નવી દિલ્હી: ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયાના આશરે 3 મહિના પછી પહેલીવાર ભારત માટે લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) લઈને એક ટેન્કર હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી સુરક્ષિત બહાર નીકળી ગયું છે. ખાડી દેશો સંકટના આ સમયમાં પોતાના અગ્રણી ખરીદારોને ખૂબ જ ગુપ્ત રીતે ઈંધણનો પુરવઠો પૂરો પાડી રહ્યા છે, જેનાથી ભારતને મોટી રાહત મળવાની આશા છે.
એડનોક લોજિસ્ટિક્સ એન્ડ સર્વિસીસ (Adnoc Logistics & Services) ના ‘અલ હમરા’ (Al Hamra) ટેન્કરને તાજેતરમાં પશ્ચિમ ભારત તરફ આગળ વધતું જોવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર આ જહાજે 19 એપ્રિલની આસપાસ પોતાનું સિગ્નલ મોકલવાનું બંધ કરી દીધું હતું, જેથી તેને ટ્રેક ન કરી શકાય.
ગુપ્ત રીતે લોડ થઈ રહ્યો છે ગેસ
શિપિંગ ડેટા એનાલિટિક્સ કંપની 'કેપ્લર' (Kpler) ના જણાવ્યા અનુસાર, સિગ્નલ બંધ રહેવા દરમિયાન આ ટેન્કરે અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (Adnoc) ના દાસ આઈલેન્ડ નિકાસ પ્લાન્ટ પરથી ગેસ લોડ કર્યો હતો. સેટેલાઇટ તસવીરોથી પણ પુષ્ટિ થઈ છે કે દાસ આઈલેન્ડ પર એલએનજી (LNG) ટેન્કર આવી રહ્યા છે, ભલે તેઓ પોતાની લાઈવ લોકેશન જાહેર ન કરી રહ્યા હોય. આ પહેલા એડનોકે આ જ રીતે ગુપ્ત રીતે જાપાન અને ચીનને પણ એક-એક શિપમેન્ટ મોકલ્યું હતું.
શા માટે ઠપ થઈ ગયો હતો સપ્લાય?
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી ન થવાને કારણે હોર્મુઝ પર નાકાબંધી છે. બંને પક્ષોએ એકબીજા પર પ્રતિબંધો લગાવી રાખ્યા છે.
સામાન્ય રીતે દુનિયાના કુલ LNG સપ્લાયનો પાંચમો ભાગ આ જ રસ્તેથી પસાર થાય છે. સુરક્ષાના જોખમોને કારણે હવે મોટાભાગના જહાજો પોતાના ટ્રાન્સપોન્ડર (સિગ્નલ) બંધ કરીને જ અહીંથી પસાર થઈ રહ્યા છે.
ભારત પોતાની જરૂરિયાતના અડધાથી વધુ એલએનજી (LNG) કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE) તરફથી આયાત કરતું હતું, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. જેના કારણે ભારતને મોંઘા સ્પોટ માર્કેટમાંથી ગેસ ખરીદવો પડી રહ્યો હતો અને સ્થાનિક ઉદ્યોગોના સપ્લાયમાં પણ કાપ મૂકવો પડ્યો હતો.
ખાડી દેશોએ ઈંધણ પહોંચાડવાનો રસ્તો ચોક્કસપણે શોધી કાઢ્યો છે, પરંતુ આ યુદ્ધ પહેલાની સરખામણીમાં ખૂબ જ ઓછો છે. યુદ્ધ પહેલા દરરોજ સરેરાશ ત્રણ એલએનજી ટેન્કર હોર્મુઝમાંથી બહાર નીકળતા હતા.