Wed Aug 26 2026

Logo

મહારાષ્ટ્ર કોંગ્રેસે સામાજિક સમીકરણો સાથે 69 જિલ્લા પ્રમુખની કરી નિમણૂક

2026-05-21 19:47:01
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્ર કોંગ્રેસે સામાજિક સમીકરણો સાથે 69 જિલ્લા પ્રમુખની કરી નિમણૂક

મુંબઈ: 'સંગઠન સૃજન અભિયાન' (સંગઠન નિર્માણ અભિયાન)ના ભાગ રૂપે મહારાષ્ટ્રમાં જિલ્લા પ્રમુખોની નિમણૂકમાં સામાજિક દ્રષ્ટિકોણ અપનાવી  69 પદાધિકારીની નિમણૂક કરવામાં આવી હોવાની જાણકારી કોંગ્રેસ પક્ષએ આપી હતી. એક નિવેદનમાં પક્ષએ જણાવ્યું હતું કે અખિલ ભારત કોંગ્રેસ સમિતિએ રાજ્યભરમાં નિમણૂક પ્રક્રિયા વિગતવાર અને સંગઠનાત્મક રીતે હાથ ધરી હતી.

2024માં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે વિધાનસભા ચૂંટણી લડનારા કોંગ્રેસ સમિતિના સચિવ પ્રફુલ્લ ગુડધેને નાગપુર શહેર જિલ્લા એકમના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ નેતા સતેજ પાટીલ કોલ્હાપુર ગ્રામીણ જિલ્લાના પ્રમુખ છે અને નાંદેડ ગ્રામીણ દક્ષિણ જિલ્લાના પ્રમુખ નાંદેડ સાંસદ રવિન્દ્ર ચવ્હાણ છે. પ્રશાંત જગતાપને પુણે શહેર પૂર્વના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા વરિષ્ઠ નિરીક્ષકો લગભગ 10 દિવસ સુધી દરેક જિલ્લામાં રહ્યા અને જિલ્લા પ્રમુખો માટેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા ઘણી ચર્ચાઓ કરી. આ ભલામણોને પછી  પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા મંજૂરી આપવામાં આવી અને  ત્યારબાદ 69 જિલ્લા પ્રમુખોની નિમણૂકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી એમ નિવેદનમાં જણાવાયું છે.

નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની સામાજિક રચનામાં ઓપન કેટેગરીમાંથી 24, અન્ય પછાત વર્ગો (ઓબીસી)માંથી 22, લઘુમતી સમુદાયોમાંથી સાત, અનુસૂચિત જાતિ (એસસી)માંથી સાત, અનુસૂચિત જનજાતિ (એસટી)માંથી ત્રણ તેમજ વીજેએનટી (વિમુક્ત જાતિ અને ભટક્યા જમાતી) સમુદાયોમાંથી બે અને ત્રણ મહિલા નેતાઓનો સમાવેશ થાય છે.  (પીટીઆઈ)