Fri Apr 17 2026

Logo

અજબ ગજબની દુનિયા

2026-04-15 08:59:05
Author: હેન્રી શાસ્ત્રી
Article Image

હેન્રી શાસ્ત્રી 

બાળજન્મનો ગગનભેદી સવાલ

કેરિબિયન ટાપુ દેશ જમૈકાથી ઉપડેલું ઉતારુ વિમાન ન્યૂ યોર્ક એરપોર્ટ પર ઊતર્યું ત્યારે એમાં એક મુસાફર વધુ હતો. ના, સિક્યોરિટીની નજર ચૂકવી સંતાઈ ગયેલા આતંકવાદીએ પોત પ્રકાશ્યું એવી કોઈ વાત નહોતી. 

વાત હતી ભરઆકાશમાં સંસારરૂપી સાગરના વહેણની. પૂરા દિવસો જતા હતા એવી સન્નારીને વિમાન મુસાફરી દરમિયાન વેણ ઉપડ્યું અને બાળકની પ્રસૂતિ પ્લેનમાં જ કરવી પડી. વિમાન ન્યૂ યોર્ક ઉતરતા મા અને બાળકની દેખભાળ માટે મેડિકલ ટીમ એમને હોસ્પિટલ લઈ ગઈ. ટૂંકમાં અણધારી સુવાવડથી કોઈ સમસ્યા જણનારી કે જન્મનારને ન થઈ, એ જન્મને લઈને એક મોટો સવાલ જરૂર ખડો થયો. બાળકના માતા-પિતા વિશે જાણકારી ન હોવાથી અને બાળકનો જન્મ થયો એ ઘડીએ વિમાન ભૌગોલિક દ્રષ્ટિએ કયા વિસ્તારમાં હતું એનો ખ્યાલ ન હોવાથી નવજાત શિશુના નાગરિકત્વની સમસ્યા ઊભી થઈ. 

કાનૂન અનુસાર જો માતા-પિતામાંથી કોઈ એક અમેરિકન નાગરિક હોય તો બાળક આપોઆપ અમેરિકન નાગરિક બની જાય. પણ જો એમ ન હોય તો યુએસના નાગરિકત્વના કાયદા અનુસાર નિર્ણય લેવામાં આવે. કાયદો કહે છે કે 12 દરિયાઈ માઈલના વિસ્તાર (હવાઈ જહાજ માટે પણ આ જ નિયમ છે)ની અંદર ઊડી રહેલા વિમાનમાં બાળકનો જન્મ થયો હોય તો એને જન્મથી જ અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત થાય. એટલે અધ્ધર આકાશમાં બાળકનો જન્મ થયો ત્યારે ઘડિયાળ માં કેટલા વાગ્યા હતા અને એ સમયે વિમાન કયા અક્ષાંશ - રેખાંશ પર હતું એના આધારે એ 12 માઈલની હદમાં હતું કે નહીં એ ચકાસી એનું નાગરિકત્વ નક્કી થશે. નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી એ વિશ્વનો નાગરિક કહેવાય, ખરું ને!

બ્રિટિશ ઈંગ્લિશ અમેરિકનોને પલ્લે ન પડે

ભૌગોલિક અંતરની સાથે ભાષામાં પણ ફેરફાર થાય એ સૂચવતી બાર ગાઉએ બોલી બદલાય કહેવતથી ‘મુંબઈ સમાચાર’ના માતૃભાષા પ્રેમી વાચકો વાકેફ હશે જ. વાત સામાન્ય વ્યવહારથી અન્ન સુધી પહોંચે છે. એટલે જ મુંબઈના ઢોકળા સુરતમાં ઈદડા બની જાય, એક જગ્યાએ પૂરણપોળી કહેવાય અને એ જ વાનગી અન્યત્ર વેડમી તરીકે ઓળખાય. ગોળપાપડી સુખડી બની જાય અને સામો મોરૈયો કહેવાય. આ જ પ્રકારનો ભાષા ભેદ બ્રિટિશ ઈંગ્લિશ અને અમેરિકન ઈંગ્લિશમાં જોવા મળે છે. 

‘ચિપ્સ’ બની જાય ‘ફ્રાઈઝ’ અને ‘લિફ્ટ’ કહેવાય ‘એલીવેટર’ તેમજ ‘ટ્રાઉઝર્સ’ થઈ જાય ‘પેન્ટ્સ’. અલબત્ત, આ બધા રોજબરોજના વપરાશ સાથે સંબંધ ધરાવતા હોવાથી બેઉ પક્ષને એની જાણ હોય છે. તકલીફ થાય છે વિશિષ્ટ રૂઢિપ્રયોગ કે કહેવતના ઉલ્લેખથી. અનેક વર્ષ યુકેમાં શિક્ષિકાની નોકરી કર્યા પછી પાછળની જિંદગી યુએસમાં વિતાવી રહેલી મહિલાએ સોશ્યલ મીડિયા પર બે દેશની સંસ્કૃતિ ને ભાષાફેર વિશે જણાવ્યું છે કે અમુક રૂઢિપ્રયોગ તો અમેરિકનોને સમજાતા જ નથી. બ્રિટિશ સન્નારીએ એક મસ્ત વાનગી તૈયાર કરી અમેરિકન મિત્રોની હાજરીમાં કહ્યું કે got all of your five a day. આ સાંભળી અમેરિકન મિત્રો મૂંઝાણા અને તેમના ચહેરા કંઈ પલ્લે નથી પડ્યું એની ચાડી ખાતા હતા. 

આ બહેનને દિવસમાં પાંચ વાર આ આઈટમ ખાવાની ટેવ હશે કે શું જેવી અટકળો થઈ હોય તોય નવાઈ નહીં. બ્રિટિશ ઈંગ્લિશમાં ‘ફાઈવ અ ડે’ યુકેની સરકાર અને નેશનલ હેલ્થ સર્વિસ - એનએચએસ દ્વારા સૂચિત કરાયેલી આરોગ્ય અંગેની સલાહ છે જેનો અર્થ થાય છે દરેક જણે દિવસ દરમિયાન ફળ અને શાકભાજીના પાંચ હિસ્સા આરોગવા જોઈએ , જેથી શરીરને પૂરતા વિટામિન અને અન્ય પોષક દ્રવ્યો મળતાં રહે. ધ્યાન રહે કે જામનગર ગયા હો અને યજમાન કહે કે રસોડામાં પાણીનો ગોરો છે તો સફેદ પાણી શોધવાની કોશિશ ન કરતા, કારણ કે જામનગરમાં ગોળો ગોરો બની જાય છે.

ગાયત્રીની શંકર આરાધના

કલા શોખ માટે હોઈ શકે, નિજાનંદ માટે હોઈ અને આજીવિકાનું માધ્યમ પણ હોઈ શકે છે. પણ જ્યારે કલામાં ભક્તિનો રંગ ભળે ત્યારે એ અલગ દિશામાં આગળ વધી જુદી ઊંચાઈ હાંસલ કરે છે. મંદિરોની ભૂમિ તરીકે ઓળખાતા ઓડિશા રાજ્યની 26 વર્ષની ગાયત્રી સાહુએ સારા પગારની સ્થિર નોકરી છોડી હાથમાં બ્રશ અને રંગની મદદથી પૌરાણિક પાત્રોને કેનવાસ પર ઉતારવાની શરૂઆત કરી અને નિજાનંદ સાથે પ્રશંસા અને ખ્યાતિ પણ પ્રાપ્ત કર્યા. હાથમાં પેન્ટિંગનું બ્રશ અને હૈયામાં ભક્તિભાવના સંગમએ સુંદર કૃતિઓની રચના કરી. 

ભુવનેશ્વરના લિંગરાજ મંદિરના પ્રાંગણમાં ગાયત્રીએ એક્રિલિક કલરની મદદથી ભોલેનાથ શિવજીના ચિત્રમાં એવા પ્રાણ પૂરી દીધા કે કલારસિકો અને ભક્તજનો દંગ રહી ગયા. આ ફક્ત એક પ્રશંસા મેળવનારી કલાત્મક કૃતિ નહોતી પણ એને ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન પણ પ્રાપ્ત થયું હતું. આ વર્ષે મહાશિવરાત્રીના પાવન દિવસે ગાયત્રીના છ ફૂટ બાય ચાર ફૂટના પેન્ટિંગને માસ્ટરપીસ તરીકે નવાજવામાં આવ્યું છે. કિશોરાવસ્થાથી જ ગાયત્રીને પેન્ટિંગ માટે રુચિ જાગી હતી. અલબત્ત, ભણતરને પણ પ્રાધાન્ય આપી શિક્ષણ અને શોખનો સમન્વય જાળવી રાખ્યો. 

પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી રોજગાર માટે એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી પણ સ્વીકારી લીધી. દિમાગ સ્થિર નોકરીને વળગી રહેવા પર જોર દઈ રહ્યું હતું જ્યારે દિલ કલાના શોખના રસ્તે આગળ વધવા પોરસાવી રહ્યું હતું. દિલ - દિમાગની મીઠી ખેંચતાણમાં અંતે દિલનો વિજય થયો અને ગાયત્રી હવે પૌરાણિક પાત્રોના પેન્ટિંગ્સ બનાવવાને પ્રાધાન્ય આપવા માગે છે.

કંસારો ને વાંદો: એક નામ, બે ઓળખ

‘નામ ગુમ જાએગા ચેહરા યૂં બદલ જાએગા, મેરી આવાઝ હી પહેચાન હૈ, ગર યાદ રહે’ લતા દીદીના અવિસ્મરણીય ગીતો પૈકીનું એક નામવંત ગીત છે.  હકીકત એ છે કે નામનો મહિમા અનંત છે. નામ ચીજવસ્તુ, પદાર્થ કે ઓરણીની ઓળખ કરાવે છે. સરિતા એટલે ખળખળ વહેતા નીર અને સાગર એટલે ઘૂઘવતો જળજથ્થો. હાથી નામ પડતા વિરાટ કદનું પ્રાણી નજર સામે તરવરે તો કીડી બોલતા નાનકડા જીવનો ખ્યાલ આવે. જોકે, ઘણી વાર એક જ નામ એકથી વધુ ઓળખ પણ ધરાવતા હોય છે. કંસારો નામ પડતા કલાઈનું - કાંસાનું કામ કરનાર કારીગરનું જ સ્મરણ થાય. 

બીજી એક મહત્ત્વની અને જાણીને યાદમાં રાખવા જેવી વાત એ પણ છે કે કંસારો એક નાના કદનું પક્ષી પણ છે. ટુકટુક તરીકે પણ એ ઓળખાય છે. આ પક્ષી માથા પર શોભાયમાન ચળકતા રંગોને કારણે સુંદર દેખાય છે. તેના ગળામાંથી નીકળતો ટુકટુક અવાજ તાંબા - પિત્તળના વાસણ બનાવતા કારીગર(કંસારા) દ્વારા સતત હથોડી ટીપવાથી થતા અવાજ જેવો હોવાથી તેને કંસારો નામ મળ્યું છે. 

એક નામ બે ઓળખનું બીજું ઉદાહરણ છે વાંદો. આ જંતુનું નામ પડતા જ રાતી પાંખવાળો નિર્દોષ જીવ નજર સામે આવે જેનાથી અનેક લોકો અને વિશેષ કરી મહિલા વર્ગ બી કે જુગુપ્સા અનુભવતો હોય છે. જોકે, ગુજરાતમાં વાંદો એક પ્રકારની પરોપજીવી વનસ્પતિનું પણ નામ છે. કંસારો આ વનસ્પતિનાં ફળ ખાસ આરોગે છે. વાંદાનો ઉપદ્રવ હોય તો ત્યાં આ પક્ષીની હાજરી જરૂર હોય છે.

લ્યો કરો વાત 

વિદેશની વાત કરીએ તો યુએસમાં ચૂંટણી થાય ત્યારે જગત આખું રસપૂર્વક એના પર મીટ માંડીને બેઠું હોય. કોઈ વિચારસરણીને ડેમોક્રેટિક પાર્ટી સત્તારૂઢ થાય એમાં રસ હોય તો કોઈને રિપબ્લિકન પાર્ટી પ્રત્યે લગાવ હોય. વાત અંતે તો અંગત હિતની-દેશહિતની જ હોય. મધ્ય યુરોપના લેન્ડલોક્ડ દેશ હંગેરીની ચૂંટણીના પરિણામ પછી પુતિન અને ટ્રમ્પના પેટમાં તેલ રેડાયું છે, કારણ કે 16 વર્ષથી સત્તારૂઢ ‘એમનો માણસ’ (વડા પ્રધાન વિકટર ઓરબન) ફેંકાઈ ગયો છે. 

બીજી તરફ રશિયા સાથે યુદ્ધગ્રસ્ત યુક્રેન સત્તાપલટાથી ગેલમાં આવી ગયું છે. કારણ એવું છે કે મિસ્ટર વિકટર યુક્રેનને યુદ્ધ સહાય માટેની 106 બિલિયન ડૉલરની યુરોપિયન યુનિયનની લોનમાં વિઘ્ન બનીને ઊભા હતા. હવે એમની હકાલપટ્ટીથી યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સકીના પંજામાં ખંજવાળ આવી રહી છે અને પૈસા મળવાની સંભાવના વધી ગઈ છે.