Mon Jul 27 2026

Logo

મહારાષ્ટ્રની જેલોમાં ક્ષમતા કરતાં 173 ટકા વધુ કેદીઃ માનખુર્દ પ્રોજેક્ટ આશાનું કિરણ

2026-07-17 15:17:42
Author: Mumbai Samachar Team
Article Image

આર્થર રોડ જેલમાં ક્ષમતા કરતાં ત્રણ ગણા વધુ કેદીઓ, પડકારો-જોખમો વધ્યાં

મુંબઈ: મહારાષ્ટ્રની જેલો સતત વધી રહેલી કેદીઓની સંખ્યાનો ભાર વહન કરી રહી છે. જેલની ક્ષમતા કરતા કેદીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યભરની જેલો, અને ખાસ કરીને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ની જેલોમાં, તેની નિર્ધારિત ક્ષમતા કરતાં ઘણી વધારે સંખ્યામાં કેદીઓ છે.

આર્થર રોડ સેન્ટ્રલ જેલ, ભાયખલા, તળોજા અને થાણે જેલમાં સૌથી વધુ કેદીઓ છે, જે જેલ વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર ઊભો કરે છે. આર્થર રોડ જેલ ની  મંજૂર ક્ષમતા ૯૯૯ કેદીઓની છે, પરંતુ હાલમાં ત્યાં લગભગ ૩,૪૧૦ કેદીઓ રાખવામાં આવ્યા છે, જે તેની ક્ષમતા કરતાં ત્રણ ગણાથી પણ વધુ છે. થાણે જેલ, નવી મુંબઈની તળોજા જેલ અને કલ્યાણ જેલમાં પણ તેની નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં કેદીઓ રાખવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આર્થર રોડ, થાણે અને તળોજા જેલોમાં મોટી સંખ્યામાં કેદીઓ આવવાનું કારણ તે અદાલતોની નજીક આવેલી છે, જેનાથી અંડરટ્રાયલ કેદીઓની હેરફેર સરળ અને વધુ સુરક્ષિત બને છે. કેદીઓને દૂરની જેલોમાં ખસેડવાથી વ્યવસ્થાપકીય પડકારો અને સુરક્ષા જોખમો વધે છે.

મહારાષ્ટ્રમાં વર્ગ-૧, ૨ અને ૩ હેઠળ નવ મધ્યસ્થ જેલો અને ૫૧ જિલ્લા જેલો આવેલી છે; આ ઉપરાંત ૧૯ ખુલ્લી જેલો, ત્રણ મહિલા જેલો, એક ખુલ્લી વસાહત, એક કિશોર સુધારણા કેન્દ્ર અને જેલ હોસ્પિટલો પણ કાર્યરત છે. 
રાજ્યની જેલોની કુલ મંજૂર ક્ષમતા ૨૪,૭૨૨ કેદીઓની છે, પરંતુ હાલમાં ત્યાં આશરે ૪૨,૭૨૭ કેદીઓ છે, જે નિર્ધારિત ક્ષમતાના લગભગ ૧૭૩% સુધી પહોંચી ગઈ છે.

જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ હોવાને કારણે સ્વચ્છતાનો અભાવ, પાણીની અછત અને કેદીઓમાં બીમારીનું જોખમ વધ્યું છે, જેનાથી જેલની સ્થિતિ અને કેદીઓના કલ્યાણ અંગે ચિંતા ઊભી થઈ છે.  

જોકે, જેલોમાં ભીડની સમસ્યા હળવી કરવા માટે માનખુર્દમાં ૧૧ એકરનો પ્લોટ વિભાગને સોંપવામાં આવી ચૂક્યો છે અને અને આગામી બેથી ત્રણ વર્ષમાં બાંધકામમાં ગતિ વધવાની અપેક્ષા છે.