Tue Sep 15 2026

Logo

પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં આપઘાત અને અપમૃત્યુના 5 બનાવો, કાળા ડુંગરની સીમમાંથી યુવાનનું કંકાલ મળ્યું

2026-06-26 10:48:00
Author: Vimal Prajapati
પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં આપઘાત અને અપમૃત્યુના 5 બનાવો, કાળા ડુંગરની સીમમાંથી યુવાનનું કંકાલ મળ્યું

ભુજઃ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં આત્મહત્યા અને શકાસ્પદ મોતના પાંચ જુદા-જુદા બનાવોમાં બે યુવાનો અને એક પરિણીતાએ ઝેરી દવા તેમજ ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી છે, જ્યારે સરહદી ખાવડા પંથકમાંથી એક પરપ્રાંતીય માનસિક અસ્વસ્થ યુવાનનું હાડપિંજર મળી આવતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે.

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, માંડવી તાલુકાના દેવપર-ગઢ ગામે રહેનાર 28 વર્ષીય જગદીશ બાબુ મહેશ્વરી નાનપણથી જ માનસિક અસ્વસ્થતાથી પીડિત હતો. આ લાંબી બીમારીથી કંટાળીને યુવકે ગત તારીખ 19 જૂનના રોજ સીમ વિસ્તારમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેમને ગંભીર હાલતમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન આજે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ગઢશીશા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભચાઉના કાંકરિયા વાડી વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતા રસીલાબેન મનજી બાલવાનીએ સાસરી પક્ષે પતિ સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાટમાં આવી જઈને ગત 11 જૂનના રોજ જંતુનાશક દવા પી લીધી હતી. 10 વર્ષના લગ્નજીવનમાં બે સંતાનોની માતા બનેલી આ પરિણીતાને ભુજની હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાઈ હતી, જ્યાં ગઈકાલે તેનું મોત નીપજ્યું હતું. ભચાઉ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય અકાળ મૃત્યુના બનાવોમાં ગાંધીધામના મહેશ્વરી નગરમાં મકાન નંબર 176માં રહેતા 22 વર્ષીય વિજય દામજી નિઝાર નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે અગમ્ય કારણોસર છતના હૂક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી. ગાંધીધામ પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. જયારે ભુજ નજીકના માધાપર ગામની રામનગરી સોસાયટીમાં રહેતા 28 વર્ષીય દિલીપ હરેશ ભીલે આજે બપોરે દોઢ વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગમ્ય કારણોસર કપડાના દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો હતો. તેને તુરંત હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. માધાપર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તજવીજ આદરી છે.

દરમિયાન, સરહદી ખાવડા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત કાળા ડુંગરની સીમમાં, સારણ નદીના વોકળામાંથી એક અજાણ્યા પુરુષનું હાડપિંજર મળી આવતાં ખાવડા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ પરથી માત્ર 2-3 હાડકાં અને પેન્ટ-શર્ટ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં આ કંકાલ મૂળ પશ્ચિમ બંગાળના 35 વર્ષીય યુવક સંદીપ શંકર સરકારનું હોવાનું ખૂલ્યું હતું. સંદીપ માનસિક રીતે અસ્વસ્થ હતો અને ગત તારીખ 26 મેના રોજ કથિત રીતે જંગલ અને ડુંગરાળ વિસ્તાર તરફ ચાલ્યો ગયો હતો. પોલીસના અંદાજ મુજબ, ગત તારીખ 26 મે થી 18 જૂન દરમિયાન અવાવરૂ ડુંગરાળ વિસ્તારમાં ભૂખ-તરસ અથવા અન્ય કોઈ કુદરતી કારણે તેનું મોત નીપજ્યું હોવું જોઈએ. ખાવડા પોલીસે આ ચકચારી મામલે કાયદેસરની નોંધ કરી વિધિવત તપાસ હાથ ધરી છે.