Mon Sep 07 2026

Logo

મધ્ય પ્રદેશના 19 ધાર્મિક શહેરોમાં દારૂબંધી: CM મોહન યાદવે નશાને ગણાવ્યું સામાજિક વિનાશનું મૂળ

2026-08-02 20:39:07
Author: Mumbai Samachar Team
મધ્ય પ્રદેશના 19 ધાર્મિક શહેરોમાં દારૂબંધી: CM મોહન યાદવે નશાને ગણાવ્યું સામાજિક વિનાશનું મૂળ

ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવે આજે નશીલા પદાર્થોના સેવનને સામાજિક વિનાશનું મૂળ કારણ ગણાવ્યું અને કહ્યું કે તેમની સરકારે નશા વિરુદ્ધ લડાઈના ભાગ રૂપે રાજ્યભરના 19 ધાર્મિક નગરોમાં દારૂબંધી લાગુ કરી છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ' નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન'ને વર્ચ્યુઅલી લોન્ચ કર્યા બાદ અહીં એક કાર્યક્રમને સંબોધતા યાદવે કહ્યું કે વિકસિત ભારત માટે ડ્રગ મુક્ત રાષ્ટ્ર એ પ્રથમ જરૂરિયાત છે અને નશાથી મુક્ત યુવાનો જ  દેશની પ્રગતિનો પાયો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને હેરફેરને રોકવા માટે પડોશી રાજ્યો સાથે સંકલન મજબૂત બનાવ્યું છે.

યાદવે કહ્યું કે ગામડાઓ, વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં માદક દ્રવ્યોના સેવન સામે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે ગેરકાયદેસર વેપારમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 
અમે રાજ્યના 19 ધાર્મિક નગરોમાં નાગરિક સંસ્થાઓ અને પંચાયતોની હદમાં દારૂબંધી લાગુ કરી છે. દારૂની દુકાનો હટાવવામાં આવી છે. રસ્તાના કિનારે તમાકુ ઉત્પાદનો વેચતી દુકાનો પણ ધીમે ધીમે ઘટી રહી છે."

મુખ્યપ્રધાને યુવાનોને તમામ પ્રકારના વ્યસનથી દૂર રહેવા વિનંતી કરી હતી અને કહ્યું કે ડ્રગ્સનું સેવન સામાજિક વિનાશનું મૂળ કારણ છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ સરકાર ડ્રગ્સના વ્યસનથી પ્રભાવિત લોકોને પુનર્વસનની તકો પણ પૂરી પાડી રહી છે. તેમણે યુવાનો, સામાજિક સંગઠનો, શિક્ષકો, આચાર્યો, ધાર્મિક નેતાઓ, ડોકટરો, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને સ્વયંસેવકોને ડ્રગ્સ વિરોધી ઝૂંબેશને જન આંદોલનમાં ફેરવવા અપીલ કરી હતી.