમાજસેવક, સ્વાતંત્ર્ય સૈનિક અને આદર્શ શિક્ષક) કેકી મુઝ (આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પેઇન્ટર અને કલાકાર) પ્રતિભા પાટીલ (દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ), ઉજજવલ નિકમ (નામાંકિત સરકારી વકીલ અને રાજયસભાના સભ્ય) અને એકનાથ ખડસે (કૉંગ્રેસના વર્તમાન પ્રમુખ) સહિતના મહાનુભાવોએ જળગાંવને અનોખું કૌભાંડ પણ આપ્યું. 

મહારાષ્ટ્રના ઇતિહાસમાં આ રાજકીય ભ્રષ્ટાચારનો અનોખો કિસ્સો હતો કે જે ન્યાયતંત્રની પણ કસોટી સમાન હતો. જાહેર ભંડોળના પ્રચંડ ગોટાળો આચરાયો હતો. કહો કે ગરીબીના માથા પર બનનારી છત લાંચિયાં તત્ત્વો ઓહિયા કરી ગયા હતા. મૂળ તો જળગાંવમાં ઝૂંપડપટ્ટી ઘટાડવા અને એના રહેવાસીઓ માટે ઘર બનાવવાની યોજના બનાવાઇ હતી. આ મુજબ હુડકો (હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) રાજ્યના ગૃહનિર્માણ મંડળોને નાણાકીય આર્થિક મદદ પૂરી પાડવાનું હતું. 

આ યોજના અન્વયે 1996થી 2006 વચ્ચે કુલ 11,000 ઘર બાંધવાના હતા. આ ધ્યેય સાકાર કરવા માટે જળગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 110 કરોડની લોન ‘હુડકો’એ આપી હતી. શહેરની અમુક અંશે કાયાપલટ થઇ જાય, અગિયાર હજાર પરિવારને પોતીકું-પાકું ઘર મળે અને વિકાસ (સાચુકલો) થાય એવી આવકાર્ય અને અનિવાર્ય લાગતી યોજના હતી આ. સબસિડાઇઝ્ડ દરે બાંધીને આર્થિક રીતે પછાત લોકોને મકાન અપાય એના જેવું રૂડું શું?

‘પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ’નું હેઠળ આ સરકારી યોજના ગરીબી રેખા નીચે જીવનારા નાગરિકો માટે ઘડાઇ પણ એમાં સમૃદ્ધિની રેખા ઉપર  આળોટનારાઓની દાનત બગડી ગઇ. આનો લાભ જળગાંવના છેવાડે આવેલા તાંબાપુરા, સમતાનગર,  ખાંડેરાવનગર અને શ્રીહરિ વિઠ્ઠલનગરના રહેવાસીઓને મળવાનો હતો.

આ ગૃહનિર્માણ યોજનાના અમલનું પહેલું પગલું જળગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશને ભર્યું 1997માં, ટેન્ડર બહાર પાડીને આમાં બાંધકામ કંપનીઓને બાંધકામના અલગ-અલગ કોન્ટ્રેક્ટ આપવાની નેમ હતી. કહેવાની જરૂર ન હોય કે આ પ્રક્રિયા ન્યાયી અને પારદર્શક હોવી જોઇએ.

આ  ટેન્ડર પ્રક્રિયામાં 11 દાવેદારે ટેન્ડર ભર્યાં કે જેઓ ઝૂંપડપટ્ટીઓના પુનર્વસન માટે 11,424 લો બજેટ ઘર બાંધવા તત્પર હતા. ટેન્ડરમાં દાવેદારના  અનુભવ, આવક, પ્રોજેક્ટ્સ અને ક્ષમતા સહિતના અનેક પાસાંને આધારે પસંદગી થાય, પરંતુ જળગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેસમાં એવું ધરાર ન થયું એ ભવિષ્યમાં અદાલતમાં સાબિત થવાનું હતું, છાપે ચડવાનું હતું, જળગાંવનું નામ બદનામ થવાનું હતું અને ઘરવિહોણાઓની આશા જમીનદોસ્ત થવાની હતી.  (ક્રમશ:)