વિનોદ ભટ્ટ
કોઈએ કહ્યું છે કે લોકપ્રિયતા એ લપસણો ઢાળ છે, પણ મુશ્કેલી એ છે કે જેને આ ઢાળ પર લપસવું છે તેને એ ઢાળ પર લોકપ્રિયતા ઊભો પણ રહેવા દેતી નથી ને જે માણસ આ ઢાળ સામે આંખ ઊંચી કરીને જોતો નથી એના પગમાં તે આળોટવા માંડે છે. દા. ત. સૅમ્યુઅલ બેકેટ. તેમની પ્રકૃતિ ઘણી શરમાળ હતી એટલે લોકોથી તેઓ દૂર ભાગતાં, સંતાઈ જતા. તેમને નૉબેલ પ્રાઈઝ મળ્યું છે એવા સમાચાર બહાર આવ્યા ત્યારે છાપાંવાળા ને ટી.વી.વાળાઓનાં ઝુંડ તેમને શોધવા નીકળી પડયાં. એકાએક તેઓ ‘વૉન્ટેડ’ થઈ ગયા, પણ આખું પૅરિસ ખૂંદવા છતાં તેઓ હાથ ન લાગ્યા, જાણે તેમને ધરતી ગળી ગઈ. જે ઝૂંપડીમાં તેઓ રહેતા એ પણ ખાલી હતી. આખરે ટ્યુનિસિયાની એક હોટલમાંથી તેમની ભાળ મળી. પણ ભાળ મળી એટલું જ, મીડિયાવાળાને તેમણે દાદ ન આપી. તેઓ તો નૉબેલ પુરસ્કાર લેવા સ્ટૉકહોમ પણ નહોતા ગયા. એમને મન પણ નૉબેલ પ્રાઈઝ બટાકાની ગૂણ હશે, પણ સાર્ત્રની જેમ એવું બોલીને તેઓ બટાકાની ગૂણની કિંમત ઓછી કરવા માગતા નહીં હોય, એટલે આ બાબત કોઈ પ્રતિભાવ તેમણે નહોતો આપ્યો.
ને પિરાન્દેલોને પણ નૉબેલ પ્રાઈઝ મળ્યા પછી તેમનું એકાન્ત રઝળી પડ્યું હતું. (કેટલાક લોકોનું એકાન્ત લગ્નને લીધે લૂંટાઈ જાય છે, પિરાન્દેલોનું નૉબેલને કારણે લૂંટાઈ ગયેલું.) તેઓ રસ્તે ચાલતા હોય કે રેસ્ટોરન્ટમાં ખાવા બેઠા હોય ત્યારે ત્યાં હાજર રહેલાઓ તેમની સામે આંગળી ચીંધીને બોલતા કે આ જો, પેલો નૉબેલ પ્રાઈઝ વિનર પિરાન્દેલો છે. આવું સાંભળીને તેમને અપરાધભાવ થતો હોય કે ગમે તે કારણ હોય, તેઓ લપાતા-છુપાતા ફરતા. તેમણે નોંધ્યું છે: ‘મારે ચોરની પેઠે નાસતા ફરવું પડતું. મારે તો જ્યાં હું હોઈ જ ન શકું એવી કોઈ સસ્તી હોટલમાં બે કોળિયા ગળે ઉતારવાના રહ્યાં.’
ડૉ. સુરેશ જોષીએ તેમના ‘કાલજપ્ત સાહિત્ય?’ નિબંધમાં લખ્યું છે કે બલવંતરાય ઠાકોરે ‘જુઓ ઉઘાડું આ કમાડ’ એમ કહીને જે લોકપ્રિયતાને બહાર કાઢી મૂકેલી તેને આજે, સાહિત્યના ભોગે, આવકારનાર વર્ગ ઊભો થયો છે.’ આ પરથી એવો વહેમ પડે છે કે સાહિત્યને લોકપ્રિયતા સાથે કોઈ લેવાદેવા નથી.
અલબત્ત, એ વાત પણ એટલી જ સાચી છે કે અમુક લેખકોને જેમ લોકપ્રિયતાની ઍલર્જી છે, એમ ખુદ લોકપ્રિયતાને પણ કેટલાક સર્જકો તરફ અણગમો હશે જ. જે લેખક યા કવિ છે તેને તો ચોક્કસ ખબર હોય છે કે લોકપ્રિયતા કંઈ સસ્તામાં નથી પડી કે તે સહેલાઈથી હાથમાં આવે. જોકે લોકપ્રિયતા શબ્દ કરતાં લોકચાહના શબ્દ મને વધારે હૃદયસ્થ લાગે છે, એટલે આ લેખમાં લોકપ્રિય શબ્દનો ઉપયોગ ઓછો કરીશ.
ડૉ. સુરેશ જોષી આમ તો કવિ બલવંતરાય ઠાકોરના ગોત્રના હતા, તમને લોકચાહના પ્રમાણમાં ઓછી ગમતી, તો પણ તેમણે ઓછો ફેલાવો ધરાવતા એક અખબારમાં કૉલમ શરૂ કરેલી, વધારે સકર્યુલેશન ધરાવતા છાપામાં લખવાથી વધારે પૉપ્યુલારિટી મળી જશે તો એ વધારાની લોકચાહનાનું હું શું કરીશ? - એવી પણ ચિંતા તેમણે કૉલમ કરવા અગાઉ કદાચ સેવી હોય એ પણ શક્ય છે કે કોઈએ તેમને કહ્યું હશે કે ‘સાહેબ, તમારી કૉલમ જામવા માંડી છે.’ એવું સાંભળીને તેમણે છાપાની કટાર બંધ કરી દીધી હશે. લોકપ્રિયતાના નામની ગાળ તેઓ પચાવી નહીં શકે એવો ભય પણ આની પાછળ કામ કરી ગયો હોય એમ બને. (જ્યારે કવિ સ્વ. સુરેશ દલાલને આ ગાળ કોઠે પડી ગયેલી).
પંડિતયુગમાં તો જે સર્જક પ્રજા પ્રિય થવા માંડે એની સામે જોવાનું વિદ્વાનો ને વિવેચકો બંધ કરી દેતા. એ પરંપરા આજે પણ સાતત્યપૂર્વક જળવાઈ રહી છે. આ જ કારણે તેઓ ખાસ નહીં વંચાતા ને નિરાશાસ્પદ સર્જકો ભણી વળી જાય છે ને એમનું ચાલતું હોય ત્યાં એવા સર્જકોને નાનામોટા પુરસ્કારો આપી નવાજે છે પણ ખરા. જે લખનારાનું લખાણ પલ્લે ન પડે અથવા તો એ વાંચ્યા પછી માથું ખંજવાળવું પડે એને વિવચકો આજે પણ ઊંચું સાહિત્ય ગણે છે - ગણાવે છે.
જ્યારે વાચકોનું મોટામાં મોટું સુખ એ હોય છે કે પોતાના માટે વિદ્વાન હોવાની ગેરસમજ તેઓ ક્યારેય રાખતા નથી. એક અદના વાચકની માનસિકતા એવી હોય છે કે જે કંઈ વાંચવામાં અને/ અથવા વાંચ્યા બાદ સમજવામાં માનસિક વ્યાયામ કરવો પડતો હોય એ કૃતિ સાત સોનાની હોય, ક્લાસિક કક્ષાની હોય તો પણ એનાથી તેઓ દૂર ભાગે છે. ઉ. ત., ‘સરસ્વતીચન્દ્ર’. આ મહાનવલનો સંક્ષેપ, શબ્દાર્થમાં સંક્ષેપ હોવાને લીધે જ ઘણાબધા વાચકોએ એનો વાર્તારસ માણવા વાંચ્યો હોય એવા, પ્રૂફરીડર સિવાયના વીર-વાચકો ઘણી જ ઓછી સંખ્યામાં હશે. એથી પણ આગળ જઈને હું તો માનું છું કે આ નવલકથાના રચનાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીએ પણ ‘સરસ્વતીચન્દ્ર’નો ચોથો ભાગ વધુમાં વધુ બેથી અઢી વખત જ વાંચ્યો હશે. (આમ પણ તેમને શિરદર્દનો વ્યાધિ હતો).
આપણા વિવેચક સ્વ. ડૉ. રમણલાલ જોશી દસકાઓ અગાઉ તેમની કટારમાં રાજકોટની લૅંગ લાઈબ્રેરીએ લોકપ્રિય લેખકોની એક મોજણીનો અહેવાલ કોઈ પણ પ્રકારની નુકતેચીની વગર આપ્યો હતો. આ લાઈબ્રેરીના વાચકો કયા-કયા લેખકોને નંબર વન અને કયા લેખકોને પાછળના ક્રમના ગણે છે તે આ લેખમાં તેમણે નોંધ્યું છે. મારા ગીધુકાકા માને છે કે આ અહેવાલ વાંચીને, પોતાને અગ્ર ક્રમના સર્જક સમજતા ઘણા લેખકો બેહોશ થઈ જાત ને કેટલાક લેખકો પોતાની કલમમાંથી અથવા તો વાચકોમાંથી વિશ્ર્વાસ ગુમાવી દેત.
આ મોજણીમાં નવલકથાકાર હરકિસન મહેતાનું નામ ટોચ પર - પ્રથમ નંબરે આવ્યું હતું. ત્રણસોમાંથી બસો અઠયાસી માર્કસ વાચકોએ તેમને આપ્યા હતા. આ પરથી લાગે છે કે પ્રજાનો ડાકુ-પ્રેમ વધી રહ્યો છે. આપણા રાજકારણીઓની વાતો દરરોજ અખબારોમાં વાંચવાને પરિણામે વાચકોનું ડાકુઓ તરફનું માન તેમ જ આકર્ષણ વધી ગયું હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
વાચકોએ હરકિસન મહેતા પછી તરતના જ બીજા ક્રમે હિંદી લેખક ગુલશન નંદાને બેસાડી દીધા હતા. હિંદી સાહિત્યના અજ્ઞાની વિવેચકોએ જેમને એક ફાલતું લેખકનું ગૌરવ પણ નહોતું આપ્યું એ ગુલશન નંદાને ગુજરાતના દિલદાર વાચકોએ બીજા ક્રમે ગોઠવી દીધા હતા. એ લેખકના દરેક પુસ્તકમાં અપાયેલ રેસિપી પ્રમાણે હિંદી મસાલા ફિલ્મો બનતી જે ધૂમ ચાલતી. તેમની સફળતાથી અંજાઈને કેટલાક પ્રકાશકોએ એવા બીજા અડધો-ડઝન ગુલશન નંદાઓને જન્માવી, છાપીને બજારમાં રમતા મૂકી દીધા હતા, ગજવે કરી લીધા હતા. એ હિંદી પ્રકાશકો પાસે એ ગાળામાં જો અજ્ઞેયજી કે નિર્મલ વર્મા તેમની મૅન્યુસ્ક્રિપ્ટ લઈને મળવા ગયા હોત તો પ્રકાશકોએ તેમને ગુલશન નંદામાંથી પ્રેરણા લઈને એમના જેવું સુંદર લખવાની માગણી કરી હોત. એ દિવસોમાં નંદા બેસ્ટ સેલર હતા. (આજે આપણી પાસે ચેતન ભગત છે. ચોરો ક્યારેય વાંઝિયો નથી રહેતો).
કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ અને ગુણવંતરાય આચાર્યને આંખ સામે રાખી તેમની જ શૈલીમાં લખતા સ્વ. નવનીત સેવકને લોકચાહનામાં છઠ્ઠો નંબર મળેલો. મુનશી, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, રમણલાલ વસંતલાલ દેસાઈ અને પન્નાલાલ પટેલ જેવા દિગ્ગજોને નવનીત સેવકે પાછળ રાખી દીધા હતા. પન્નાલાલ પટેલને તો ભારતનો સર્વોચ્ચ ગણાતો જ્ઞાનપીઠ અવૉડ પણ મળ્યો હતો. આનો સીધોદોર અર્થ એ પણ તારવી શકાય કે અવૉર્ડો પર લેખકોની હોય છે એવી નજર વાચકોની ક્યારેય નથી હોતી. અહીં ગમ્મતની વાત પાછી એ હતી કે પન્નાલાલનો નંબર હાસ્યલેખક દામુ સાંગાણી કરતાંય પાછળ હતો. (બાય ધ વે, આ યાદીમાં શ્રેષ્ઠ હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેનો નામોલ્લેખ સુધ્ધાં ન હતો. એના માટેય નસીબ જોઈએ).
*
અનુવાદકનું કામ ગોરમહારાજ જેવું છે. એ તો વર-ક્ધયાનો હસ્તમેળાપ કરાવી આપે, બાકી સંસારમાં આગળ તો એ બંનેએ જ વધવાનું હોય છે. સ્વ. નગીનદાસ પારેખ, રમણલાલ સોની, શ્રીકાન્ત ત્રિવેદી કે ભોળાભાઈ પટેલ વગેરેનું કામ રવીન્દ્રનાથ ટાગોરને ગુજરાતી વાચકો સમક્ષ મૂકી આપવાનું હોય, પણ વાચકોના હૃદય સુધી પહોંચવું કે ન પહોંચવું એ ટાગોરના માથે. તેમની નૌકા તરી જાય કે ડૂબી જાય એ ટાગોરનો અંગત પ્રશ્ન છે, પરંતુ ટાગોરને અમારા નવલકથાકાર જશવંત મહેતાની પડખે બેસવું હોય કે પછી એમની સાથે હરીફાઈ કરવી હોય તો તેમને કોણ રોકી શકવાનું? ટાગોરને મળેલ નૉબેલ પ્રાઈઝથી પણ આ વાચકો જરા પણ અંજાયા નહોતા. એટલે જ વાચકને ‘રાજ્જા’ કહ્યો હશે? વાચક કોઈની સાડાબારી રાખતો નથી.
*
તા. ક.: ચુનીલાલ મડિયાના સુપુત્ર અમિતાભ મડિયા ભાવનગર ફરવા ગયા. રસ્તામાં આવતી પુસ્તકોની દુકાને જઈને તેમણે પૂછ્યું: ‘ચુનીલાલ મડિયાનાં પુસ્તકો છે?’ ‘નથી...’ દુકાનદારે જણાવ્યું: ‘પણ મડિયા કરતાંય વધુ સારા લેખક ઈશ્ર્વર પેટલીકરનાં પુસ્તકો છે.’ આ જવાબ સાંભળીને અમિતાભને કદાચ આઘાત લાગ્યો હશે, પરંતુ તેમને બદલે જો ચુનીલાલ મડિયા ત્યાં હાજર હોત તો પુસ્તક-વિક્રેતાઓ ઉત્તર સાંભળી તે ખડખડાટ હસી પડ્યા હતા...
(‘ચુનીલાલ મડિયા વિશેષ’: સંપાદન: અમિતાભ મડિયાની પ્રસ્તાવનામાંથી)