મુંબઈ: વિદ્યાર્થીઓના ધોરણ ૧૨ અને સીઇટીના ગુણ વચ્ચેની વિસંગતતા અંગેના અનેક આક્ષેપો બાદ, રાજ્ય સરકાર એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ધોરણ ૧૨ના ગુણને મહત્વ આપવા અંગે વિચારણા કરી રહી છે.
રાજ્યના સીઇટી સેલે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગને પત્ર લખીને સરકારને અનુરોધ કર્યો છે કે એમએચટી-સીઇટી ના ગુણના આધારે પ્રવેશ માટેના પાત્રતાના માપદંડોની સમીક્ષા કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે.
સેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે વિભાગનું ધ્યાન દોર્યું હતું કે મેરિટ લિસ્ટ તૈયાર કરવા માટે હાલમાં જે માપદંડોનો ઉપયોગ થાય છે, તેનાથી પરિણામોમાં કોઈ ક્ષતિ ન હોવા છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શંકાને અવકાશ રહે છે. તેમણે એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે પ્રવેશ પ્રક્રિયામાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાના ગુણનું કોઈ મહત્વ નથી, તેથી વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષાની તૈયારી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને બોર્ડની પરીક્ષાઓને સમાન મહત્વ આપતા નથી.
છેલ્લા બે-ત્રણ વર્ષોથી, એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે જાહેર કરવામાં આવતી મેરિટ યાદીઓમાં કથિત વિસંગતતાઓને લઈને વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે, જેમાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં માત્ર ૪૦-૫૦% ગુણ મેળવનારા વિદ્યાર્થીઓએ એમએચટી-સીઇટીમાં અસાધારણ રીતે ઊંચા પર્સેન્ટાઈલ મેળવ્યા છે. જોકે, રાજ્યના સીઇટી સેલે આ અંગેની ચિંતાઓને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું હતું કે તેમાં કોઈ વિસંગતતા નથી.
વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં એક સમિતિની રચના કરવામાં આવશે અને તેમને ૧૫ દિવસમાં અહેવાલ રજૂ કરવાનું કામ સોંપવામાં આવશે, જેથી શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮ માટેની નીતિ ઘડી શકાય.
"વિદ્યાર્થીઓને આ અંગે જાણ કરવી જરૂરી છે જેથી તેઓ તે મુજબ તેમની તૈયારી કરી શકે." તેમણે ઉમેર્યું કે રાજ્યની કેટલીક યુનિવર્સિટીઓના કુલપતિઓને આ અંગે પહેલેથી જ માહિતગાર કરવામાં આવ્યા છે.